પ્રવાસી બંગાળી મજૂરોને રોજગાર ન મળે ત્યાં સુધી રૂ.૫૦૦૦ અપાશેઃમમતા

નવી દિલ્હી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રવાસી મજૂરો માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ પ્રવાસી મજૂરો માટે પુનર્વસન માટે યોજના શરુ કરવાના નિર્ણયની જાહેરાત કરતી વખતે કહ્યું કે, નવી યોજના અંતર્ગત પ્રવાસી મજૂરો માટે એક વર્ષ સુધી અથવા જ્યાં સુધી તેમને રોજગાર મળે નહીં, ત્યાં સુધી પ્રતિ મહિને પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કેટલાક રાજ્યોમાં બંગાળી ભાષી પ્રવાસીઓને ટાર્ગેટ કરવાના મામલાને લઈને મમતા બેનરજી કેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવતા રહ્યા છે.
મમતા બેનરજીએ આક્ષેપ લગાવ્યો કે, ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં બંગાળી ભાષી પ્રવાસી મજૂરો પર હુમલાઓ પ્રિ-પ્લાન્ડ છે.ભાજપ શાસિત રાજ્યોમાં લગભગ ૨૨ લાખ પ્રવાસી મજૂરો અને તેમના પરિવારજનો પરેશાન છે.
બંગાળની કેબિનેટે પ્રવાસી મજૂરો-કારીગરોને પરત ફરવા અને પોતાનું જીવન નવેસરથી શરુ કરવા ઈચ્છુક મજૂરોના પુનર્વસનમાં મદદ કરવા આ યોજનાને મંજૂરી આપી છે. આ પહેલા મમતાએ દાવો કર્યાે હતો કે બંગાળી બોલનાર ભારતીયોને બાંગ્લાદેશી કહીને બળજબરીથી બહાર મોકલવામાં આવી રહ્યા છે.
બંગાળના મજૂરોને અન્ય જગ્યાઓ પર તેમની ભાષાના કારણે પરેશાન કરવામાં આવી રહ્યા છે. બેનરજીએ દાવો કર્યાે કે આ પ્રકારની ઘટનાઓનો એ જ્યારે વિરોધ કરે છે, તો કેટલાક લોકો તેમના પર એનએસએ લગાવવાની માંગ કરે છે.SS1MS