ચિંતનાત્મક વિચારોને વણી લઈને નરહરિ બારોટે ગાગરમાં સાગર સ્વરૂપે ચિંતનાત્મક કણિકાઓ પુસ્તકમાં પ્રસ્તુત કરી

નરહરિભાઈ લેખિત ચિંતન-પુષ્પો પુસ્તકનું લોકાપર્ણ સંપન્ન
અમદાવાદ, જાણીતા સર્જક, ચિંતક અને વક્તા ડૉ. દલપતભાઈ પઢીયારના વરદહસ્તે નરહરીભાઈ બારોટ દ્વારા લેખિત અને સંકલિત ચિંતન-પુષ્પો પુસ્તક લોકાર્પિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલતા ડૉ. દલપતભાઈ પઢિયારે સમાજમાં સારા વાંચન અને લેખનની આવશ્યકતાને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, નરહરિભાઈ જેવા લેખકો સમાજમાં આ પ્રકારનું ઉત્તમ કાર્ય કરીને પ્રેરણા આપી રહ્યા છે.
લેખક, કલાકાર અને સર્જક પ્રકાશભાઈ લાલાએ જણાવ્યું હતું કે, નરહરિભાઈ સાચા અર્થમાં ગમતાનો ગુલાલ કરનારા વ્યક્તિ છે. એપી પબ્લિકેશનના ડાયરેક્ટર શ્રી પુલકભાઈ ત્રિવેદીએ નરહરિભાઈની વાંચન અને લેખન પ્રવૃત્તિને બિરદાવતા જણાવ્યું હતું કે, નરહરિભાઈ એમના સર્જનને વહેંચવાના ઊમદા આશય સાથે આ પુસ્તક લઈને આવ્યા છે તે ખરેખર સરાહનીય છે.
કવયિત્રી પ્રજ્ઞાબેન પટેલે કહ્યું હતું કે, નરહરિભાઈ જેટલાં ઉત્તમ વાચક છે એટલા જ ઉમદા વ્યક્તિ છે. એમનું આ પુસ્તક સમાજને પ્રેરણારૂપ બની રહેશે. કોલમિસ્ટ સંજયભાઈ થોરાટે નરહરિભાઈ આ પુસ્તક પ્રાગટ્યને સ્તુત્ય પ્રયાસ ગણાવ્યો હતો.
વિવિધ ચિંતનાત્મક વિચારોને વણી લઈને નરહરિભાઈએ ગાગરમાં સાગર સ્વરૂપે ચિંતનાત્મક કણિકાઓ આ પુસ્તકમાં પ્રસ્તુત કરી છે. લગભગ સાડા ત્રણ દાયકાથી એમણે કરેલા વાંચન અને અનુભવોને આધારે એમણે ચિંતન પુષ્પો પુસ્તકમાં વિચારપ્રધાન મહત્વપૂર્ણ વિષયોને સરસ રીતે રજૂ કર્યા છે.
ગાંધીનગરના સર્વપ્રથમ પબ્લિકેશન હાઉસ એપી પબ્લિશર્સ દ્વારા પ્રકાશિત ચિંતન પુષ્પોની કિંમત રૂપિયા ૨૫૦ છે અને ૨૦ ટકા વિશેષ વળતર પ્રાપ્ત છે. નરહરિભાઈનું આ પુસ્તક એપી પબ્લિશર, ચંદન એન્ટરપ્રાઇઝીસ પાસે, સેક્ટર ૨૧ ગાંધીનગરથી પ્રાપ્ત કરી શકાય છે.
માહિતી ખાતાના વરિષ્ઠ અધિકારીઓ સર્વશ્રી જ્યોતીન્દ્રભાઈ દવે, શકુંતલાબેન ગોર, હિરલબેન ત્રિવેદી, રણછોડભાઈ નાયક, પ્રવિણભાઇ પટેલ, સરલાબેન, મિનેશભાઈ ત્રિવેદી, અનિલભાઈ બારોટ તેમજ જાણીતા બાળગીત, ગઝલ અને સોનેટ સર્જક પારૂલબેન બારોટ, અરવિંદભાઈ બારોટ સહિત મોટી સંખ્યામાં સર્જકો, ભાવકો અને સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નરહરી ભાઈના બંને પુત્રો ડોક્ટર દિનેશભાઈ બારોટ અને કમલેશભાઈ બારોટ તેમના પિતાનું સાલ ઓઢાડીને વંદન સાથે અભિવાદન કર્યું હતું. નરરી ભાઈના સ્નેહીજનોએ ચિંતન પુષ્પોના નામ સાથેની કેક લાવીને ડોક્ટર દલપતભાઈ પઢિયારના હસ્તે કટિંગ કરાવીને નરહરિભાઈને ઉત્સાહપૂર્વક પોંખ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ગાયત્રીબેન બારોટ કર્યું હતું.