ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ ૧૦ વ્યક્તિ હૃદયની બીમારીનો શિકાર

ગાંધીનગર, ગુજરાતમાં હૃદય સંબધિત સમસ્યાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે જ ગુજરાતમાં હૃદય સંબધિત સમસ્યાના ૬૦ હજાર કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી સૌથી વધુ ૧૭૧૭૪ કેસ માત્ર અમદાવાદમાંથી સામે આવ્યા છે.
ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીએ હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓમાં ૧૮% જેટલો વધારો થયો છે, જેના પરથી જ ચિંતાજનક સ્થિતિનો તાગ મેળવી શકાય છે.ગુજરાતમાં આ વર્ષે ૧ જાન્યુઆરીથી ૧૮ ઓગસ્ટ સુધી હૃદય સંબધિત સમસ્યાના ૫૯,૯૩૧ કેસ સામે આવ્યા છે. ગયા વર્ષે આ સમયગાળામાં હૃદય સંબંધિત સમસ્યાના ૫૧,૪૫૩ કેસ નોંધાયા હતા.
હાલની સ્થિતિએ સમગ્ર રાજ્યમાંથી પ્રતિદિવસે સરેરાશ ૨૬૨ જ્યારે પ્રતિ કલાકે ૧૦ વ્યક્તિને ઈમરજન્સી સેવા ‘૧૦૮’દ્વારા હૃદયની સમસ્યાને કારણે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા પડ્યા છે. ગયા વર્ષે અમદાવાદમાં આ સમયગાળામાં હૃદયની સમસ્યાના ૧૫,૨૪૭ કેસ નોંધાયા હતા, જે આ વખતે વધીને ૧૭,૧૭૪ થઈ ગયા છે.
આમ, અમદાવાદમાં હાલ પ્રતિ કલાકે સરેરાશ ૭૫ વ્યક્તિને હૃદયની સમસ્યાને કારણે ‘૧૦૮’ની મદદ લેવી પડે છે. અમદાવાદની અસારવા સિવિલના પરિસરમાં આવેલી હૃદયની હોસ્પિટલની ઓપીડીમાં ૨,૩૨,૯૫૯ જ્યારે આઇપીડીમાં ૩૧,૧૯૧ દર્દી અત્યારસુધી નોંધાઈ ચૂક્યા છે. જેની સરખામણીએ ગત સમગ્ર વર્ષ દરમિયાન ઓપીડીમાં ૩,૬૩,૩૧૫ જ્યારે આઈપીડીમાં ૫૦,૦૭૭ દર્દી નોંધાયા હતા.
જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા જિલ્લામાં સુરત ૪૯૫૭ સાથે બીજા, રાજકોટ ૩૭૫૨ સાથે ત્રીજા, ભાવનગર ૩૧૪૪ સાથે ચોથા અને વડોદરા ૩૧૫૮ સાથે પાંચમાં સ્થાને છે. સૌથી ઓછા ૩૬૭ કેસ ડાંગમાંથી નોંધાયા છે.SS1MS