મતદાર યાદીમાંથી કાઢી નાખેલા ૬૫ લાખ મતદારોના નામ ચૂંટણી પંચે કર્યા જાહેર

(એજન્સી)નવી દિલ્હી, બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, એસઆઈઆર અને મત ચોરીનો મુદ્દો વધુ વકરી રહ્યો છે. કોંગ્રેસ સહીતના વિપક્ષ દ્વારા આ મુદ્દે સતત ચૂંટણી પંચ પર અનેક આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ચૂંટણી પંચ પણ આરોપો સામે પ્રત્યુતર આપીને તેને સાચા ઠેરવવા માટેના પુરાવાઓ માંગી રહ્યું છે.
બિહાર મતદાર યાદીમાંથી લગભગ ૬૫ લાખ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા હતા. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે આ કાઢી નાખેલા નામો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી કાઢી નખાયેલા ૬૫ લાખ લોકોના નામ વેબસાઇટ પર અપલોડ કર્યા છે.
સુપ્રીમ કોર્ટના આદેશ પછી, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે, ગઈકાલ રવિવારે કહ્યું કે બિહારની મતદાર યાદીમાંથી દૂર કરાયેલા ૬૫ લાખ લોકોના નામ જિલ્લા મેજિસ્ટ્રેટની વેબસાઇટ પર ( જે તે મતદાર વિસ્તારના ક્ષેત્ર) અપલોડ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા અનુસાર, ચૂંટણી નોંધણી અધિકારી , જે એસડીએમ સ્તરના અધિકારી છે, બૂથ લેવલ અધિકારીઓની મદદથી મતદાર યાદી તૈયાર કરે છે અને તેને અંતિમ સ્વરૂપ આપે છે.
જો બિહારમાં હાથ ધરવામાં આવેલા એસઆઈઆર માં તમારું નામ પણ કાઢી નાખવામાં આવ્યું હોય, તો તમે આ વેબસાઇટ પર જઈને તમારા નામ વિશે માહિતી મેળવી શકો છો. આ સાઈટમાં જઈને જિલ્લા અને વિધાનસભા પસંદ કરીને, તમે તમારા નામ તેમજ તમારી આસપાસના લોકોના નામ પણ ચકાસી શકો છો. ગયા અઠવાડિયે, બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સામેની અરજીઓની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો.