માંડલ બેચરાજી SIRમાં મોટા પ્રોજેક્ટ્સના કારણે ઔદ્યોગિક ક્ષેત્ર વધુ મજબૂત બન્યું

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન સજ્જ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું કામ પુરજોશમાં
· અંદાજે ₹190 કરોડના રોકાણ સાથે 33 કિમીના રસ્તાઓનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
અમદાવાદ, માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ કાર્યક્રમ માટે માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MBSIRDA) વિકાસલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને વેગ આપી રહી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે, જે કનેક્ટિવિટી, ક્ષમતા સાથે રોકાણને વેગ આપશે. નોંધનીય છે કે, આગામી 9-10 ઑક્ટોબર, 2025ના રોજ મહેસાણામાં ઉત્તર ગુજરાત માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) યોજાશે.
MBSIRDAએ તેની વિકાસલક્ષી પહેલ હેઠળ નીચે મુજબના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે:
· અંદાજે ₹190 કરોડના રોકાણ સાથે 33 કિમીના રસ્તાઓનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
· લગભગ ₹500 કરોડના ખર્ચે પાણી પુરવઠો, ગટર અને ઉદ્યોગોના ગંદા પાણીના નિકાલની પાઇપલાઇન જેવી સુવિધાઓ સાથે 66 કિમીના ટાઉન પ્લાનિંગ રસ્તાઓનું બાંધકામ ચાલુ છે.
· ₹70 કરોડની ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા માટે MBSIRDA નીચેના પ્લાન્ટનું કરશે નિર્માણ:
· 20 મિલિયન લિટર પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતો વધારાનો વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
· 4થી 15 મિલિયન લિટર પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા ત્રણ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ
· ઉદ્યોગો માટે 19 મિલિયન લિટર પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતો એક કૉમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)
આ ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ્સ સસ્ટેનિબિલિટી અને પર્યાવરણીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશ્વ કક્ષાના ઔદ્યોગિક કેન્દ્રો બનાવવાની ગુજરાતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાત માટે મહેસાણામાં જે આગામી VGRCનું આયોજન થવાનું છે તે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) મૉડેલનું વિસ્તરણ છે. આ કાર્યક્રમ કૃષિ, ડેરી, ફૂડ પ્રોસેસિંગ અને ઑટોમોબાઇલ ઉદ્યોગોમાં ઉત્તર ગુજરાતની આર્થિક ક્ષમતાને પ્રકાશિત કરશે. MBSIR ખાતેની પ્રગતિ એ સૂચવે છે કે આ પ્રદેશ રોકાણ અને ઔદ્યોગિક વિકાસ માટે સજ્જ છે, જે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પણ ઝળકશે. VGRCનો ઉદ્દેશ્ય વ્યાપક જાહેર ભાગીદારી અને પરસ્પર વિકાસને પ્રોત્સાહન આપવાનો છે, જે ગુજરાતના સમાવેશી ઔદ્યોગિક વિકાસના વિઝનને પ્રતિબિંબિત કરે છે.