સુરતમાં આત્મહત્યાનો સિલસિલો અવિરત ત્રણ કિસ્સામાં ત્રણ વ્યકિતએ જિંદગી ટૂંકાવી

સુરત, હીરા ઉદ્યોગની મંદી ઉપરાંત મધ્યમ વર્ગની કથળતી જતી આર્થિક સ્થિતિને લીધે વધુ બે વ્યક્તિ સહિત ત્રણ વ્યક્તિન આપઘાતની ઘટના નોંધાઈ છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના વતની અને હાલ વેડરોડની કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષીય હીરાલાલ ગંગારામ ગરાજણા રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. તેઓને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.
ગઈકાલે સાંજે સિંગણપોર કોઝ-વે રોડ પાસે હીરાલાલે ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ પરિવારને કરી હતી. જેથી પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું ગઈકાલે રાત્રે મોત થયું હતું. પરિવારે આર્થિક તંગીમાં અપઘાતનું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
બીજી ઘટનામાં મૂળ ભાવનગર જિલ્લાના વતની અને હાલ રાંદેર ગોગા ચોક નજીક આવેલા પાલનપુર જકાતનાકા ખાતે સંજયભાઈ પરમાર સીઝનેબલ ધંધો કરી પત્ની ૩૨ વર્ષીય ભાવનાબેન તેમજ ત્રણ સંતાનનું ભરણપોષણ કરે છે.
છેલ્લા ઘણા સમયથી કામધંધો બરાબર ચાલતો નહતો. આ વાતના ટેન્શનમાં તેમની પત્ની ભાવનાબેને ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેમણે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા પણ તેમનું મોત નિપજ્યું હતું.
ત્રીજી ઘટનામાં મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મૂળ બિહાર લખીસરાઈના વતની અને હાલ સચિન જીઆઇડીસીમાં ગુલાબ મૌર્યાની ચાલમાં રહેતો ૨૩ વર્ષીય સંદીપકુમાર રામપ્રવેશ જરી મશીન પર કામ કરી વતનમાં રહેતા પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. તે ગઈકાલે સાંજે તેની મંગેતર સાથે મોબાઇલ ફોન પર વાતચીત કરતો હતો.
તેની સાથે કોઈ વાત ઉપર ઝઘડો થયો હતો. ફોન મૂકીને પંખા સાથે ગમછો બાંધી સંદીપકુમારે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક સંદીપકુમારના પરિવારજનોએ જણાવ્યું હતું કે, આગામી ૩૦ નવેમ્બરના રોજ સંદીપકુમારના લગ્ન હતા. તેણે મંગેતર સાથે કોઈક બાબતને લઈ થયેલા ઝઘડાનું માઠું લગાડી આપઘાતનું પગલું ભર્યું હતું.SS1MS