ટપાલ સેવાના નવા સોફ્ટવેરમાં એક જ દિવસમાં ૩૨ લાખથી વધુ બુકિંગ હેન્ડલ કરવામાં આવ્યા

નવા ડિજિટલ યુગમાં ભારતીય ટપાલ સેવાઓનું નવલું સ્વરૂપ: IT 2.0 – એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો પ્રારંભ
ગુજરાતમાં સફળ પાયલોટ પ્રોજેક્ટ બાદ દેશવ્યાપી અમલ
ભારતીય ટપાલ વિભાગે આધુનિકીકરણની સફરમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના વિઝન હેઠળ, ટપાલ વિભાગે IT 2.0 – એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી (APT)નો સફળતાપૂર્વક પ્રારંભ કર્યો છે. આ નવી ટેકનોલોજી દેશભરની ૧.૬૫ લાખથી વધુ પોસ્ટ ઓફિસને ડિજિટલ ક્રાંતિ સાથે જોડશે.
ગુજરાતમાં સફળ પાયલોટ પ્રોજેક્ટ બાદ દેશવ્યાપી અમલ
કેન્દ્રીય મંત્રી શ્રી સિંધિયાએ જણાવ્યું કે, APT સોફ્ટવેર ભારતીય ટપાલ વિભાગને વિશ્વ-સ્તરીય લોજિસ્ટિક્સ સંસ્થામાં પરિવર્તિત કરશે. આ ટેકનોલોજી સંપૂર્ણપણે સ્વદેશી એટલે કે ‘આત્મનિર્ભર ભારત’ના સિદ્ધાંત પર આધારિત છે. તેને સેન્ટર ફોર એક્સેલન્સ ઇન પોસ્ટલ ટેકનોલોજી (CEPT) દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે. આ પ્લેટફોર્મ ભારત સરકારના મેઘરાજ ૨.૦ ક્લાઉડ પ્લેટફોર્મ પર હોસ્ટ થયેલું છે અને BSNLના નેટવર્ક દ્વારા સંચાલિત થાય છે.
આ ટેકનોલોજીનો પાયલોટ પ્રોજેક્ટ મે-જૂન ૨૦૨૫ દરમિયાન કર્ણાટક પોસ્ટલ સર્કલમાં સફળતાપૂર્વક ચલાવાયો હતો. ત્યારબાદ, ૮ જુલાઈ ૨૦૨૫ થી ૨૨ જુલાઈ ૨૦૨૫ દરમિયાન ગુજરાતમાં તેનો તબક્કાવાર અમલ કરવામાં આવ્યો. આખરે, ૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ દેશના તમામ ૨૩ પોસ્ટલ સર્કલમાં ૧.૭૦ લાખથી વધુ ઓફિસોમાં આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.
APTની મુખ્ય વિશેષતાઓ
માઈક્રો-સર્વિસીસ અને ઓપન API: આર્કિટેક્ચર પર આધારિત આ સિસ્ટમ ઝડપી અને વધુ વિશ્વસનીય સેવાઓ પૂરી પાડે છે.
એકીકૃત યુઝર ઇન્ટરફેસ: તમામ સેવાઓ માટે એક જ યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ ઉપલબ્ધ છે.
એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ સોલ્યુશન: બુકિંગથી લઈને ડિલિવરી સુધીની સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ બની છે.
નેક્સ્ટ-જનરેશન સુવિધાઓ: QR-કોડ પેમેન્ટ અને OTP આધારિત ડિલિવરી જેવી આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે.
ડીજીપીઆઈએન (DIGIPIN): ૧૦-અંકનો આલ્ફાન્યુમેરિક કોડ ડિલિવરીની ચોકસાઈમાં વધારો કરશે.
વ્યાપક નેટવર્ક: ગ્રામીણ વિસ્તારોમાં પણ વિશ્વસનીય કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં આવી છે.
ભારતીય ટપાલ વિભાગે આ પ્રોજેક્ટની સફળતા માટે ૪.૬ લાખથી વધુ કર્મચારીઓને તાલીમ આપી છે. આ તાલીમ ‘ટ્રેન – રીટ્રેન – રીફ્રેશ’ના સિદ્ધાંત પર આધારિત હતી. આ સિસ્ટમ પહેલેથી જ તેની કાર્યક્ષમતા સાબિત કરી ચૂકી છે, એક જ દિવસમાં ૩૨ લાખથી વધુ બુકિંગ અને ૩૭ લાખ ડિલિવરી સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં આવ્યા છે.
આ APT સિસ્ટમ ટપાલ વિભાગની વિશ્વસનીયતા અને વિશાળ નેટવર્કને જાળવી રાખતા, ગ્રામીણ અને શહેરી ડિજિટલ વિભાજનને ઘટાડવા અને દરેક નાગરિક સુધી નાણાકીય સેવાઓ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.