વલસાડના આ ગામમાં છે, શ્રીકૃષ્ણે ઉપાડેલા ગોવર્ધન પર્વત અને નંદબાબાની કુટીરની પ્રતિકૃતિ

ગોકુલધામમાં શ્રીકૃષ્ણે ઉપાડેલ ગોવર્ધન પર્વત અને નંદબાબાની કુટીરની સુંદર પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.
શ્રાવણ માસમાં માતા વિશ્વંભરી તીર્થયાત્રા ધામે ભક્તોની ભીડ ઉમટી
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડના રાબડા ગામે લીલીછમ વનરાઈ અને પ્રાકૃતિક સૌંદર્યના મધ્યમાં આવેલા માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં શ્રાવણ મહિનાની શરૂઆતથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ખાસ કરીને જન્માષ્ટમીના દિવસોમાં તો ખુબજ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી. અહિયાં પરાશક્તિ-મા વિશ્વંભરી માતાના દર્શન કરીને સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
આ ધામની મુલાકાતે આવતા દરેક દર્શનાર્થીઓને અહીંના શાંતિપૂર્ણ વાતાવરણમાં આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ થાય છે. અહીંની અલૌકિક પાઠશાળામાં મા વિશ્વંભરીના ચૈતન્ય સ્વરૂપના દર્શન અને હિમાલયની ગુફામાં સ્થિત શિવલિંગના દર્શન કરીને શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થઈ જાય છે.
ગોકુલધામમાં શ્રીકૃષ્ણે ઉપાડેલ ગોવર્ધન પર્વત અને નંદબાબાની કુટીરની સુંદર પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. વૈકુંઠધામમાં એક આદર્શ ગૌશાળા આવેલી છે, જ્યાં ગીર ગાયોની સ્વચ્છતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. પંચવટીમાં શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણજીની પ્રતિમાઓના દર્શન કરીને ભક્તો ભાવવિભોર થઈ જાય છે.
શ્રી વિશ્વંભરી તીર્થયાત્રા ધામ સમસ્ત જગતને એક દિવ્ય સંદેશ આપી રહ્યું છેઃ “અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો.” આ ધામ કોઈપણ નાતી-જાતિના ભેદભાવ વિના સનાતન ધર્મ અને સનાતન વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યું છે. સત્ય અને અસત્યનો ભેદ સમજાવીને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ દર્શાવતું આ ધામ જ્ઞાન, ભક્તિ અને કર્મનો ત્રિવેણી સંગમ બની ગયું છે, જે ખરેખર પૃથ્વી પર સ્વર્ગ જેવી અનુભૂતિ કરાવે છે.