Western Times News

Gujarati News

પુતિન સાથે મુલાકાત બાદ ટ્રમ્પના સૂર બદલાયા, યુક્રેન-યુરોપના નેતાઓ યુએસમાં

વોશિંગ્ટન, અલાસ્કા ખાતે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સંદર્ભે કરેલા ખુલાસાથી સસ્પેન્સ વધ્યું છે.

રવિવારે ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ સંદર્ભે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, રશિયા સાથે મોટી પ્રગતિ સધાઈ છે. વધુ માહિતી માટે રાહ જુઓ. શુક્રવારે વાટાઘાટો પૂરી થયા બાદ ટ્રમ્પ અને પુતિન તરફથી કોઈ નક્કર જાહેરાત થઈ ન હોતી, પરંતુ બંને નેતાઓએ આ મુલાકાતને ઉષ્માસભર ગણાવી હતી.

બે દિવસ બાદ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમના સૂર બદલાયેલા હોવાનું જણાય છે, જેના કારણે યુક્રેન-યુરોપના નેતાઓ વોશિંગ્ટન દોડ્યા છે. અલાસ્કામાં બેઠક સંપન્ન થયા પછી પુતિન અને રશિયા પ્રત્યે ટ્રમ્પના સૂર બદલાઈ રહ્યા છે.

ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફે આ અંગે જણાવ્યુ હતું કે, બંને દેશ યુક્રેન માટે ચુસ્ત સલામતી ગેરંટી આપવા સંમત થયા છે અને આ શાંતિ કરાર ગેમ ચેન્જર સાબિત થશે. ૨૦૨૨માં યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યા પછી પુતિનને પ્રથમ વખત પશ્ચિમી દેશમાં પ્રવેશની મંજૂરી મળી છે.

વળી ટ્રમ્પ અને પુતિન વચ્ચે વાટાઘાટો પણ ત્રણ કલાક લાંબી ચાલી છે. બંને નેતાઓ તરફથી આ અંગે નક્કર જાહેરાત થઈ નથી, ત્યારે શાંતિ કરારની સંભવિત શરતોએ યુક્રેન અને યુરોપના દેશોની ચિંતા વધારી છે. સૂત્રોના મતે, ટ્રમ્પ અને પુતિન વચ્ચેની વાટાઘાટોમાં યુક્રેન તથા રશિયા વચ્ચે વિસ્તારોની અદલા-બદલી અંગે વિચારણા થઈ હતી.

જેમાં રશિયાએ કબજે કરેલા કેટલાક નાના વિસ્તારો યુક્રેનને પરત આપવા તથા પૂર્વ વિસ્તારમાં આવેલા યુક્રેનના વિસ્તારો રશિયાને સોંપવા તથા તમામ મોરચે યુદ્ધ વિરામની દરખાસ્ત અંગે વિચારણા થઈ હતી.

ટ્રમ્પ કે પુતિન તરફથી શાંતિ કરારની શરતો અંગે જાહેરમાં કોઈ ખુલાસો થયો નથી, પરંતુ યુક્રેનને ઝડપથી શાંતિ કરારનો સ્વીકાર કરવા ટ્રમ્પ દબાણ કરી રહ્યા છે. પ્રથમ મુલાકાત દરમિયાન ઝેલેન્સ્કીને ટ્રમ્પે રીતસરના તતડાવી નાખ્યા હતા અને આ અપમાનનું લાઈવ પ્રસારણ કરોડો લોકોએ જોયુ હતું.

ફરી વખત ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે વોશિંગ્ટનમાં મુલાકાત થવાની છે. આ મુલાકાત દરમિયાન ઝેલેન્સ્કીનું મનોબળ વધારવા અને યુક્રેનને સમર્થન આપવા માટે યુરોપિયન સંઘના નેતાઓ પણ વોશિંગ્ટન પહોંચ્યા છે, જ્યાં યુક્રેન સહિત યુરોપના નેતાઓ ટ્રમ્પને મળવાના છે. ઝેલેન્સ્કી સાથે ળેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, યુકેના વડાપ્રધાન કેઈર સ્ટાર્મર, ઈટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, જર્મન ચાન્સેલર ળેડરિક મેર્ઝ, યુરોપિયન સંઘના અધ્યક્ષ ઉરસુલા વોન ડેર લીએન પણ હાજર રહેવાના છે.

ટ્રમ્પ સાથેની વાટાઘાટો બાદ પુતિને અમેરિકન તંત્રના અભિગની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યુ હતું કે, વહેલામાં વહેલી તકે યુદ્ધ પૂરું કરવા અને તમામ વિવાદોના શાંતિપૂર્ણ રીતે ઉકેલ માટે રશિયા તત્પર છે.

અલાસ્કા ખાતેની તેમની મુલાકાત સમયસરની અને જરૂરી હતી. આ મુલાકાતમાં રશિયા-યુએસ સહકારથી માંડીને યુક્રેન સાથેના યુદ્ધના ન્યાયી ઉકેલની સંભાવના અંગે પણ ચર્ચા થઈ હતી. ટ્રમ્પ સાથે અત્યંત મોકળા મને ચર્ચા થઈ હતી અને તેના કારણે નિર્ણયાત્મક સ્થિતની નિકટ પહોંચડવામાં મદદ મળી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.