સુરતમાં રૂ.૨૫ કરોડથી વધુના હીરા અને રોકડની ચોરી

દેશની સૌથી મોટી હીરા ચોરી! તસ્કરો સીસીટીવી અને ડીવીઆર પણ લઈ ગયા
(એજન્સી)સુરત, કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં દેશની અત્યાર સુધીની સૌથી મોટી હીરા ચોરીનો કેસ સામે આવ્યો છે. ત્રણ દિવસની જાહેર રજાનો લાભ ઉઠાવીને ચોરોએ આ સુનિયોજિત ચોરીને અંજામ આપ્યો હતો. ચોરોએ ચોથી માળે આવેલી ફેક્ટરીને ટાર્ગેટ કરી હતી.
અંદર પ્રવેશવા માટે દરવાજા તોડી નાખ્યા અને કાચ કાઢીને ઓફિસમાં પ્રવેશ કર્યો. બાદમાં ગેસ કટર વડે ત્રણ લેયરની તિજોરીમાં ૧૨ ઇંચ બાય ૧૦ ઇંચનો છિદ્ર પાડી અંદરના હીરા અને રોકડ ઉઠાવી ગયા. તિજોરી તોડવાની પ્રક્રિયા માટે તેમને અંદાજે દોઢથી બે કલાક લાગ્યા હોવાનું માનવામાં આવે છે.
સૌથી પહેલા ચોરોએ બહારનો ફાયર એલાર્મ તોડી નાખ્યો, જેથી કટિંગ દરમિયાન કોઈ અવાજ કે ધુમાડાથી એલાર્મ ન વાગે. ચોરી બાદ ચોરોએ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા અને ડીવીઆર પણ લઈ ગયા, જેથી તેમના હાવભાવ કે ઓળખ અંગે કોઈ પુરાવા ન રહી શકે.
આ સમગ્ર બિÂલ્ડંગમાં છેલ્લા ત્રણ દિવસથી સિક્્યુરિટી ગાર્ડ હાજર નહોતો, કારણ કે રજાઓને કારણે તેને રજા આપવામાં આવી હતી. આ અવસરનો ચોરોએ ચોક્કસ ઉપયોગ કર્યો. પોલીસના જણાવ્યા મુજબ, ચોરીની રીત જોતા લાગે છે કે આ કોઈ સામાન્ય ચોરી નથી, પરંતુ એક સુનિયોજિત કાવતરું છે.
પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ, અંદાજે રૂ.૨૫ કરોડથી વધુ મૂલ્યના હીરા ચોરાઈ ગયા છે. ઘટનાસ્થળે ડીસીપી, એસીપી, અને એફએસએલની ટીમ પહોંચી તપાસ શરૂ કરી છે. નજીકના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે, જેથી ચોરોના સંકેત મળી શકે.
ઘટનાસ્થળની નજીક મેઇન રોડથી ફેક્ટરી પહોંચવા માટે અંદાજે ૨૦૦ મીટરનો રસ્તો છે, જેમાં વચ્ચે ૫૦ જેટલી દુકાનો અને અન્ય ડાયમંડ ફેક્ટરીઓ આવેલી છે. તેથી પોલીસ માનતી છે કે આ ફેક્ટરી વિશે ચોરોને અગાઉથી જ સંપૂર્ણ જાણકારી હતી. આ કારણે અંદરની જાણકારી આપનાર (ઇનસાઇડર) પણ સંડોવાયેલ હોઈ શકે છે તેવી દિશામાં તપાસ ચાલી રહી છે.
આ ઘટનાએ સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતા ફેલાવી છે. કરોડો રૂપિયાના હીરા એક જ ફેક્ટરીમાંથી ગાયબ થવાથી સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઉદ્યોગસાહસિકોમાં હવે સુરક્ષા મજબૂત બનાવવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે.
આ બનાવ કાપોદ્રા વિસ્તારમાં આવેલ કપૂરવાડી ખાતેની કંપનીના ચોથા માળે થયો છે. તસ્કરો રજા દરમિયાન ૧૫થી ૧૭ ઓગસ્ટ વચ્ચે અવસરનો લાભ ઉઠાવીને આ ચોરી કરી હતી. ૧૫ તારીખની સાંજે માલિક કંપની બંધ કરીને ગયા હતા અને ૧૮ તારીખની સવારે તેઓએ કંપની પર પહોંચતા તિજોરી કાપવામાં આવી હોવાનો અને રફ હીરા તેમજ રોકડની ચોરી થયાનો નોંધાવ્યો.