Western Times News

Gujarati News

બિલીમોરામાં મેળામાં રાઈડ તૂટી: રાઇડનું ફિટનેસ સર્ટીફિક્ટ છે કે, નહિ? શું SOPનું પાલન થયું હતુ ?

નવસારીના બિલીમોરામાં મેળામાં રાઈડ તૂટી જતા પાંચ લોકો ગંભીર

(એજન્સી)નવસારી, નવસારીના બીલીમોરામાં સોમનાથ મહાદેવના મેળામાં ટોરે ટોરા રાઈડ તૂટી જતાં નીચે પટકાતા દુર્ઘટના સર્જાઇ હતી, આ દુર્ઘટનામાં ૫ લોકોને ઇજા પહોંચ્યાના અહેવાલ છે. દુર્ઘટનામાં ૨ બાળકો, મહિલા અને રાઇડ ઓપરેટરને ઇજા પહોંચી છે. રાઇડ તૂટી જતાં દુર્ઘટનાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. સૌથી મોટો સવાલ છે કે, ચેક કર્યા વિના જ રાઇડને લાયસન્સ આપ્યું હતું.

રાઇડનું ફિટનેસ સર્ટીફિક્ટ છે કે, નહિ. શું એસઓપીનું થયું હતુ પાલન કે નહિ? સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઇના મોતના સમાચાર નથી. જો કોઇનું મૃત્યુ થયું હોત તો કોણ જવાબદાર? આ સમગ્ર દુર્ઘટનાને લઇને અનેક સવાલ ઉઠી રહ્યાં છે.

હાલ શ્રાવણ માસમાં રાજ્યમાં સાતમ આઠમના પર્વ પર અનેક સ્થળો મેળાનું આયોજન કરવામાં આવે છે. નવસારીના બીલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે સાતમ આઠમનો મેળો યોજાય છે. આ મેળાનું નામ સોમનાથ મેળો છે, દર વર્ષે આસપાસના ગામમાંથી લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવે છે.

મેળામાં લોકો ખાણી પીણી અને અલગ અલગ પ્રકારની રાઇડની મજા માણતા હોય છે. જો કે રાઇડ તૂટી પડતાં મેળાની રંગમાં ભંગ પડ્યો હતો અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો મેળો છોડીને ભાગવા લાગ્યાં હતા. દુર્ઘટનાના પગલે તાબડતોબ પોલીસની ટીમ દોડતી થઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

ઇજાગ્રસ્તમાં રાઇડ ઓપરેટર પણ સામેલ છે. રાઇડમાં શું ખામી હતી અને કેવી રીતે તૂટી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રાઇડને હાલ બંધ કરી દેવાઇ છે. રાઇડની કેવી રીતે અને કેમ તૂટી પડી તેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશન ચેક કર્યા વિના જ ઘણી વખત રાઇડને મંજૂરી આપી દે છે.

જેથી રાઇડની ફિટનેસના માપદંડમાં કરવામાં આવતી બાંધછોડ નિર્દોષ લોકોના જીવને આ રીતે જોખમમાં મૂકે છે. મેળામાં રાઇડ તૂટવાની અનેક વખત ઘટના બની ચૂકી છે પરંતુ આપણે ક્્યારે કોઇ ભૂલમાંથી શીખ નથી લેતા, જેથી નિર્દોષ લોકના જીવ જોખમમાં મૂકાતા રહે છે. નવસારી રાઇડ તૂટવાની ઘટના એનું વધુ એક ઉદાહરણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.