Western Times News

Gujarati News

આધુનિક ટેકનોલોજીથી ૧૭૦૦ મીટરનો રસ્તો ટ્રાયલ બેઝ માટે તૈયાર કરાયો

બેઝ સીલ લીક્વિડ સોઈલ સ્ટેબિલાઈઝર કેમિકલ ટેકનોલજીથી રોડ બનાવવાની ટ્રાયલ શરૂ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકા માંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો ધોરીમાર્ગ ઓવરલોડ ખનીજ વહનના કારણે તદ્દન બિસ્માર બનતા વાહન ચાલકો માટે માથાનો દુઃખાવો બન્યો છે.આ ધોરીમાર્ગના પેચ વર્કનું કામ સતત ચાલતું હોય છે

પરંતુ ભારે ઓવરલોડ વાહનોની સતત અવરજવરના કારણે માર્ગ બિસ્માર બની જાય છે.ત્યારે નવી ટેકનોલજીથી ઝઘડીયા તાલુકાના ખડોલી પાસે માર્ગ પર ગ્રાઉન્ડ સ્તરે ટ્રાયલ માટે ૧૭૦૦ મીટરનો આધુનિક “બેઝ સીલ લીક્વિડ સોઇલ સ્ટેબિલાઈઝર કેમિકલ” અને સિમેન્ટના સંયોજનથી સિમેન્ટ સ્ટેબિલાઈઝેશનના બેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે.ત્યાર બાદ સ્ટ્રેસ એબ્સોર્નગ મેમ્બ્રેન લેયર લગાડી ડામરના લેયરનું કાર્ય હાથ ધરવામાં આવશે.

ખાસ વાત એ છે કે આ કામગીરી માટે જુના મટીરીયલને જ રિસાયકલ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે.આ ટેક્નોલોજીથી રસ્તાની ભાર વહન ક્ષમતા વધે છે અને રસ્તાની આવરદા માં પણ નોંધ પાત્ર વધારો થવાની અપેક્ષા છે.પાણીના કારણે સ્પોટ હોલ્સ પડવાની શક્યતા ઓછી થવાથી જાળવણી ખર્ચ પણ ઘટશે, આધુનિક ટેકનોલોજીથી ૧૭૦૦ મીટરનો રસ્તો ટ્રાયલ બેઝ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે.

જે થોડા દિવસોમાં બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ આગામી ૩૦ તારીખ સુધીમાં આ રસ્તા પરથી ટ્રાફિક પસાર કરવામાં આવશે અને અહીંયાથી લોડીંગ વાહનો પસાર થાય તો રસ્તો ટકે છે કે નહીં તે ચકાસવા માં આવશે,જો આ રસ્તો સફળતા પૂર્વક ટકી રહેશે તો આખો રસ્તો કેમિકલ બેઝથી આધુનિક ટેકનોલોજીના મશીનોની મદદ વડે નવો બનાવવા માટે વિચારણા કરવામાં આવશે.આ કામગીરી સફળ બનશે તો આ વિસ્તારની વર્ષોજૂની સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ લાગી રહ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.