પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યારસુધીમાં 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ

વડાપ્રધાનના હસ્તે અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ₹133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ
Ahmedabad, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદના નિકોલ ખાતેથી તેઓ ₹133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ અમલમાં આવેલા આ પ્રોજેક્ટથી સ્લમ વિસ્તારોમાં રહેતા પરિવારોને આધુનિક સુવિધાઓ સાથે પોતાનાં સપનાનું નવું ઘર મળશે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના થકી લાખો લોકોના જીવનમાં આશાનું નવું કિરણ આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ઇન સિટુ સ્લમ રિ-ડેવેલોપમેન્ટ ઘટક હેઠળ ગુજરાત રાજ્ય સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સ્લમ રિહેબિલિટેશન અને રિ-ડેવલપમેન્ટ પોલીસી-2013 અંતર્ગત અમદાવાદ શહેરના પશ્વિમ ઝોનના સરદાર પટેલ સ્ટેડિયમ વૉર્ડમાં આવેલા રામાપીરના ટેકરાના નામે પ્રચલિત સ્લમ પૈકી સેક્ટર-3માં ₹133.42 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કુલ 1449 આવાસો તથા 130 દુકાનોનું પુનઃવસન કરવાના કામનું લોકાર્પણ થશે.
સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરીએ તો, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત કુલ 7.64 લાખ આવાસોના લક્ષ્યાંક સામે કુલ 9.66 લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર આવાસો પૈકી 9.07 લાખ જેટલા આવાસોનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ગુજરાત ને વર્ષ 2019માં વિવિધ કેટેગરીમાં કુલ 6 અને વર્ષ 2022માં વિવિધ કેટેગરીમાં કુલ 7 એવોર્ડ પ્રાપ્ત થયા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વર્ષ 2016-17થી વર્ષ 2024-25 સુધીમાં ભારત સરકાર દ્વારા 8,43,168 આવાસનો લક્ષ્યાંક મળ્યો છે, તે પૈકી કુલ 6,00,932 આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વર્ષ 2025-26માં સ્પીલ ઓવર આવાસો 2,78,533ના લક્ષ્યાંક સામે 01 એપ્રિલ 2025થી 20 ઓગસ્ટ 2025 સુધીમાં 39,092 આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે 2,39,441 આવાસો પ્રગતિ હેઠળ છે, જે આગામી માર્ચ-2026 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. નાણાકીય વર્ષ 2016-17થી 20 ઓગસ્ટ 2025 સુધીમાં આ યોજના હેઠળ ₹8936.55 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
નાણાકીય વર્ષ 2025-26થી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત લાભાર્થીઓ પૈકી વર્ષ 2024-25ના લક્ષ્યાંક મુજબ તેમજ ભવિષ્યમાં મળનાર લક્ષ્યાંક મુજબના લાભાર્થીઓને આવાસ બાંધકામમાં વધુ મદદરૂપ થવાના ઉમદા ઉદ્દેશથી 100 ટકા રાજ્ય ફાળા અંતર્ગત આવાસના બાંધકામ માટે રૂફ-કાસ્ટ લેવલે રાજ્ય સરકાર દ્વારા ₹50,000ની વધારાની સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 34,759 લાભાર્થીઓને ₹173.80 કરોડની સહાયનો લાભ આપવામાં આવ્યો છે.
‘મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય‘ યોજના અંતર્ગત લાભાર્થીઓને અનેક લાભો મળ્યા
રાજ્ય સરકારની ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના‘ અંતર્ગત લાભાર્થીને પ્રથમ હપ્તો મળ્યેથી 6 માસની અંદર આવાસ પૂર્ણ કરવાના કિસ્સામાં લાભાર્થી દીઠ ₹20,000ની વધારાની પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 74,930 લાભાર્થીઓને ₹149.86 કરોડની સહાયનો લાભ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કુટુંબના મહિલા સભ્યોને ધ્યાનમાં રાખીને આવાસની સાથે સાથે બાથરૂમના બાંધકામ માટે લાભાર્થી દીઠ ₹5000ની વધારાની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 82,845 લાભાર્થીઓને ₹41.42 કરોડની સહાયનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત લાભાર્થીને મનરેગા યોજના હેઠળ 90 દિવસની રોજગારી પેટે ₹25,920 મળવાપાત્ર થાય છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય બાંધકામ માટે ₹12,000 મળવાપાત્ર થાય છે. આમ, આ યોજના અંતર્ગત પણ લાભાર્થીને કુલ ₹2,32,920ની સહાય મળવાપાત્ર થાય છે.
એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ યોજનામાં પ્રોજેક્ટની મંજૂરી મેળવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સિસ યોજના અંતર્ગત શહેરી ગરીબો અને કામદારો સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા વર્ષ 2020માં જાહેરાત કરવામાં આવી હતી. એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ(ARHCs) નીતિ જાહેર થયાથી ત્રણ માસમાં જ સુરત શહેરના સુડા વિસ્તારના નિર્માણ પામેલ 393 આવાસોને મોડેલ- 01 અંતર્ગત ભાડાના મકાનમાં રૂપાંતરિત કરી પ્રોજેક્ટની મંજૂરી મેળવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.
લાઈટ હાઉસ પ્રોજેક્ટ અમલીકરણમાં દેશભરના 6 રાજ્યો પૈકી ગુજરાતનો સમાવેશ
ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ (GHTC) અંતર્ગત લાઈટ હાઉસ પ્રોજેક્ટ અમલીકરણ કરવા કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાંથી પસંદ કરવામાં આવેલ 6 રાજ્યો પૈકી ગુજરાતનો સમાવેશ થયો છે. ગુજરાતના રાજકોટ શહેરમાં 1,144 આવાસો ટનલ ફોર્મવર્ક દ્વારા મોનોલિથિક કોંક્રિટ કન્સટ્રક્શન ટેક્નોલૉજીના ઉપયોગથી નિર્માણ કરવામાં આવ્યું છે.