Western Times News

Gujarati News

રાજ્યમાં પ્રથમવાર એકસાથે ૨૦૫૫ નવીન ગ્રામ પંચાયતોને પંચાયત ઘર નિર્માણ માટે ૪૯૦ કરોડ મંજૂર 

પ્રતિકાત્મક

ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાના મહત્વપૂર્ણ અને પાયાના એકમ ગ્રામ પંચાયતોના મકાન અને તલાટી કમ મંત્રી આવાસ બાંધકામોમાં ૧૦૦ ટકા સેચ્યુરેશન લાવવાનો મુખ્યમંત્રીશ્રીનો પ્રો-પીપલ એપ્રોચ –

પંચાયત ઘર તલાટી કમ મંત્રી આવાસ બાંધકામ માટે

Ø  ૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ૪૦ લાખ રૂપિયા

Ø  ૫થી ૧૦ હજાર સુધીની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ૩૪.૮૩ લાખ રૂપિયા

Ø  ૫ હજારથી ઓછી વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ૨૫ લાખ રૂપિયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયત ઘર કમ તલાટી-મંત્રી આવાસ યોજનામાં ૧૦૦ ટકા સેચ્યુરેશન લાવવાના હેતુસર રાજ્યમાં ૨૦૫૫ નવીન ગ્રામ પંચાયત ઘરો માટે ૪૮૯.૯૫ કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યુ છે.

ત્રિસ્તરિય પંચાયતી રાજ વ્યવસ્થાનો મહત્વનો અને પાયાનો એકમ એવી ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર ઉપલબ્ધ થાય તેવો ઉદ્દેશ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ માતબર અનુદાન મંજૂર કરવામાં રાખ્યો છે.

રાજ્યની જર્જરિત પંચાયત ઘર ધરાવતી અને પંચાયત ઘર ધરાવતી ન હોય તેવી ગ્રામ પંચાયતોને નવીન પંચાયત ઘર તેમજ તલાટી કમ મંત્રી આવાસ નિર્માણ માટે રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા દર વર્ષે બજેટમાંથી નાણાં ફાળવવામાં આવે છે અને જરૂરીયાત મુજબ પંચાયત ઘરોનું નિર્માણ પણ થાય છે.

તદઅનુસાર૧૦ હજારથી વધુ વસ્તીવાળા ગામોને રૂ.૪૦ લાખ૫ થી ૧૦ હજાર સુધીની વસ્તી ધરાવતા ગામોને રૂ.૩૪.૮૩ લાખ અને ૫ હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામોને ૨૫ લાખ રૂપિયાનું અનુદાન ગ્રામ પંચાયત ઘર-તલાટી કમ મંત્રી આવાસ બનાવવા માટે અપાય છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં પ્રથમવાર એકસાથે રાજ્યની ૨૦૫૫ ગ્રામ પંચાયતોમાં નવીન પંચાયત ઘર માટે જે તે ગામની વસ્તી આધારિત યુનિટ કોસ્ટ મુજબ સમગ્રતયા ૪૮૯.૯૫ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે તેના પરિણામે મોટા ભાગની ગ્રામ પંચાયતો આ વર્ષમાં જ પોતાના મકાનોનું નિર્માણ કાર્ય હાથ ધરી શકશે.

એટલું જ નહિઆધુનિક સવલતો સાથેની ગ્રામ પંચાયત કચેરીઓ દ્વારા નાગરિકોને ગ્રામ્ય સ્તરે જ સરળતાથી અને ઝડપી સરકારી સેવાઓ મળી રહે એવો સકારાત્મક અભિગમ પણ મુખ્યમંત્રીશ્રીએ અપનાવ્યો છે.

આ ઉપરાંત પંચાયત વિભાગની અન્ય યોજનાઓમાં આવરી લેવાયેલી ગ્રામ પંચાયતોમાં પણ આવા પંચાયત ઘરોના નિર્માણમાં ૧૦૦ ટકા સેચ્યુરેશન લાવવાની કામગીરી પ્રગતિમાં છે.

આ કામગીરી પૂર્ણ થતાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતો પોતિકા ગ્રામ પંચાયત ઘરોથી સુસજ્જ બનશે અને ગ્રામીણ નાગરિકોને ઘર આંગણે જ ઝડપી સરકારી સેવાઓ મળતી થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.