વાગરાથી ભરૂચ જતી બસ ખાડામાં ફસાતા મુસાફરો અટવાયા

આ રસ્તાનું સમારકામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી માંગ
(પ્રતિનિધિ)ભરૂચ, વાગરાથી ભરૂચ જતી એસ.ટી બસ વિલાયત-ડેરોલ માર્ગ પર ખાડામાં ફસાઈ જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.સદ્દનસીબે બસ પલટી ખાતા રહી ગઈ હતી.જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.જોકે આ ઘટનાએ ફરી એકવાર ખરાબ રસ્તા અને તંત્રની બેદરકારીનો મુદ્દો ઉઠાવ્યો છે.
રોજિંદા અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો સહિતના મુસાફરોને લઈને વાગરાથી ભરૂચ જઈ રહેલી જી્ બસ વિલાયત-દેરોલ માર્ગ પર આવેલા એક મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી.પરિણામે બસ એક તરફ નમી પડતા મુસાફરોમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો.
કેટલાક મુસાફરોએ તો ભયના માર્યા ઈમરજન્સી દરવાજો ખોલીને નીચે ઉતરી જવાનું શરૂ કરી દીધું હતું. જોકે, બસ પલટી ખાતા રહી જતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જો બસ પલટી ગઈ હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી.
વિલાયત-દેરોલ માર્ગની હાલત અત્યંત દયનીય છે. આ માર્ગ પરથી પસાર થવું વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયું છે. સ્થાનિક વાહનચાલકો તો આ ખખડધજ રસ્તાને ટાળવા માટે આંકોટ, રહાડ અને કેલોદ થઈને ૫ – ૬ કિલોમીટરનો વધારાનો ફેરાવો લરીને દેરોલ જવાનું પસંદ કરી રહ્યા છે.આ કોઈ પહેલી ઘટના નથી આ પહેલાં પણ આ રસ્તાને કારણે અનેક વાહનચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.
ખાસ કરીને ય્ૈંડ્ઢઝ્રમાં કામ કરતા નોકરિયાત વર્ગના લોકો આ રસ્તાને કારણે રોજ હાલાકી ભોગવી રહ્યા છે.આ માર્ગનું નવીનીકરણ ચાલી રહ્યું હોવા છતાં ચોમાસાને કારણે કામ અટકી ગયું છે.કોન્ટ્રાક્ટરે આખા રસ્તાને ખોદી કાઢ્યા બાદ કામ અધૂરું છોડી દીધું છે, જેના કારણે સિંગલ લાઈન પર જ વાહનો ચાલી રહ્યા છે.પરિણામે ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે.
કોન્ટ્રાક્ટરની બેદરકારી ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. વાહનચાલકો અને મુસાફરો હાલાકી ભોગવી રહ્યા હોવા છતાં તંત્ર જાણે તમાશો જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.જવાબદારીપૂર્વક નિર્ણય લેવાને બદલે સત્તાધિશોએ આ સમસ્યાને અવગણી હોવાનું ફલિત થઈ રહ્યું છે.નાગરિકોની સલામતી અને સુવિધાને પ્રાધાન્ય આપવાને બદલે તેઓ અકસ્માત થવાની રાહ જોઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે.
વાહનચાલકોની એક જ માંગ છે કે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં આ રસ્તાનું સમારકામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને લોકોને રોજિંદી હાલાકીમાંથી મુક્તિ મળે. જો તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ બેદરકારી ચાલુ રહેશે તો ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત થવાની પૂરી શક્યતા છે.આશા રાખીએ કે સત્તાધિશો જાગે અને નાગરિકોના જીવ અને સંપત્તિની રક્ષા કરે.