જીટીયુના ગેરરીતિમાં પકડાયેલા ૪૧૧ વિદ્યાર્થીને સજા ફરમાવાઈ, ૩૧ નિર્દાેષ

અમદાવાદ, જીટીયુ દ્વારા સમર-૨૦૨૫ની પરીક્ષામાં ગેરરીતિ કરતાં પકડાયેલા ૪૪૫ વિદ્યાર્થીનું હીયરિંગ કરાયું હતું. જેમાં ૪૧૧ને વિવિધ લેવલની ફાઈનલ સજા કરાઈ હતી. જ્યારે પ્રોવિઝનલ સજા બાદ ફાઈનલ હીયરિંગમાં ૩૧ વિદ્યાર્થી નિર્દાેષ જાહેર થયાં છે.
જ્યારે ૩ વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ સજા કરાયા બાદ તેમની ગેરરીતિ વધુ ગંભીર જણાતા તેમની પુનઃ સુનાવણી હાથ ધરવાનું નક્કી કરાયું છે. જેથી આ વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ સજા થઈ તેના કરતા ફાઈનલમાં સજામાં વધારો થયો હોવાથી વધુ એક વાર સાંભળવામાં આવશે. જીટીયુ દ્વારા સમરમાં લેવાયેલી પરીક્ષા વખતે કેટલાક વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા હતા.
જેથી આ પકડાયેલા ૪૪૫ વિદ્યાર્થીને વિવિધ લેવલની પ્રોવિઝનલ સજા જે તે વખતે કરાઈ હતી. પ્રાથમિક તબક્કામાં સજા કર્યા બાદ જીટીયુની અનફેર મિન્સ કમિટી દ્વારા ૨૨ જુલાઈથી ૨૫ જુલાઈ દરમિયાન રૂબરૂ સુનાવણી હાથ ધરાઈ હતી.
આ સુનાવણી દરમિયાન કમિટીને ૩૧ વિદ્યાર્થીએ ગેરરીતિ કરી ન હોવાનું લાગતા તેઓને નિર્દાેષ જાહેર કરાયા હતા. આ ઉપરાંત અન્ય ૪૧૧ વિદ્યાર્થીઓને કમિટીના હીયરિંગ બાદ વિવિધ લેવલની સજા ફટકારવામાં આવી છે.
જેમાં ૨૧ વિદ્યાર્થીઓનું જે તે વિષયનું પરિણામ રદ કરવાની લેવલ-૧ની સજા કરવામાં આવી છે. જ્યારે ૧૭૪ વિદ્યાર્થીઓને લેવલ-૨ની સજા કરાઈ છે, જેમાં તેમનું તમામ વિષયનું એક સેમેસ્ટરનું પરિણામ રદ કરવાની સજા છે. આ ઉપરાંત ૨૧૫ વિદ્યાર્થીઓને લેવલ-૩ની સજા કરવામાં આવી છ.
આ સજામાં વિદ્યાર્થીઓનું તમામ વિષયનું પરિણામ રદ કરવા ઉપરાંત આગામી એક પરીક્ષામાંથી બાકાત રાખવાની સજા કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને સજા કરાઈ છે, તેમાં ૧ વિદ્યાર્થીને લેવલ-૪ની સજા પણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જેમાં આ વિદ્યાર્થીને ચાલુ પરીક્ષામાં નાપાસ કરવા ઉપરાંત આગામી ૩ સેમેસ્ટર પરીક્ષામાંથી બાકાત રાખવાની સજા કરવામાં આવી છે. આ ઉપરાંત ૩ વિદ્યાર્થીઓની સજામાં વધારો કરવામાં આવ્યો હોવાથી તેમના કેસ અત્યારે પેન્ડિંગ રાખવામાં આવ્યા છે.
આ વિદ્યાર્થીઓને કમિટી ફરી એકવાર સાંભળશે અને ત્યારબાદ તેમને સજા સંભળાવવામાં આવશે. જીટીયુની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વધુ ૩૯ વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં ફાઈનલ સજા કરવામાં આવશે.
આ વિદ્યાર્થીઓને પ્રથમ તબક્કામાં સજા કરી દેવામાં આવી છે. પ્રોવિઝનલ સજામાં ૩૪ વિદ્યાર્થીઓને વિવિધ લેવલની સજા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જ્યારે ૨ વિદ્યાર્થીઓને લેવલ-૭ અંતર્ગત સુનાવણી બાદ સજા કરાશે. આ માટે કમિટી દ્વારા ૧૯ ઓગસ્ટના રોજ હીયરિંગ રાખવામાં આવ્યું છે. આ હીયરિંગ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓની ફાઈનલ સજા જાહેર કરાશે.SS1MS