મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

મુંબઈ, મુંબઈમાં રવિવારે સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યાથવત્ રહી હતી. હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા રાજ્યમાં અપાયેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે મુંબઈ શહેર ઉપરાંત અન્ય સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો.
કેટલાક સ્થળોએ શોર્ટ સર્કિટના બનાવ બન્યા હતા તથા ઝાડ તૂટી પડવાની સંખ્યામાં પણ વધારો થયો હતો. બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પાેરેશનના જણાવ્યા મુજબ મુંબઈમાં ૧૯ જેટલા ઝાડ તથા ડાળીઓ તૂટવાની ફરિયાદો મળી હતી. સદનસીબે આ બનાવોમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નહતી.
મુંબઈ શહેરમાં સરેરાશ ૨૩.૮૧ એમએમ, પરા વિસ્તાર પૈકી પૂર્વમાં ૨૫.૦૧ એમ એમ અને પશ્ચિમમાં ૧૮.૪૭ એમએમ વરસાદ પડ્યો હતો. કેટલાક સ્થળોએ ૪૦-૪૫ મીમી વરસાદ નોંધાયો હતો. આગલી રાત્રે પડેલા ધોધમાર વરસાદની તુલનાએ રવિવારે તિવ્રતા ઓછી થઈ હતી. મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન થોડી વિલંબથી દોડી રહી હતી.
સત્તાવાળાઓએ સેન્ટ્રલ રેલવે લાઈન પર ટ્રેનનાં વિલંબ પાછળ કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નહતું. હવામાન વિભાગ દ્વારા મુંબઈ તથા આસપાસના સ્થળો માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.
મુંબઈ શહેર ઉપરાંત થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લામાં આગામી સમયમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. પવનની ઝડપ દિવસે ૪૦-૫૦ કિમી પ્રતિ કલાક રહેશે અને રાત્રે વધીને ૬૦ કીમી થવાનો અંદાજ છે. શનિવારે મુંબઈમાં પડેલા ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.
વિખરોલી પાર્કસાઈટ ખાતે ભૂસ્ખલન થવાથી બે લોકોનાં મોત થયા હતા જ્યારે અનેક ઘાયલ થયા હતા. મધ્ય અને પશ્ચિમ રેલવેની સંખ્યાબંધ લાઈન પર પાણી ફરી વળતા ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ હતી.
આગામી બેથી ત્રણ દિવસ મેઘરાજા મુંબઈ અને તેની નજીકના ક્ષેત્રોને ઘમરોળવાનું યથાવત્ રાખશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.SS1MS