ગુજરાતના 150 ખેડૂતોએ ઓઈલ પામનું વાવેતર કરીને સમૃધ્ધ થયા: કૃષિ મંત્રી

ઓઈલ પામના વાવેતરથી ખૂલ્યા ખેડૂતોની પ્રગતિના દ્વાર
વાર્ષિક ૧,000 મેટ્રિક ટનથી વધુ પામ ઓઇલના ઉત્પાદન સાથે નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ-ઓઈલ પામના અમલીકરણમાં ગુજરાત અગ્રણી
NMEO-OPના વિવિધ ઘટકો હેઠળ રાજ્યના ખેડૂતોને અત્યાર સુધીમાં કુલ રૂ. ૧૨૨ લાખથી વધુની સહાય ચૂકવાઈ
મેગા ઓઇલ પામ પ્લાન્ટેશન ડ્રાઇવ હેઠળ ચાલુ વર્ષે ૨૩૫ હેક્ટરમાં નવું વાવેતર; આ વર્ષે કુલ ૧,૦૦૦ હેક્ટરમાં નવું વાવેતર થવાનો અંદાજ
ભારતમાં ખાદ્ય તેલની માંગ દિન-પ્રતિદિન સતત વધી રહી છે. આ માંગને પહોંચી વળવા માટે ભારતે અન્ય દેશો પાસેથી મોટા પ્રમાણમાં ખાદ્ય તેલની આયાત કરવી પડે છે, જેનાથી વિદેશી હૂંડિયામણનો મોટો ખર્ચ થાય છે.
ખાદ્ય તેલનું સ્થાનિક ઉત્પાદન વધારીને આ પડકારનો સામનો કરવા અને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવાના શુભ આશય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧માં રાષ્ટ્રવ્યાપી “નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ-ઓઈલ પામ” (NMEO-OP) અમલમાં મૂક્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત આ મિશનમાં એક અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે.
ગુજરાતની ધરતી પર સોનેરી પામની ક્રાંતિ
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, સોનેરી પામ તરીકે ઓળખાતું ઓઈલ પામ, દેશમાં ઉત્પાદિત થતા અન્ય તેલીબીયા પાકોની સરખામણીએ પ્રતિ હેક્ટર સૌથી વધુ તેલનું ઉત્પાદન આપે છે. તેથી જ, ઓઈલ પામની ખેતીને પ્રોત્સાહન આપવા માટે NMEO-OP હેઠળ ગુજરાતના ૧૮ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના ખેડૂતોએ છેલ્લા ૧૦ વર્ષમાં અંદાજીત ૫,૦૦૦ હેક્ટર વિસ્તારમાં ઓઈલ પામનું વાવેતર કરીને સમૃદ્ધિ લણી છે. જેના પરિણામે ગુજરાત વાર્ષિક ૧,૦૦૦ મેટ્રિક ટનથી વધુ પામ ઓઇલના ઉત્પાદન સાથે દેશમાં સાતમા ક્રમે પહોંચ્યું છે.
રાજ્યમાં પ્રતિવર્ષ ઓઈલ પામનું વાવેતર સતત વધી રહ્યું છે. ચાલુ વર્ષે જ લગભગ ૨૩૫ હેક્ટર વિસ્તારમાં ઓઈલ પામનું વાવેતર થયું છે અને આ વર્ષના અંત સુધીમાં કુલ ૧,૦૦૦ હેક્ટર વિસ્તારમાં નવું વાવેતર થવાનો અંદાજ છે.
NMEO-OP મિશન ખેડૂતોના સપનાનો સહારો બની
ઓઈલ પામની ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં NMEO-OPના વિવિધ ઘટકો હેઠળ વર્ષ ૨૦૨૧થી અત્યાર સુધીમાં રાજ્યના ખેડૂતોને કુલ રૂ. ૧૨૨ લાખથી વધુની સહાય આપવામાં આવી છે. જેમાં પ્લાન્ટિંગ મટેરિયલ (રોપા) માટે રૂ. ૧૮.૫ લાખથી વધુ, ચાર વર્ષના મેઇન્ટેનન્સ માટે રૂ. ૨૩.૭ લાખથી વધુ, આંતરપાક માટે રૂ. ૧૭.૮ લાખથી વધુ, બોરવેલ અથવા પંપ સેટ માટે રૂ. ૧૧.૨ લાખથી વધુ તેમજ લણણીના સાધનો અને મિની ટ્રેક્ટરની ખરીદી માટે રૂ. ૫૧ લાખથી વધુની સહાય આપવામાં આવી છે.
પાકનું ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને માન્યતા પ્રાપ્ત કંપનીઓના ઉચ્ચ ગુણવત્તાવાળા ટેનેરા જાતના પામ ઓઈલના રોપા પૂરા પાડવામાં આવે છે. બાગાયત પ્રભાગ અને ખાનગી કંપનીઓના સહયોગથી ખેડૂતોને ઓઈલ પામની વૈજ્ઞાનિક ખેત પદ્ધતિઓ, રોગ-જીવાત નિયંત્રણ અને લણણી અંગે તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
વધુમાં, મેગા ઓઈલ પામ પ્લાન્ટેશન ડ્રાઈવનું આયોજન કરીને ખેડૂતોને મોટા પાયે ઓઈલ પામની ખેતી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઓઇલ પામના FFB (ફેશ ફ્રુટ બન્ચીસ)ની ખરીદી ઓઇલ પામ સાથે સંકળાયેલી કંપની દ્વારા બાય-બેક કરવામાં આવે છે અને તેના પોષણક્ષમ ભાવ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ મુજબ ચૂકવવામાં આવે છે.
ઓઈલ પામના મહત્વપૂર્ણ ઉપયોગ
ઓઈલ પામના ફળમાંથી કાઢવામાં આવતું પામ ઓઈલ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ખાદ્ય તેલ છે. પામ ઓઈલની શેલ્ફ લાઇફ વધુ અને ભાવ ઓછો હોવાથી પ્રોસેસ્ડ ફૂડમાં તેમજ દેશના અનેક ઘરોમાં ખાદ્ય તેલ તરીકે તેનો ઉપયોગ વધુ થાય છે. આ ઉપરાંત, પામ ઓઈલ અને તેના ડેરિવેટિવ્સનો ઉપયોગ બાયોફ્યુઅલ ઉદ્યોગમાં, દવાઓ બનાવવામાં, તેમજ ઓલિઓકેમિકલ્સ, સાબુ અને શેમ્પૂ સહિતના વિવિધ સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં પણ મોટા પાયે થાય છે.
ઓઈલ પામના વૃક્ષો એકવાર વાવ્યા પછી લગભગ ૩૦ વર્ષ સુધી ફળ આપે છે, જેથી ખેડૂતોને લાંબા ગાળા સુધી નિયમિત આવક મળતી રહે છે. પરિણામે, પામ ઓઈલની ખેતી કરીને ગુજરાતના કેટલાક પ્રગતિશીલ ખેડૂતોની આવકમાં વધારો થયો છે અને તેઓ આર્થિક રીતે વધુ સક્ષમ બન્યા છે. ગુજરાતના ખેડૂતો આજે ઓઈલ પામની ખેતી કરીને દેશને ખાદ્ય તેલના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે. સરકારની આ પહેલ ખેડૂતોના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે.
NMEO-OP હેઠળ ખેડૂતોને મળતી સહાય:
* સ્વદેશી રોપાઓ માટે રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેક્ટર અને આયાત કરેલા રોપાઓ માટે રૂ. ૨૯,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે.
* વાવેતર બાદ ઓઇલ પામ પાકની માવજત અને આંતરપાક માટે ખેડૂતોને ૪ વર્ષ સુધી રૂ. ૪૨,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે.
* બોરવેલ અથવા પંપ સેટ માટે ખર્ચના ૫૦ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૫૦,૦૦૦ પ્રતિ એકમ સહાય આપવામાં આવે છે.
* લણણી અને ખેતીના સાધનોમાં હાથથી ચાલતા ઓઈલ પામ કટર માટે રૂ. ૨,૫૦૦, પ્રોટેક્ટીવ વાયર મેશ માટે રૂ. ૨૦,૦૦૦, મોટોરાઇઝડ ચીઝલ માટે રૂ. ૧૫,૦૦૦, પોર્ટેબલ લેડર અને પોલ્સ માટે રૂ. ૫,૦૦૦ અને ચાફ કટર માટે રૂ. ૫૦,૦૦૦ સહાય આપવામાં આવે છે.
* ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી અને ૦.૫૦ હેક્ટર વિસ્તારમાં ઓઇલ પામનું વાવેતર ધરાવતા ખેડૂતોને ૨૦ હોર્સપાવર સુધીના મિની ટ્રેક્ટર અને ટ્રોલી માટે ખર્ચના ૪૦ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૨,૦૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવે છે.