Western Times News

Gujarati News

માત્ર ત્રણ જ મહિનામાં ઐતિહાસિક ૮૬૨ આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન

રાજ્યની તમામ આંગણવાડીઓને પોતાના મકાન ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર

Ø રાજ્ય સરકારના દૃઢ સંકલ્પ અને સતત મોનીટરીંગના પરિણામે નવી આંગણવાડીના બાંધકામની ગતિ વધુ તીવ્ર બની: મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા

Ø નવા મકાનોમાં શુદ્ધ પાણી, આરોગ્યલક્ષી સુવિધાઓ, અનુકૂળ આંતરિક ડિઝાઇન તેમજ શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ

Ahmedabad, આંગણવાડીએ નાના બાળકો માટે માત્ર ભણતરનું કેન્દ્ર જ નહિ, પરંતુ તેમના શૈક્ષણિક, શારીરિક અને માનસિક વિકાસનું પ્રથમ પગથીયું છે. ગુજરાતના તમામ આંગણવાડી કેન્દ્રોમાં શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉપરાંત આંગણવાડીમાં આવલા ભૂલકાઓને સ્વચ્છ અને પારિવારિક વાતાવરણ, પૌષ્ટિક આહાર તથા ગમ્મત સાથે જ્ઞાન આપવું તે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે.

ગુજરાતની તમામ તમામ આંગણવાડીઓને સમ્પૂર્બ સુવિધા સાથેના પોતાના મકાન ઉપલબ્ધ કરાવવાની દિશામાં રાજ્ય સરકારે ઐતિહાસિક પ્રગતિ કરી છે. છેલ્લા ત્રણ મહિના દરમિયાન જ રાજ્યમાં કુલ ૮૬૨ આંગણવાડીના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે.

આ સંદર્ભે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, બાળકોના સર્વાંગી વિકાસ માટે હરહંમેશ પ્રયત્નશીલ ગુજરાત સરકાર દ્વારા માત્ર ત્રણ મહિનાના સમયગાળામાં જ ૫૦૫ જેટલા નવા આંગણવાાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને ૩૫૭ નવા આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યાં છે.

જે રાજ્યમાં આંગણવાડી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે થયેલા અભૂતપૂર્વ વિકાસનું ઉદાહરણ પૂરું પાડે છે. અગાઉ એક વર્ષમાં સરેરાશ ૩૦૦ નવા આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવતું હતું, જેની સામે આજે સરકારના દૃઢ સંકલ્પ અને સતત મોનીટરીંગના કારણે નવા કેન્દ્રોના બાંધકામની ગતિ વધુ તીવ્ર બની છે.

આગામી સમયમાં પણ આ જ ગતિશીલતા સાથે આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાનોને વધુ વિસ્તૃત કરી રાજ્યના દરેક બાળકને શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ અપાશે, તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

રાજ્ય કક્ષાએથી કરવામાં આવતી સતત સમીક્ષા, ફોલો-અપ અને સંકલન થકી આંગણવાડીના નવા મકાનોનું નિર્માણકાર્ય ઝડપથી પૂર્ણ થઇ રહ્યું છે. જેના પરિણામે રાજ્યના હજારો નાના બાળકોને અદ્યતન સુવિધાઓ સાથેના નવા આંગણવાડી કેન્દ્રો ઝડપથી ઉપલબ્ધ થઇ રહ્યા છે. આ નવા આંગણવાડી કેન્દ્રોમાં ભૂલકાઓ માટે પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યલક્ષી સુવિધાઓ, અનુકૂળ આંતરિક ડિઝાઇન તેમજ શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના આંગણવાડી કેન્દ્રો ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં સમાજના નબળા વર્ગના બાળકોને શિક્ષણ, પોષણ અને આરોગ્ય સાથે જોડતી મજબૂત કડી તરીકે કાર્ય છે. આ કેન્દ્રોમાં ઉપલબ્ધ અદ્યતન સુવિધાઓથી ન માત્ર બાળકો, પરંતુ મહિલાઓના આરોગ્ય અને શારીરીક વિકાસમાં સુધારો આવશે.

આ ઐતિહાસિક આંગણવાડી બાંધકામ રાજ્યના શિક્ષણ ક્ષેત્રે એક માઈલસ્ટોન સાબિત થશે. બાળ વિકાસ અને મહિલા સશક્તિકરણની દિશામાં સરકાર દ્વારા હાથ ધરાયેલા આ પ્રયાસો સમાજના સર્વાંગી વિકાસની પ્રગતિમાં પાયારૂપ બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.