Western Times News

Gujarati News

જૂના વાડજની ર૩૬ મિલકતો કપાતમાં જશે: ગાય સર્કલ સુધી રોડ પહોળો કરાશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વસ્તી અને વાહનો વધી રહયા છે જેના કારણે હયાત રોડની પહોળાઈ ઓછી પડે છે. જેને ધ્યાનમાં લઈ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રીડીપીનો સર્વે કરવામાં આવ્યો છે અને તે મુજબ હયાત રોડની પહોળાઈ વધારવામાં આવી રહી છે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી દ્વારા થોડા સમય પહેલા જ સરસપુર વિસ્તારમાં રીડીપીનો અમલ કરવામાં આવ્યો હતો. હવે જુના વાડજ વિસ્તારમાં પણ હયાત રોડ પહોળો કરવામાં આવશે જેમાં અંદાજે ર૪૦ જેટલી મિલકતો કપાતમાં જશે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ જુનાવાડજ એએમટીએસ બસ સ્ટેન્ડથી સીધા કિરણપાર્ક ગાય સર્કલ સુધી નિકળતા રસ્તાને પહોળો કરવા માટે તંત્ર દ્વારા સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ દરખાસ્ત રજુ કરાઇ છે. આ રસ્તો ૧૨.૫ મીટરથી વધારીને ૨૪.૪૦ મીટરનો કરવામાં આવશે. જે માટે ૧૯૧ રહેણાંક મિલકતો સહિત ૨૩૬ જેટલી મિલકતો કપાતમાં જશે.

જેમાં ૧૩ જેટલા ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થાય છે. આ રસ્તો વિજયનગરથી સીધો નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ સુધી જશે. એટલે કે તબક્કાવાર રીતે હવે આ રસ્તો પહોળો કરાશે. શહેરના જુનાવાડજ એએમટીએસ બસ સ્ટેન્ડથી કિરણપાર્ક તરફ જતો અત્યારે ૧૨.૫ મીટરનો અને અનઇવન છે. ત્યારે આ રસ્તાને ૨૪.૪૦ મીટરનો પહોળો કરવા માટે મ્યુનિ. સમક્ષ એસ્ટેટ વિભાગ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી.

આ રસ્તો પહોળો કરવામાં આવતાં ૧૯૧ જેટલા રહેણાંકની મિલકતોને સીધી અસર થાય છે. તે ઉપરાંત રહેણાંક તથા કોમર્શીયલ બંને રીતે ઉપયોગ લેવાતી ૭ મિલકતો, ૨૪ કોમર્શીયલ મિલકતો, ૧૩ ધાર્મિક સ્થળો તથા ૧ એએમટીએસની પાણીની ટાંકી કપાતમાં જશે.

આ તમામ કપાતમાં જતી મિલકતોના માલીકને રજૂઆતની તક આપવામાં આવી હતી. તમામ અરસગ્રસ્તોને નિયમ પ્રમાણે વળતર આપવા માટે પણ મ્યુનિ.ની તૈયારી હોવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છેકે, આ રસ્તો પહોળો કરવા માટે મ્યુનિ. દ્વારા છેલ્લા ૧ વર્ષથી ક્વાયત હાથ ધરવામાં આવી છે.

મિલકત ધારકોએ રજુઆત કરતા જણાવ્યું હતું કે મધર ટેરેસા આશ્રમની રજૂઆત છેકે, રસ્તાની સામે આવેલી બંગલોઝની જમીન સંપાદીત કરી રસ્તો પહોળો કરવામાં આવે, જ્યારે તેમની મિલકતોમાં કપાત ન કરવામાં આવે, સામેની તરફ આવેલા બંગલાની જગ્યાના રહીશોએ રસ્તો પહોળો કરવાની કામગીરી સામે સ્ટે મેળવ્યો છે. દશામાંના મંદિરને તોડવામાં ન આવે, અથવા તેને બીજા પ્લોટમાં શીફ્‌ટ કરી આપવામાં આવે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.