નિકોલમાં નકલી પોલીસ ત્રાટકીઃ તપાસનાં બહાને વેપારીનાં બે લાખ રૂપિયા લઈ રફુચક્કર
અમદાવાદ: એસપી રીંગ રોડ પર નાસતો કરવાં ઉભાં રહેલાં એક વેપારીને ગઇ કાલે મોડી રાત્રે નકલી પોલીસે રોકીને તપાસ કરવાનાં બહાને તેની કારમાં મુકેલી બેગમાંથી રોકડા રૂપિયા બે લાખ નજર ચૂકવી ચોરી જવાની ઘટના બનતાં ચકચાર મચી છે. સુરેશભાઈ પટેલ ચાંદખેડા ખાતે રહે છે અને કઠવાડા જીઆઈડીસી ખાતે ક્લીક કંટ્રોલ નામે ઈલેક્ટ્રીક પેનલનું કારખાનું ધરાવે છે. સોમવારે રાત્રે રોજીંદા નિયમ મુજબ તે ફેક્ટરી બંધ કરી ઘરે જવા નીકળ્યા હતા.
ત્યારે એસપી રીંગ રોડ નિકોલ નજીક ટોરેન્ટ પાવર હાઉસ પાસે નાસ્તો કરવા રોકાયા હતાં. નાસ્તો કર્યા બાદ રાત્રે સવા નવની આસપાસ પોતાની કારમાં બેસવા જતા હતા એ વખતે એક એક્ટીવા ઉપર બે અજાણ્યા ઈસમો આવ્યા હતાં. જેમણે પોલીસ તરીકેની ઓળખ આપીને કારની તપાસ કરવા કહ્યું હતું. જેથી સુરેશભાઈએ ડેકી સહિતની આખી કાર તપાસ કરાવતાં તેમાંથી કંઈ નીકળ્યું ન હતું.
જા કે એક ઈસમે અંદર મુકેલી એક બેગ તપાસવા માંગી હતી. જેમાં રોકડા બે લાખ મુકેલા હતા. સુરેશભાઈ એ બેગ તપાસવા આપતાં આ નકલી પોલીસે તેમની નજર ચૂકવીને બે લાખ રૂપિયા ચોરી લીધા હતા. બાદમાં ત્રણેયે શખ્સો ત્યાંથી રફૂચક્કર થઇ ગયા હતાં. નકલી પોલીસની શંકાસ્પદ હિલચાલ લાગતાં તેમણે ફરીથી પોતાની બેગ ચેક કરી હતી. ત્યારે સમગ્ર હકીકત તેમને જણાતાં સુરેશભાઈએ તુરંત પોલીસને જાણ કરી હતી.