નિકોલમાં બીડી નહીં આપનારા શ્રમિકની સળિયો મારી હત્યા

અમદાવાદ, શહેરના નિકોલ વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા શ્રમિક પાસે એક શખ્સે બીડી માગી હતી પણ શ્રમિકે ન આપતા શ્રમિકને લોખંડના સળિયાના ઉપરા છાપરી ઘા માથામાં અને પગમાં મારીને મોતને ઘાટ ઉતારનાર આરોપી રણધીર ઉર્ફે છોટુ ચૌહાણની નિકોલ પોલીસે ગણતરીના કલાકમાં ધરપકડ કરી છે.
મૂળ ઉતરપ્રદેશના વતની અને હાલ થલતેજ વિસ્તારમાં રહેતા વિજય સતઉ (ઉં.વ.૨૮) કન્સ્ટ્રકશન સાઈટ પર પ્લમ્બિંગનું કામકાજ કરે છે. વિજયભાઈનો કૌટુંબિક ભાઈ પ્રદીપ ઉર્ફે બાબુલાલ પણ છેલ્લા પાંચેક વર્ષથી તેમની સાથે જ પ્લમ્બિંગનું કામકાજ કરીને બંને ભાઈઓ આજીવિકા મેળવે છે.
છેલ્લા બે મહિનાથી નિકોલમાં મેંગો સિનેમા પાસે આવેલી નવી બનતી સાઈટમાં વિજયનો ભાઈ પ્લમ્બિંગનું કામકાજ કરતો હતો. ગત ૧૮ ઓગસ્ટના રોજ વિજયભાઈ તેમનું કામકાજ પતાવીને ઘરે આવીને જમીને સાઈટ પર સુતા હતા ત્યારે રાત્રીના દસેક વાગ્યે તેમના મોબાઈલ પર રાજકુમાર ચૌહાણનો ફોન આવ્યો અને જણાવ્યું કે તમારા ભાઈ અને રણધીર વચ્ચે ઝઘડો થયો છે.
પરંતુ નાનો અમથો ઝઘડો હશે તેમ વિચારીને વિજયભાઈ સૂઈ ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે ફરી ફોન આવ્યો અને જણાવ્યું કે રણધીર ચૌહાણે તમારા ભાઈ પ્રદીપ પાસે બીડી માંગી હતી પણ પ્રદીપ પાસે બીડી નહીં હોવાથી ઇનકાર કરી દીધો હતો.
આ વાતને લઈને બંને વચ્ચે આખી રાત ઝઘડો ચાલ્યો હતો અને રણધીરે પ્રદીપના માથામાં અને બંને પગમાં લોખંડના સળિયાના ઉપરા છાપરી ફટકા માર્યા છે અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા છે.
આટલું સાંભળતાની સાથે જ વિજયભાઈ તેમના અન્ય સંબંધીને લઈને હોસ્પિટલ પહોંચ્યા ત્યારે હોસ્પિટલમાં હાજર ડોકટરોએ પ્રદીપને મૃત જાહેર કર્યાે હતો. આ મામલે મૃતક યુવકના કૌટુંબિક ભાઈ વિજયે નિકોલ પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવતા ગણતરીના કલાકોમાં પોલીસે રણધીર ઉર્ફે છોટુ ચૌહાણની ધરપકડ કરીને જેલના સળિયા ગણતો કરી દીધો છે.SS1MS