Western Times News

Gujarati News

મહારાષ્ટ્રઃ રેલવે નિર્માણસ્થળે ખાડામાં ડૂબી જતાં ૪ બાળકનાં મોત

મુંબઈ, મહારાષ્ટ્રમાં સતત વરસાદને કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. એવામાં બુધવારે એટલે કે ૨૦ ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના દારવ્હા શહેરમાં રેલવે ફ્લાયઓવરના નિર્માણ માટે ખોદવામાં આવેલા ખાડામાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી ચાર બાળકોનાં મોત થયાં છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક બાળકોની ઉંમર ૧૦ થી ૧૪ વર્ષની હતી અને આ ઘટના દારવ્હા રેલવે સ્ટેશન પાસે બની હતી. આ દરમિયાન, નાસિક અને તેની આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ડેમ અને નદીઓ છલકાઈ ગઈ છે, જેના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાળકો ફ્લાયઓવરના બાંધકામ સ્થળ નજીક રમી રહ્યા હતા. થાંભલા લગાવવા માટે ખોદવામાં આવેલો મોટો ખાડો વરસાદના પાણીથી ભરાઈ ગયો હતો.

એવી આશંકા છે કે બાળકો રમતા રમતા તેમાં પડી ગયા અથવા કદાચ તરવાનો પ્રયાસ કરતા હતા, જેમાં તેઓ નિષ્ફળ રહ્યા અને તેમનું મોત થયું.મૃતક બાળકોની ઓળખ રિહાન અસલમ ખાન (૧૩), ગોલુ પાંડુરંગ નારનવરે (૧૦), સૌમ્યા સતીશ ખડસન (૧૦) અને વૈભવ આશિષ બોધલે (૧૪) તરીકે થઈ છે. પીટીઆઈ અનુસાર, આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ સાથે જ પ્રશાસને બાંધકામ કંપનીની બેદરકારીની પણ તપાસ શરૂ કરી છે.

મુંબઈમાં ફક્ત ચાર દિવસમાં ૨૬ ઈંચ વરસાદ થતાં મહાનગર થંભી ગયું હતું. ૪૮ કલાકના રેડ એલર્ટ દરમિયાન સોમવાર અને મંગળવારે એમ બે દિવસ વરસેલા ગાંડાતુર વરસાદે શહેરનું જનજીવન ખોરવી નાખ્યું હતું.

ભારે તોફાની વરસાદ સાથે ૪૦-૫૦ કિ.મી.ની ગતિએ ફૂંકાતા પવનની બેવડી થપાટથી અસંખ્ય લોકો પરેશાન થઈ ગયા હતા. પૂર્વ અને પશ્ચિમના પરાં અતિ ભારે વર્ષાથી જળબંબાકાર બન્યાં હતાં. બીજી તરફ નાસિક જિલ્લામાં ભારે વરસાદને કારણે જળાશયોનું જળસ્તર પણ વધી ગયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.