Western Times News

Gujarati News

વડોદરાથી ગુમ થયેલા ભાઈ-બહેન ચંબલ સુધી પહોંચી કેવી રીતે ગયા?

પિતા વ્યસની અને માતા ભાગી જતાં બાળકો કહ્યા વગર દાદાના ઘરેથી જતાં રહ્યા-  તેમની આવી રાવ સાંભળી ચાર્જમાં રહેલા પીએસઓ ચોંકી ઉઠ્યા હતાને શરૂ થઈ પાણી ગેટ રોડથી ચંબલ સુધીની કહાની!

વડોદરા,  વડોદરાના સિટી પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ દેખાતી એક વ્યક્તિ આવી અને પોલીસ સ્ટેશન ઓફિસર પાસે જઈને તેમણે હિન્દી મિશ્રિત ગુજરાતીમાં કહ્યું કે સાહેબ મારા પૌત્ર-પૌત્રીને કોઈ ઉઠાવીને લઈ ગયું છે. તેમની આવી રાવ સાંભળી ચાર્જમાં રહેલા પીએસઓ ચોંકી ઉઠ્યા હતાને શરૂ થઈ પાણી ગેટ રોડથી ચંબલ સુધીની કહાની!

પીએસઓએ આ વૃદ્ધની વાત શાંતિથી સાંભળી. તેમણે શહેર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને એવું કહ્યું કે, સાહેબ મારા પુત્રનો એક દીકરો અને એક દીકરી કોઈને કહ્યા વિના ઘરેથી જતા રહ્યા છે અથવા કોઈ અપહરણ કરીને લઈ ગયું છે. આ વૃદ્ધની પૌત્રીએ ૧૬ વર્ષ પૂર્ણ કર્યા હતા અને પૌત્ર કિશોરાવસ્થાના ઉંબરે પહોંચ્યો હતો. પોલીસ અધિકારીઓ તેમના અનુભવના આધારે એટલું જાણી ગયા કે આ મામલો અપહરણનો નથી પણ કુંટુંબ કલેશનો છે.

બે બાળકો ગુમ થવાની ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે શહેર પોલીસના ડીસીપી પન્ના મોમાયાએ શહેર પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં એવું જાણવા મળ્યું કે, બંને બાળકોના માતાપિતાએ અલગ અલગ રહેતા હતા. બાળકોના પિતા કોઇ મહેનત કરીને કશું કમાતા ન હોવાથી અને વ્યસની હોવાથી માતાને ત્રાસ આપતા હતા. એનાથી કંટાળીને તે પાણીપૂરી વેચવાની વ્યવસાય કરતા એક પુરુષ સાથે નાસી ગઈ હતી.

બાળકોના પિતા પણ કોઈ અન્ય સ્ત્રી સાથે તેમના વતન ઉત્તર પ્રદેશમાં રહેતા હતા. માતા-પિતા એમ બન્નેએ છોડી દેતા બાળકો તેમના દાદા સાથે વડોદરા શહેરમાં રહેતા હતા.

પોલીસે ઘરની આસપાસના સીસીટીવીના આધારે શોધખોળ આદરી તો અધિકારીઓના અનુભવને સમર્થન મળ્યું, બન્ને ભાઇબહેન પોતાની રીતે સવારના ૯ વાગ્યે ઘર છોડીને જતાં સીસીટીવીમાં જતા જોવા મળ્યા. એટલે આ સમયગાળા દરમિયાનના એસટી બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનના સીસીટીવીની તપાસ કરવામાં આવી પણ તેમાં બન્ને બાળકો ક્યાંક જોવા મળ્યા નથી.

મુસાફરો પરિવહન કરે એવા અન્ય સ્થળોની આસપાસ પણ તપાસ કરવામાં આવી પણ તેમાં સફળતા મળી નહીં. પોલીસ તંત્રએ તેમના સર્વેલન્સ અને બાતમીદારોના આધારે એવું શોધી કાઢ્યું કે, બાળકોની માતા જેમની સાથે રહેવા માટે ચાલી ગઈ હતી, તે પુરુષનો એક ભાઈ ગાંધીનગરમાં પાણીપૂરી વેચવાનો વ્યવસાય કરે છે. એટલે પોલીસે તેમની પાસેથી વિગતો મેળવી. ગુમ થયેલા બંને બાળકોની માતા ક્યાં હોઈ શકે એની જાણકારી મેળવી.

આ મહિલા અને તેમના પુરુષ મિત્ર સાથે એમપી અને યુપીના સરહદી વિસ્તારમાં ચંબલ નજીક એક ગામમાં રહેતા હોવાની ખાતરી થતાં સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી. કે. સોજીત્રા અને ટીમ ત્યાં પહોંચી ગઈ. જે ઘરમાં રહેતા હતા ત્યાં ગયા તો ત્યાં કોઇ નહોતું. ઘરનું નિરીક્ષણ કરતા એવું ધ્યાને આવ્યું કે ત્યાં તાજુ જ સમારેલું શાકભાજી હતું.

એનો મતલબ કે કોઇ ઘર છોડીને નાસી ગયું છે. પાણીગેટ રોડથી છેક ચંબલ સુધીની ૪૦ કલાકના નિંદર વિનાના પ્રવાસ બાદ પહોંચેલી પોલીસ ટીમે ચંબલના જંગલ – બિહડમાં જઈને પણ તપાસ કરવાનો નિર્ણય કર્યો. ગ્રામજનો મારફત બાળકોની માતા અને પુરુષને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ બાદ મહિલા પોતાના બન્ને બાળકોને લઇ પોલીસ ટીમ સમક્ષ આવી. પોલીસને હાશકારો થયો કે બન્ને બાળકો સલામત હતા. વડોદરાથી ચંબલ સુધીના તપાસનું પરિણામ મળ્યું.

પોલીસે બંને બાળકોની પૂછપરછ કરી તો ચોંકાવનારી વિગતો એ મળી કે દાદા અને ફોઈ બન્ને ભાઇબહેન માનસિક ત્રાસ આપતા હતા. એટલે ઘરમાંથી કશું લીધા વિના નાસી ગયા હતા. વડોદરાથી ગોલ્ડન ચોકડી, ત્યાંથી ગોધરા ગયા હતા. ત્યાંથી ટ્રેનમાં બેસી વતન યુપીમાં ગયા હતા. પૈસા અને પ્રવાસખર્ચની વ્યવસ્થા બાળકોની માતાએ જ કરી હતી. બાળકોની માતાએ એવી કથની કહી કે, તેમને આ વ્યક્તિ સાથે રહેવું હતું.

તેમના પતિ કશું કમાતા નહોતા અને વ્યસની હોવાથી ત્રાસ આપતા હતા. ત્યારે આ પુરુષમિત્રએ મદદ કરી હતી. પહેલા હું અને પછી બાળકોને સાથે લઈ આવીશ એવું નક્કી કર્યું હતું. સામાજિક તાણાવાણા ધરાવતા આ કિસ્સામાં પોલીસને બન્ને બાળકો સલામત અને તેમની ઈચ્છાનુસાર માતા સાથે હોવાનો હાશકારો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.