13 કરોડની લોન અને 10 કરોડનાં દેવા માટે પિતા – પુત્રએ કાવતરૂં ઘડયું: 32 કરોડનાં હીરાની ચોરી કરાવડાવી

ડી.કે. સન્સ ડાયમંડ ફેકટરીમાં લૂંટના ભેદ પરથી પડદો ઉંચકાયો -કારખાનાનાં માલિક દેવેન્દ્રકુમાર ચૌધરી અને પુત્ર સહિત બે ડ્રાઈવરની ધરપકડ -ડ્રાઈવર પોલીસ સામે મોઢું ન ખોલે તે માટે દુબઈ મોકલવાનો કારસો રચ્યો હતો
(પ્રતિનિધિ) સુરત, શહેરનાં કાપોદ્રા વિસ્તારમાં કપુરવાડીમાં આવેલ ડાયમંડ કિંગ અને ડી.કે. એન્ડ સન્સ નામની ડાયમંડ ફેકટરીમાં સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમી સહિત ત્રણ દિવસની રજામાં 32 કરોડ રૂપિયાનાં હીરા સહિતનાં મુદ્દામાલની ચોરીની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
ત્રણ દિવસની રજામાં તસ્કરો દ્વારા હીરાનાં ખાતામાં મુકવામાં આવેલ તિજોરીને ગેસ કટર વડે કાપીને હીરા સહિત રોકડ રકમની ચોરીની ઘટના સમગ્ર શહેરમાં વાયુ વેગે પ્રસરી જતાં પોલીસ ઉચ્ચાધિકારીઓ પણ દોડતાં થઈ ગયા હતા.
પોલીસ દ્વારા ગણતરીનાં કલાકોમાં 15 ટીમો બનાવીને આ ચકચારીત ઘટનામાં સંડોવાયેલા કારખાનાનાં માલિક સહિત તેનાં બંને પુત્રો અને ડ્રાઈવરને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાથમિક પુછપરછ દરમિયાન કારખાનેદાર દેવેન્દ્ર ચૌધરી દેવાના ડુંગર હેઠળ દબાયો હોવાને કારણે આ કારચો રચ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ દ્વારા હાલમાં ચારેય આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
કપુરવાડીમાં 32 કરોડ રૂપિયાના હીરા સહિતનાં મુદ્દામાલની ચોરીની ઘટનામાં ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસ દ્વારા 15 અલગ – અલગ ટીમો બનાવીને તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. એક રાતમાં જ પોલીસ દ્વારા કારખનાની આસપાસ આવેલ 150થી વધુ સીસીટીવી કેમેરાઓની તપાસ કરતાં રીક્ષામાં પાંચ ઈસમો રેલવે સ્ટેશન તરફ જતાં નજરે પડ્યા હતા.
પોલીસ દ્વારા રિક્ષા ચાલકની પૂછપરછ બાદ વધુ તપાસ કરતાં કારખાનેદાર દ્વારા જ વીમો પકાવવા માટે આખેઆખું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસ દ્વારા ગત રોજ ડુંભાલમાં પંચવટી સોસાયટીમાં રહેતા કારખાનેદાર દેવેન્દ્રકુમાર ચૌધરી અને તેના પુત્ર ઈશાન તથા તેમના ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ સહિત ગોડાદરામાં રહેતા રામજીવન નામના ટેમ્પો ચાલકની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા ચારેય આરોપીઓની સઘન પૂછપરછ કરતાં એક પછી એક નવા રહસ્યોદ્ઘાટ થતાં ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન મુખ્ય આરોપી કારખાનેદાર હાલમાં 25 કરોડ રૂપિયાના દેવાના ડુંગર હેઠળ દબાયેલો હોવાનો ખુલાસો થયો છે. જે પૈકી દેવેન્દ્ર ચૌધરીએ અલગ – અલગ વેપારીઓ અને સબંધીઓ પાસેથી 10 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા અને આ સિવાય 13 કરોડ રૂપિયાની બેંક લોન પણ હતી.
આ બાકી રકમ ભરપાઈ કરવાની મુદ્દત વીતિ જતાં આખે આખો કારચો રચવામાં આવ્યો હતો. જેમાં તેનો પુત્ર ઈશાન અને ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ પણ સંડોવાયેલા હતા. આરોપી કારખાનેદાર પિતા – પુત્રે જ ત્રણ દિવસની રજામાં હીરાનાં ખાતામાં ચોરીનો પ્લાન ઘડ્યો હતો અને તેના માટે પોતાના ડ્રાઈવર વિકાસ બિશ્નોઈને 25 લાખ રૂપિયાની ઓફર કરી હતી.
જેને પગલે ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ પોતાનાં પરીચિત હનુમાન બિશ્નોને પખવાડિયા પૂર્વે સુરત બોલાવ્યો હતો અને દેવેન્દ્ર ચૌધરી સાથે મુલાકાત કરાવી હતી. બીજી તરફ આરોપી દેવેન્દ્ર ચૌધરી દ્વારા આ સમગ્ર ઘટનામાં જો પોતાના ડ્રાઈવરનું નામ ખુલે તો તે પોલીસ સમક્ષ આખે આખું ષડયંત્ર પોપટની જેમ ન બોલે તે માટે તેના માટે ઘટના બાદ તેને દુબઈ મોકલવાની પણ તૈયારી કરી દેવામાં આવી હતી અને તેની પ્લેનની ટિકીટ પણ નીકળી ચુકી હતી. જો કે, ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ દુબઈ નાસી છૂટે તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો હતો.
25 કરોડનો વીમો પકાવવા માટેનો ખેલ ઉંધો પડ્યો
કારખાનેદાર દેવેન્દ્ર ચૌધરીએ પોતાનું દેવું ઉતારવા માટે પોતાનાં જ કારખાનામાં લૂંટનું ષડયંત્ર રચ્યું હતું. જેના માટે તેણે પોતાના કારખાના માટે લીધેલ 25 કરોડ રૂપિયાનો વીમો પકાવવાની ગણતરી હાલમાં ઉંધી પડી ચુકી છે.
પોલીસ તપાસમાં આગામી 22મી ઓગસ્ટનાં રોજ ફેકટરીનો વીમો પૂર્ણ થવાનો હોવા છતાં પહેલેથી જ વીમા એજન્ટ સાગરને પોલિસી રિન્યૂ માટે દેવેન્દ્ર ચૌધરીએ બોલાવ્યો હતો અને તેની પાસેથી તમામ હકીકત જાણી હતી અને ત્યારબાદ વીમો પકાવવા માટે દેવેન્દ્ર ચૌધરીએ ભારે મનોમંથન બાદ આખું નાટક રચ્યું હતું.
સતત બે દિવસ સુધી તિજોરી તોડવામાં નિષ્ફળતા
કારખાનેદાર દેવેન્દ્ર ચૌધરીનાં ડ્રાઈવર વિકાસ બિશ્નોઈએ લૂંટ માટે પોતાના ઓળખીતા ટેમ્પો ચાલક રામજીવન બિશ્નોઈને આખો પ્લાન સમજાવ્યો હતો. જેને પગલે રામજીવન બિશ્નોઈ થકી પોતાના વતનમાં રહેતા હનુમાનરામ બિશ્નોઈનાં સંપર્કમાં આવ્યો હતો.
હનુમાનરામ બિશ્નોઈ 16મી ઓગસ્ટનાં રોજ મહારાષ્ટ્રથી પોતાના ત્રણ માણસોને સુરત લઈને આવ્યો હતો અને બે દિવસ સુધી તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં નિષ્ફળ થતાં ભગીરથ બિશ્નોઈ કે જે સ્ટીલનું કારખાનું ચલાવતો હોય તેને બોલાવીને ગેસ ગટરથી 17મી તારીખનાં રોજ રાત્રે તિજોરી કાપીને લૂંટનું નાટક રચ્યું હતું.