ડુપ્લીકેટ પનીરના કારખાના સાથે મીઠાઈ, ભજીયા-ચટણીનું મોટાપાયે ઉત્પાદન

નકલી પનીર બનાવવાનો ધીકતો ધંધો-ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ચેકીંગની પણ બારોબાર જાણ થઈ જતી હોવાના આક્ષેપ
વડિયા, પવિત્ર શ્રાવણ માસના તહેવારોમાં મીઠાઈ, ફરસાણ અને ફરાળી આઈટમનું વેચાણ વધે છે. મેળાના સ્ટોલમાં પનીરની બનાવટની વસ્તુઓનું વેચાણ પણ પુરબહારમાં થાય છે.
અમેરલી જિલ્લાના વડિયાના અમરનગર રોડ પર ગેબનશાહ પીરની દરગાહ પાસે ભૂતકાળમાં નકલી પનીર બનાવતી ફેકટરી ઝડપાઈ હતી. આ સમયે પનીરના સેમ્પલ લેવાયા હતા. આ બાબતે અનેકવાર જિલ્લાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસેથી તેના રિપોર્ટ બાબતે જાણકારી મેળવવાનો પ્રયાસ થયો પરંતુ આજદિન સુધી તેનો રિપોર્ટ આપવામાં જાણે કોઈની શરમ આવતી હોય તેમ ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ, ડુપ્લીકેટ પનીર બનાવતી આ ફેકટરી ભૂતકાળમાં જેતપુર ખાતે કાર્યરત હતી ત્યાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ આવતા અને તેના સેમ્પલ ફેલ થયા હતા. આથી આ ફેકટરી વડિયામાં ચાલુ કરવામાં આવી હોવાનું બહાર આવ્યુ છે.
અમરેલી જિલ્લા ફુડ વિભાગ સાથે સેટિંગ કરી જાણે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો પીળો પરવાનો મેળવ્યો હોય તેમ બેરોકટોક ડુપ્લીકેટ પનીરનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ પનીર ફેકટરીની પાછળના ભાગે તેની દુર્ગધથી વસવાટ કરતા લોકો પણ પરેશાન છે. પરંતુ નાના માણસોનું સાંભળે કોણ તેવી સ્થિતિ છે.
બેરોકટોક ચાલતા આ ડુપ્લીકેટ પનીરના કારખાના સાથે વડિયા વિસ્તારમાં મીઠાઈ, ભજીયા ચટણીનું પણ મોટાપાયે ઉત્પાદન અને વેચાણ થાય છે. વડિયા વિસ્તારના લોકો ભજીયા અને ભેળના શોખીન હોવાથી લીંબુના ફુલ અને કેમિકલવાળા કલરથી બનેલી ચટણીનો ઉપયોગ ભજીયા અને ભેળમાં કરી આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.
ભૂતકાળમાં મીડિયાના અહેવાલો બાદ સેમ્પલો લેવાયા હતા. પરંતુ જાણવા મળતી વિગતો મુજબ હપ્તા રાજથી ચાલતુ ફુડ તંત્ર સેમ્પર લેવા આવે તે પહેલા વડિયાના એક કરિયાણાના વેપારી કે જે દર દિવાળીએ બાંધેલો હપ્તો સમગ્ર વડિયામાંથી ઉઘરાવીને ફુડ વિભાગને પહોચાડતા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે આવા લોકો મારફત જ તંત્ર જાણ કરે છે કે અમે સેમ્પલ લેવા નીકળ્યા છે. આ જગ્યામાં જાણ કરી દેજો આવા હપ્તા રાજના તંત્રથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, અનેક લોકો રોગના ભોગ બની રહ્યા છે.
રાજ્યના ફુડ અને ડ્રગ્સ વિભાગ, જિલ્લા કલેકટર આ બાબતને ગંભીર ગણી વડિયા વિસ્તારમાં હપ્તા રાજથી વેચાતી આવી વસ્તુઓ અને કારખાના પર તવાઈ બોલાવે તેવી માગણી થઈ રહી છે. જો આ બાબતે તંત્ર કામગીરી નહી કરે તો આવનાર દિવસોમાં જનતા રેડ કરવાની ફરજ પડશે તેવી ચિમકી જાગૃત નાગરિકોએ આપી છે.