ગળતેશ્વર શિવાલયનો શિખરનો અડધો ભાગ મોહમ્મદ બેગડાના સૈન્યેએ તોડી પાડ્યો હતો

શ્રાવણમાં ગળતેશ્વર શિવાલય ખાતે શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
(એજન્સી)ગળતેશ્વર, મહીસાગર નદીના કિનારે ૯૦ ફૂટ લંબાઈ અને ૧૦૪ ફૂટ પહોળાઈ ધરાવતા વિસ્તારમાં જગવિખ્યાત ગળતેશ્વર શિવાલય આવેલું છે. માનવી પ્રકૃતિની સમીપ આવી શકે તેવા આશયથી દેશભરમાં આપણા પ્રાચીન ઋષિમુનિઓએ કંઈક તીર્થ સ્થાનો બનાવ્યા છે, અંદાજિત ૫૦૦૦ વર્ષ પુરાણા અને ગાલવ મુની સાથે સંકળાયેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રહાસ રાજાના શાસન દરમિયાન થયો હોવાનો ઈતિહાસના પુસ્તકો પર ઉલ્લેખ કરાયેલો છે,
આ શિવાલય ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલું હતું, પરંતુ નવા સીમાંકન પ્રમાણે હવે તે મહીસાગર જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં સમાવેશ કરાયું છે. આમ તો બે જિલ્લાની હદ આવેલી છે, તેમાં નજીક જ વડોદરા જિલ્લાનો ડેસર તાલુકો જોડાયેલો છે.
મોટાભાગે વડોદરા જિલ્લાના શ્રદ્ધાળુઓ ભોલેનાથને રીઝવવા માટે વારંવાર ઉમટી પડે છે. ગળતી નદી અને મહીસાગર નદીના સંગમ સ્થળે આવેલું આ પુરાણું પ્રસિદ્ધ શિવાલય તેના ભવ્ય અને ભાતીગળ ઈતિહાસ માટે મશહૂર છે, મહાકાલની ઉપરાછાપરી થપાટો સામે ઝીંક ઝીલી રહેલા ચંદ્રહાસ રાજા નિર્મિત મહાદેવ મંદિર અનેક લોકવાયકા સાથે જોડાયેલો છે.
ભારતમાં અલગ અલગ શ્રેણીના મંદિરોના પ્રાચીન તથા અર્વાચીન નમૂના ગુજરાતમાં જેટલા જોવા મળે છે તેટલા અન્ય ક્્યાંય જોવા મળતા નથી. ગળતેશ્વર શિવાલયની પીઠ પરની કોતરણીમાં પગપાળા ઘોડે સવારી, રાજ સવારી, પાલખી તથા ઉંટગાડી જેવા સાધનો જોવા મળે છે. કેટલાક ઐતિહાસિક પ્રસંગો શિલ્પોમાં વણી લેવાયા છે, મનુષ્ય ગંધર્વ દેવ યક્ષ કિન્નર ઋષિ અને નતરકીયોના શિલ્પ મંદિરના મંડોવર પર જોવા મળે છે.
ગળતેશ્વર શિવાલયનો શિખરનો અડધો ભાગ મોહમ્મદ બેગડાના સૈન્યે એ તોડી પાડ્યો હતો, વર્ષો પછી રાજસ્થાનના ચિત્તોડગઢથી સ્પેશિયલ કારીગરો બોલાવીને શિખરનું કામ પૂર્ણ કરાવાયું છે. કહેવાય છે કે ગળતેશ્વરનું મંદિર ૧૧માં સૈકામાં નિર્માણ પામ્યું હતું. ગળતેશ્વર મંદિરના શિલ્પો અને સ્થાપત્યનું મહત્વ ઓછું આંકી શકાય તેમ નથી.
દર રવિવારે ગળતેશ્વર ખાતે ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શનનો લ્હાવો લેતા હોય છે, પરંતુ હાલ ચાલી રહેલા શ્રાવણ માસ નિમિત્તે ગળતેશ્વર શિવાલયનો મહિમા કંઈક અલગ જ હોય છે. દરેક દિવસે વહેલી સવારથી મોડી સાંજ સુધી શ્રદ્ધાળુઓનો ધસારો શિવાલય ખાતે જોવા મળી રહ્યો છે.
ગુજરાતભરમાંથી દર્શનનો લ્હાવો લેવા શ્રદ્ધાળુઓનું કીડિયારુ ઉભરી રહ્યું છે, મહાદેવના દર્શન ઉપરાંત ગળતી અને મહીસાગર નદીના સંગમ તટે શ્રદ્ધાળુઓ ઉજવણીના ભાગરૂપે પણ ગુજરાતભરમાંથી આવતા હોય છે. સ્વયંભૂ ભોલેનાથના શિવલિંગને ગળતી નદી ૨૪ કલાક જળાભિષેક કરીને વહે છે. તેના દર્શન કરીને ધન્યતા અનુભવે છે, પરંતુ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે સમગ્ર દેશમાં પ્રચલિત ગળતેશ્વર શિવાલય ખાતે હજુ જોઈએ તેટલો વિકાસ થયો નથી.
પર્યટન સ્થળ તરીકે પ્રખ્યાત છે છેલ્લા ઘણા વર્ષોથી ગળતેશ્વર વિકાસ ઈચ્છી રહ્યું છે ત્યારે હાલના દિવસોમાં આ ફરવા લાયક સ્થળની તંત્ર નોંધ લઈને અવ નવા બાંધકામો શરૂ કરાયા છે. તેમાં બાગ બગીચા સ્વિમિંગ પૂલ સહિત સુવિધાઓ પર્યટકો માટે તૈયાર થઈ રહેલું જણાવ્યું છે.