મતોની ચોરી કરીને બનેલી સરકારને પ્રજાની મુશ્કેલીઓની ચિંતા નથીઃ રાહુલ

નવી દિલ્હી, વર્તમાન કેન્દ્ર સરકાર ચોરીના મતોથી બનેલી હોવાના આક્ષેપનું પુનરાવર્તન કરતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકોને ખરેખર તેમના માટે કામ કરનારી અને તેમના પ્રત્યે જવાબદાર હોય તેવી સરકારની પસંદગી કરવાની હાકલ કરી હતી.
બિહારમાં વોટર અધિકાર યાત્રા દરમિયાન એક્સ પરની એક પોસ્ટમાં રાહુલે જણાવ્યું હતું કે, લોકોએ તેમના મતાધિકારની શક્તિનો ઉપયોગ ભારત માતા અને બંધારણને બચાવવા માટે કરવો જોઈએ. સ્વચ્છ મતદાર યાદીએ મુક્ત અને ન્યાયી ચૂંટણીનો આધારસ્તંભ હોવાનું જણાવતાં તેમણે બિહારની પ્રજાને તેમનો મતાધિકાર છીનવાઈ ના જાય તે માટે જાગૃત રહેવા અપીલ કરી હતી.
આરજેડીના નેતા તેજસ્વી યાદવની સાથેની આ યાત્રામાં રાહુલે સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેમના મતોની ચોરી થઈ રહી છે, અને જીવીત લોકોને મૃત જાહેર કરી તેમના નામ મતદાર યાદીમાંથી હટાવાઈ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને તેમણે કરેલાં આક્ષેપો અંગે સોગંદનામું કરવા પોસ્ટમાં તેમણે લોકોને સવાલ કર્યાે હતો કે, શું મતોની ચોરી કરીને રચાયેલી સરકારમાં ક્યારેય જનતાની સેવાની ભાવના હોઈ શકે ખરી? ના. તેમને તમારા વોટની પણ જરૂર નહીં હોવાથી તેમને તમારી મુશ્કેલીઓની કોઈ દરકાર નથી.
દેશમાં બેરોજગારી માઝા મુકી રહી છે, પરંતુ સરકાર મૂડીપતિઓના ખિસ્સાં ભરી રહી છે. નીટ અને એસએસસી તથા પેપર લીક જેવા કૌભાંડોને કારણે હજારો યુવાનોની કારકિર્દી નષ્ટ થઈ છે. સરકારે ભ્રષ્ટાચાર સામે આંખો મીંચી દીધી છે. કુદકેને ભૂસકે વધતી મોંઘવારીને કારણે સામાન્ય માણસનું જીવન દોહ્યલું બન્યું છે તેમ તેમણે સરકાર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું.SS1MS