ડોગ લવર્સને સુપ્રીમનો ઝટકો: અપીલ ફગાવી

નવી દિલ્હી, રખડતાં કૂતરાઓ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશ સામે મોરચો ખોલનારા પશુ પ્રેમીઓને ફરી એકવાર નિરાશા હાથ લાગી છે. સર્વાેચ્ચ અદાલતે દિલ્હી મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા કૂતરાઓને હટાવવા માટે જાહેર કરાયેલા નોટિફિકેશનને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કર્યાે હતો.
જોકે શ્વાનોને આશ્રયસ્થળોમાં રાખવા સહિતના તેના ચુકાદા મામલે કરાયેલી અરજીઓ પર શુક્રવારે સુનાવણી હાથ ધરાશે. જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચે આ સંદર્ભમાં અરજી દાખલ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યા પછી તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યાે હતો. પરિણામે ડોગ લવર્સને મોટો ઝાટકો લાગ્યો હતો.
એક વકીલે કરેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આદેશ અનામત રાખ્યો હોવા છતાં એમસીડીએ નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
મહત્વનું છે કે, દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરા કરડવાની ઘટનાઓ અને ખાસ કરીને બાળકોમાં હડકવાના ભયને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ૨૮ જુલાઈના રોજ સ્વતઃ સંજ્ઞાન લીધું હતું અને ૧૧ ઓગસ્ટના રોજ વિગતવાર સૂચનાઓ જારી કરી હતી.
ત્યારબાદ ૧૪ ઓગસ્ટના રોજ સર્વાેચ્ચ અદાલતે ૧૧ ઓગસ્ટના રોજ આપેલા નિર્દેશો પર રોક લગાવવાની માંગ કરતી વચગાળાની અરજી પર પોતાનો આદેશ અનામત રાખતા કહ્યું હતું કે દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓના ત્રાસનું કારણ સ્થાનિક અધિકારીઓની નિષ્ક્રિયતા છે.
જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બનેલી ત્રણ જજોની બેન્ચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ૧૧ ઓગસ્ટના રોજ જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે દિલ્હી-એનસીઆર સત્તાવાળાઓને શક્ય તેટલી વહેલી તકે તમામ વિસ્તારોમાંથી રખડતા કૂતરાઓને હટાવીને ડોગ શેલ્ટરમાં ખસેડવાનો આદેશ કર્યાે હતો.SS1MS