વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસનું ગોધરામાં વિરોધ પ્રદર્શન યોજાયું

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં વોટ ચોરીના આક્ષેપોને લઈને ગોધરા શહેરમાં કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ગોધરાના સરદારનગર ખંડ પાસે જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતૃત્વ હેઠળ ધરણા પ્રદર્શન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
તેઓએ હાથમાં પ્લેકાર્ડ તથા તિરંગા લઈને “વોટ ચોર, ગાદી છોડ” જેવા સૂત્રોચ્ચાર સાથે ભાજપ સરકાર સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ થઈ રહી છે અને લોકશાહી મૂલ્યો સાથે છેડછાડ થઈ રહી છે.
જિલ્લા કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી હતી કે જો વોટ ચોરીના મુદ્દે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં વધુ તીવ્ર આંદોલન કરવામાં આવશે.આ વિરોધ કાર્યક્રમ દરમ્યાન પોલીસ તંત્ર સતર્ક રહ્યું હતું. સમગ્ર પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું.