જથ્થાબંધ ઓર્ડર અપાવવાની લાલચ આપી ગઠિયાએ યુવક પાસે ૭.૩૭ લાખ પડાવી લીધા

અમદાવાદ, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે – સાયબર ગઠિયાનો ભોગ બનેલા મોટાભાગના લોકો આ કહેવતને સાર્થક કરતા હોય છે. સાયબર ગઠિયાઓ આવા લોકોને વર્ક ફ્રોમ હોમ કે સસ્તામાં વસ્તુ આપવાના નામે ઠગાઇ આચરતા હતા.
હવે સાયબર ગઠિયાઓએ તરકીબ બદલી છે અને માર્કેટિંગ તથા સેલ્સ અંતર્ગત જથ્થાબંધ ઓર્ડર અપાવવાનું કામ કરાવીને વિવિધ લાલચો આપીને નાણાં ખંખેરી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવકે સરકારી નોકરીની તૈયારી માટે એક એકેડેમીમાં એડમિશન લીધું હતું. કોઇ ગઠિયાએ આ એકેડેમીના કર્મી હોવાની ઓળખ આપીને યુવકનો સંપર્ક કર્યાે હતો.
બાદમાં લેપટોપ અને મોબાઇલ ફોન ફ્રીમાં મળશે અને ૩૦ મિત્રોનો ઓર્ડર અપાવશો તો ફી માફીની સાથે કમિશનની લાલચ આપી હતી. યુવકે તેના મિત્રોનો ઓર્ડર લઇને આ ગઠિયાને ૭.૩૭ લાખ ચૂકવી દીધા હતા. ગઠિયાની જાળમાં આવેલા યુવક પાસે વધુ નાણાં માંગવામાં આવ્યા ત્યારે તેને સાયબર ળોડની શંકા જતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ધોળકાના એક ગામમાં રહેતા ૨૫ વર્ષીય યુવકે સરકારી નોકરીની તૈયારી માટે ઓનલાઇન સર્ચ કરીને એક એકેડેમીમાં એડમિશન લીધું હતું. સિવિલ સર્વિસ કોર્સની ૩૭ હજાર ફી ભરીને યુવકે અભ્યાસ શરૂ કર્યાે હતો. જે બાદ તેને યશ પાંડે નામના શખ્સે ફોન કર્યાે હતો. યશ પાંડે પોતે આ એકેડેમીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હોવાની ઓળખ આપી હતી.
યશ પાંડેએ યુવકને લેપટોપ અને મોબાઇલ ફોન ફ્રીમાં મળશે તેવી લાલચ આપી હતી. બાદમાં ગઠિયાએ મિત્ર વર્તુળમાંથી ૩૦ લેપટોપ અને ૩૦ ફોનનો ઓર્ડર અપાવશો તો કમિશન મળશે તેવી લાલચ આપી હતી.
યુવકે તેના મિત્રોને વાત કરીને નાણાં મેળવીને સસ્તા ભાવે મળતા લેપટોપ અને ફોનનો ઓર્ડર આપ્યો હતો. ગઠિયાએ કોર્સમાં ભરેલી ફી પણ પાછી આપવાની અને લેપટોપ તથા ફોન ફ્રીમાં આપવાનું અને કમિશનના ૧૨ લાખ આપવાની લાલચ આપીને યુવક પાસેથી રૂ. ૭.૩૭ લાખ મેળવી લીધા હતા.
શખ્સે લેપટોપના બિલના ફોટો મોકલીને ઓર્ડર કન્ફર્મ થયા છે તેમ કહીને વધુ બે લાખ માંગ્યા હતા. પૈસા નહીં આપો તો ઓર્ડર કેન્સલ થઇ જશે અને પૈસા પરત મળશે નહીં તેવું કહેતા જ યુવકને શંકા ગઇ હતી. જેથી તેણે એકેડેમીના કસ્ટમર કેરના આઇડી પર ઇમેઇલ કરીને ગુલબાઇ ટેકરા ખાતેની એકેડેમીની ઓફિસ ખાતે જઇને તપાસ કરી હતી.
જોકે, ત્યાં યશ પાંડે નામનો કોઇ કર્મી ન હોવાનું સામે આવતા યુવકને સાયબર ફ્રોડની ગંધ આવી હતી અને તેણે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસનું માનવું છે કે યુવકે એકેડેમી માટે ઓનલાઇન સર્ચ કર્યું હતું.
જેથી ગઠિયાઓએ તે દરમિયાનમાં તેની વિગતો મેળવીને તેનો સંપર્ક કર્યાે હતો. યુવકે સસ્તી વસ્તુ મળવાની લાલચમાં આવીને માર્કેટિંગ અને સેલ્સનું કામ લઇ લીધા બાદ તેની સાથે સાયબર ફ્રોડ થયું હોઇ શકે છે.SS1MS