મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ગૌરવભેર ઉજવણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગરિમાપૂર્ણ માહોલમાં તિરંગાને સલામી આપી –મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં પોરબંદરના પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું
-:મુખ્યમંત્રીશ્રી:-
Ø વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યના આધારે વિકસિત ગુજરાત ૨૦૪૭ના વિઝનને સાકાર કરવા એજન્ડા ફોર ૨૦૩૫
Ø ગુજરાત@75માં ગુજરાતને દેશના સર્વગ્રાહી વિકાસમાં વધુ નવી વૈશ્વિક ઊંચાઈઓ પાર કરવાનો સહિયારો સંકલ્પ લઈએ
Ø નવા આયામો સિદ્ધ કરવા ‘સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિક’ના ધ્યેય સાથે એજન્ડા ફોર–૨૦૩૫ સરકાર લાવશે
મહારાષ્ટ્ર રાજ્ય પોલીસ સહિત ૧૯ પ્લાટૂનના ૬૮૫ જવાનોએ રાષ્ટ્રધ્વજને શિસ્તબદ્ધ પરેડ દ્વારા સલામી આપી
ગુજરાત પોલીસના જવાનોએ પ્રસ્તુત કરેલા અશ્વ શો, ડોગ શો, બાઈક શોના દિલધડક દ્રશ્યો નિહાળી લોકો રોમાંચિત થયા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૯મા સ્વાતંત્ર્ય પર્વે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં રાષ્ટ્રભક્તિમય માહોલમાં ધ્વજવંદન કરાવી તિરંગાને સલામી આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ૧૯૬૦માં ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના થઈ ત્યારથી શરૂ થયેલી વિકાસયાત્રાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૧મી સદીમાં નવી દિશા, નવી ઉર્જા અને વેગ મળ્યા છે, તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે રાજ્યના નાગરિકોને ૭૯મા સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવતા જાહેર કર્યું કે, વર્ષ ૨૦૩૫માં ગુજરાતની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થાય છે, ત્યાં સુધીમાં સર્વાંગી વિકાસ અને વધુ લોકાભિમુખ વહીવટના નવા આયામો સિદ્ધ કરવા ‘સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિક’ના ધ્યેય સાથે ‘એજન્ડા ફોર ૨૦૩૫’ સરકાર લાવી રહી છે.
વડાપ્રધાનશ્રીએ આપેલ ‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યના આધારે ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા માટે આ ‘એજન્ડા ૨૦૩૫’ હોલ ઓફ ગવર્મેન્ટના અભિગમ સાથે દિશાસૂચક બનશે એમ પણ તેમણે સ્વતંત્રતા દિવસ અવસરે નાગરિક સંબોધનમાં ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ ‘એજન્ડા ૨૦૩૫’ના ફ્રેમવર્કમાં રાજ્ય વ્યાપી આંતરમાળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવી, નાગરિકોને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ કરવા ઉપરાંત આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઇનોવેશન આધારિત વિકાસ માટેની ઇકો સિસ્ટમ અને નવી ઉભરતી ટેકનોલોજીના ઉપયોગ માટે યુવા વર્ગને તૈયાર કરવા સહિતના પાસાઓને આવરી લેવાની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય શ્રમ–રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવીયા, ભાગવત કથાકાર સંત પૂજ્ય રમેશભાઈ ઓઝા, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય શ્રી અર્જુન મોઢવાડિયા અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ બેન્ડની રાષ્ટ્રગીત સુરાવલી અને પરેડ સાથે આ ધ્વજવંદના કરાવી હતી.
તેમણે આ અવસરે પોરબંદરને આંગણેથી રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ અને સમયબદ્ધ શહેરી વિકાસ આયોજનની મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ શહેરોની સાથે ગામોના પણ વેલ પ્લાન્ડ ડેવલપમેન્ટ માટે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ જાહેર કરતા જણાવ્યું કે જે ગ્રામ પંચાયતો તાલુકા મથક હોય અને નગરપાલિકામાં ભળી ન હોય તેવી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ કરીને તેને શહેરી તર્જ ઉપર વિકસાવવા અને ભૌતિક સુવિધાઓ ઊભી કરવા રૂપિયા ૧૦૦ કરોડની ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ લાવ્યા છીએ.
મોટા ગામડાઓ શહેરોનો વિકલ્પ બને અને નાગરિકો શહેરો તરફથી આવા મોટા ગામો તરફ આવવા પ્રેરાય તેવો આ યોજનાઓનો હેતુ છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ નવી યોજનામાં ખાસ કરીને માળખાગત સુવિધાઓને લગતા કામો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સોલાર સ્ટ્રીટ લાઈટ તથા આરોગ્ય સુખાકારી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના કામો સમાવિષ્ટ કરાશે તેમ જણાવ્યું હતું.
રાજ્યમાં આ વર્ષે ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ દરમિયાન નાના નગરોના સુઆયોજિત વિકાસ માટે ૧૦૦થી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ અને એક લાખ સુધીની વસ્તી ધરાવતા ૫૫ નગરો માટે GIS આધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની જાહેરાત મુખ્યમંત્રીશ્રીએ આ તકે કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે શહેરો હોય કે ગ્રામીણ વિસ્તાર, દરેક સુધી વિકાસ પહોંચે તેવી હોલીસ્ટિક ડેવલપમેન્ટની નેમથી સરકાર કાર્યરત છે.
આ સંદર્ભમાં તેમણે ડબલ એન્જિન સરકારના બેવડા લાભ સાથે રાજ્યમાં વિવિધ ક્ષેત્રે થયેલા વિકાસ અને જનહિત યોજનાઓની સિદ્ધિઓની વિશદ છણાવટ કરી હતી.
ગુજરાત આજે નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ NSDPમાં વ્યક્તિ દીઠ રૂપિયા ૧.૯૬ લાખ સાથે દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર ગ્લોબલ’ માટે સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનો ખરીદવા, ઉપયોગ કરવાની ભારપૂર્વક હિમાયત કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે આપેલા કોલને સાકાર કરવા દરેક ક્ષેત્રે નિર્ભરતાથી પ્રભુત્વ તરફ આગળ વધી આત્મનિર્ભર થવા તેમણે આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ટીમ ગુજરાતે પણ વંચિત, ગરીબ, છેવાડાના અને અંત્યોદયને કેન્દ્રમાં રાખીને જ આવાસ, આહાર, આરોગ્ય, અભ્યાસ અને આર્થિક ઉન્નતિ માટેની અનેક યોજનાઓનું સફળ અમલીકરણ કર્યું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શહેરી અને ગ્રામીણ મળીને ૧૧ લાખ આવાસ, ૨.૯૦ કરોડ લોકોને આયુષ્માન આરોગ્ય કાર્ડ, ૩ કરોડ ૨૬ લાખ અંત્યોદય લોકોને વિનામૂલ્યે અનાજ જેવી સિદ્ધિઓ વર્ણવી હતી.
તેમણે ઉમેર્યું કે, ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે બનેલી યોજનાઓનો લાભ ૧૦૦ ટકા તેમને મળે તે માટે સેચ્યુરેશન અપ્રોચ અને જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન શરૂ કર્યા છે.
આદિવાસીઓના સર્વગ્રાહી ઉત્કર્ષ માટે વનબંધુ કલ્યાણ યોજના – ૨માં આ વર્ષે ૩૦,૧૨૧ કરોડની માતબર ફાળવણી કરી છે.
અત્યાર સુધીમાં આદિજાતિના બાળકોના શિક્ષણ માટે ૪૩૦૦ કરોડથી વધુની શિષ્યવૃતિ સહાય આપી છે. તેની વિગતો તેમણે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી વર્ષના સંદર્ભમાં આપી હતી.
શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ એમ ‘ગ્યાન’ આધારિત ચાર સ્તંભોના સશક્તિકરણના અનેક આયામો રાજ્ય સરકારે ઉપાડ્યા છે.
યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ મજબૂત કરી રહ્યા છીએ. પાંચ લાખ લખપતિ દીદી અને મહિલા સંચાલિત દૂધ મંડળીઓમાં ૨૧ ટકા મહિલા ભાગીદારીએ નારીશક્તિને સશક્ત કરી છે.
અન્નદાતાના હિતોને પણ અગ્રતા આપીને બીજથી બજાર સુધી સરકાર તેની પડખે ઊભી છે. માછીમાર ભાઈઓને ડીઝલ વેટની રાહત સહાય ડીબીટીથી ચૂકવવામાં આવે છે તેની વિગતો તેમણે આપી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટે ૧૨ ‘ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર’, ડીસાથી પીપાવાવ ‘નમો શક્તિ એક્સપ્રેસ વે’ અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે વિકસાવવાના આયોજનની વાતો વર્ણવી હતી.
તેમણે ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મેપ પર ચમકાવનારી વાઇબ્રન્ટ સમિટ ની ઉત્તરોતર સફળતાને પગલે હવે રાજ્ય સરકાર રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવાની છે તેની ભૂમિકા આપતા કહ્યું કે આવનારા સમયમાં રાજ્યના મહાનગરોમાં વિશ્વ કક્ષાની રમતનું આયોજન થવાનું છે તે માટે વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવી રહ્યા છીએ.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં સુરક્ષા–સલામતી, આરોગ્ય સુખાકારી, બાળકોને પૌષ્ટિક પુરક આહાર માટેની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની સફળતાઓ પણ પ્રસ્તુત કરી હતી.
તેમણે કહ્યું કે વર્ષ ૨૦૪૭માં દેશની આઝાદીની શતાબ્દી ઉજવાય તે પહેલા ૨૦૩૫માં રાજ્યના ૭૫ વર્ષની ઉજવણી માટેનો અવસર આપણને મળવાનો છે. વિકસિત ભારત – ૨૦૪૭ માટે વિકસિત ગુજરાત – ૨૦૪૭ અને ગુજરાત@75માં ગુજરાતને દેશના સર્વગ્રાહી વિકાસમાં વધુ નવી વૈશ્વિક ઊંચાઈઓ પાર કરાવવાનો સહિયારો સંકલ્પ ૭૯મા સ્વતંત્રતા પર્વે લેવાનો પણ તેમણે રાજ્યના પ્રજાજનોને કોલ આપ્યો હતો.
સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના પ્રારંભે મુખ્યમંત્રીશ્રીનું આગમન થતા મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી અને પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય મુખ્યમંત્રીશ્રીને પોડીયમ તરફ દોરી ગયા હતા.
રાષ્ટ્રીય પર્વની આ શાનદાર ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પોલીસ દ્વારા દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પોલીસના જવાનો દ્વારા અશ્વ શો, બાઈક સ્ટંટ શો અને ડોગ શો સહિતના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતા. જેને નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. પરેડમાં મહારાષ્ટ્ર પોલીસ સહિત ૧૯ પ્લાટુનના કુલ ૬૮૫ કર્મચારી – જવાનોએ ભાગ લીધો હતો.
સંબોધન બાદ મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનારા કલાકારો, પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમના અંતે ફોટો પડાવી ઉત્સાહવર્ધન કર્યું હતું.
કાર્યક્રમના અંતે ‘એક પેડ મા કે નામ ૨.૦’ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, શ્રી રમેશભાઈ ઓઝાએ માધવાણી કોલેજના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વનાં રાજ્ય કક્ષાનાં આ સમારોહમાં કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા, સાંસદશ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ભાગવતાચાર્યશ્રી રમેશભાઈ ઓઝા, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય, અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર, અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, પૂર્વ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, કલેક્ટર શ્રી એસ.ડી.ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી.ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ.જે.પ્રજાપતિ, જિલ્લા પોલીસવડા શ્રી ભગીરથસિંહ જાડેજા, અગ્રણીશ્રી ચેતનાબેન તિવારી, શ્રી સાગર મોદી સહિત પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ગણમાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.