Western Times News

Gujarati News

ગુજરાતના યુવાનો માટે આવી અમૂલ્ય તક: વાયુસેનામાં અગ્નિવીર ભરતી મેળો યોજાશે

પ્રતિકાત્મક

વડોદરામાં તા. ૨૭થી વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી મેળો યોજાશે

(માહિતી)આહવા, ભારતીય વાયુસેના દ્વારા ગુજરાત રાજ્ય તથા બે કેન્દ્રશાસિત પ્રદેશના અપરણીત પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલી વડોદરા જિલ્લાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાશે. ભરતી રેલી ૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સવારે પાંચ વાગ્યાથી શરૂ થશે. જેમાં ૨૭ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન અપરણીત પુરુષ ઉમેદવારોની તેમજ ૩૦ અને ૩૧ ઓગસ્ટ દરમિયાન અપરણીત મહિલા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા યોજાશે.

આ ભરતી માટે ઉમેદવાર અપરણીત હોવો જરૂરી છે તથા તેમનો જન્મ ૧ જાન્યુઆરી ૨૦૦૫ થી ૩૧ જુલાઈ ૨૦૦૮ (બન્ને તારીખ સહીત) વચ્ચે થયેલો હોવો જોઈએ. ઉમેદવારોએ કેન્દ્ર, રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી ૧૦+૨ અથવા સમકક્ષ પરીક્ષા ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે તેમજ અંગ્રેજીમાં ૫૦ ટકા ગુણ સાથે પાસ કરેલી હોવી આવશ્યક છે.

ઉમેદવારોએ બે વર્ષનો વ્યાવસાયિક અભ્યાસક્રમ અથવા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ, કમ્પ્યુટર સાયન્સ, ઈન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી અથવા માહિતી ટેકનોલોજી) પણ ૫૦ ટકા ગુણ સાથે પાસ કરેલો હોવો જોઈએ અને તેમાં અંગ્રેજીમાં ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ.

ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. આધાર કાર્ડ, ડોમિસાઇલ સર્ટિફિકેટ અને તમામ શૈક્ષણિક પ્રમાણપત્રોની તપાસ બાદ શારીરિક કસોટી લેવામાં આવશે જેમાં ઊંચાઈ માપ્યા પછી ૧૬૦૦ મીટરની દોડ તથા પુશ અપ, સીટ અપ અને સ્ક્વાટ લેવામાં આવશે. તે બાદ લેખિત પરીક્ષા યોજાશે. લેખિત પરીક્ષામાં સફળ થતા ઉમેદવારોને બીજા દિવસે એપ્ટિટ્યૂડ ટેસ્ટ ૧ એટલે કે સીટ્યુએશન રિએક્શન ટેસ્ટ અને એપ્ટિટ્યૂડ ટેસ્ટ ૨ એટલે કે ગ્રુપ ડિસ્કશન માટે બોલાવવામાં આવશે.

ઉમેદવારોને ભરતી રેલીમાં હાજર થતી વખતે નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ તમામ દસ્તાવેજો ઓરિજિનલ તથા બે નકલમાં સાથે લાવવા જરૂરી છે. તેમાં પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, ધોરણ ૧૦ની તથા અન્ય અભ્યાસની માર્કશીટ, ડોમિસાઇલ સર્ટિફિકેટ, દ્ગઝ્રઝ્ર સર્ટિફિકેટ (હોઈ તો), ભારતીય વાયુસેનામાં સેવા આપતા જવાનો અથવા સરકારી કર્મચારીઓના સંતાનો માટે જરૂરી પ્રમાણપત્ર, સરકારી કર્મચારીઓ માટે એન.ઓ.સી. સર્ટિફિકેટ તેમજ જો હાથ પર ટેટુ હોય તો તેનો પોસ્ટકાર્ડ સાઇઝ ફોટોગ્રાફ સાથે લાવવા જરૂરી છે.

આ ભરતી રેલી અંગે વધુ વિગતવાર માહિતી અને માર્ગદર્શન ભારતીય વાયુસેનાની ઓફિશ્યલ વેબસાઈટ પરથી મેળવી શકાય છે. વડોદરા જિલ્લા રોજગાર કચેરી દ્વારા વડોદરા જિલ્લાના ઉમેદવારો માટે પરીક્ષાલક્ષી ત્રીસ દિવસની નિવાસી તાલીમ વિનામૂલ્યે આપવામાં આવશે.

ઉપરાંત ભરતી રેલી સારી રીતે યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર તથા શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા મંડપ, ઈલેક્ટ્રિક, ટેબલ-ખુરશી, પીવાનું પાણી, રિફ્રેશમેન્ટ, સ્વચ્છતા, કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા, ટ્રાન્સલેટર શિક્ષક તથા ઉમેદવારો માટે રાત્રિ રોકાણ જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભરતી રેલી અંગેની તાજી માહિતી માટે વાયુસેનાની વેબસાઈટની મુલાકાત લેતા રહે તથા વડોદરા જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા વડોદરા જિલ્લા રોજગાર કચેરીના મદદનીશ નિયામક શ્રી અલ્પેશ ચૌહાણ દ્વારા જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.