જાફરાબાદ નજીક દરિયામાં બે લાપત્તા બોટનો સંપર્ક થયો, ૧૭ ખલાસી સુરક્ષિત

અમરેલી, અમરેલીમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે દરિયામાં કરંટ વધી ગયો છે. આ દરમિયાન અમરેલીના દરિયામાં ગુમ થયેલી બે બોટનો સંપર્ક થઈ ગયો છે. આ બંને બોટમાં સવાર ૧૭ ખલાસીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
આ બોટ જાફરાબાદના શિયાળબેટની ‘લક્ષ્મીપ્રસાદ’ અને ‘ધન્વંતિ’ નામની હતી. બંને બોટમાં સવાર કુલ ૧૯ ખલાસીઓ કિનારા તરફ પરત આવી રહ્યા છે. જોકે, બે દિવસ પહેલાં એટલે કે ૧૯ આૅગસ્ટના રોજ ગુમ થયેલા ૧૧ માછીમારોનો હજુ પતો લાગ્યો નથી.
જાફરાબાદથી ૧૮ નોટિકલ માઈલ દૂર ‘જયશ્રી તાત્કાલિક’, ‘દેવકી’ અને રાજપરાની ‘મુરલીધર’ નામની ત્રણ બોટ ડૂબી ગઈ હતી. આ ત્રણેય બોટમાં કુલ ૨૮ માછીમારો સવાર હતા, જેમાંથી ૧૭ને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ ૧૧ માછીમારો હજુ પણ લાપતા છે. લાપતા માછીમારોની શોધખોળ કરાઇ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ભાળ મળી નથી.
ગઈકાલે જાફરાબાદના ધારાસભ્યએ મુખ્યમંત્રી સાથે આ અંગે વાત કરી હતી અને ગુમ માછીમારોનાં પરિવારજનોને મળીને તેમને હિંમત પણ આપી હતી.SS1MS