BJPમા પક્ષનો હોદ્દો લેવો એ નુકસાનકર્તા બાબત છે?

એક BJPના કાર્યકરને હીરો હોન્ડાનો શો રૂમ હતો. મહિને 20-25 વાહનો વેચતો, -ધંધા માટે સમય નહોતો આપી શકતો પરીણામે મહિને ૨૦-૨૫ વાહનો વેચતો હતો તે સંખ્યા ૭-૮ પર આવી ગઈ.આ કારણે શો રૂમ વેચી નાંખવો પડ્યો.
ગાંધીનગરમાં જુના સચિવાલયની બાજુમાં આવેલા મીના બજારમાં એક ચા’ના ગલ્લા પર કેટલાક પત્રકારો વર્તુળાકારે બેસીને ચા પીતાપીતા ટોળટપ્પાં હાંકતા હતા.એ દરમિયાન પ્રદેશ ભા.જ.પ.ના માળખાંમાં બે-ત્રણ હોદ્દા ભોગવી ચૂકેલા એક (દરેક અર્થમાં)કદાવર નેતા ત્યાંથી બે ત્રણ કાર્યકરો સાથે પસાર થયા!
પત્રકારોને જોઈને ઉભા રહી ગયા, એક પત્રકાર મિત્રે તેમને શુભેચ્છા પાઠવતા કહ્યું કે હવે પ્રદેશ માળખું બને ત્યારે તમે મહામંત્રી બનો એવી શુભેચ્છા!
તો એ નેતા કહે કે ભાઈ,ભા.જ.પ.માં હોદ્દો લેવો એટલે ‘ન ઘરના રહેવું ન ઘાટના’ જેવા હાલ થાય છે. એક અન્ય કાર્યકરનો દાખલો આપતા કહે કે ‘પેલા ફલાણા કાર્યકરને મજાનો હીરો હોન્ડાનો શો રૂમ હતો.
પ્રદેશ માળખામાં હોદ્દો મળ્યો પછી પક્ષે એટલાં બધાં કામ સોંપ્યા કે ધંધા માટે સમય નહોતો આપી શકતો.
પરીણામે મહિને ૨૦-૨૫ વાહનો વેચતો હતો તે સંખ્યા ૭-૮ પર આવી ગઈ.આ કારણે શો રૂમ વેચી નાંખવો પડ્યો. પક્ષ તો મજુરી કરાવે છે.’
આવી જ વાત અગાઉ આ લખનારને ઉંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ લલ્લુ પટેલે કરી હતી અને કહ્યું હતું કે ‘ભા.જ.પ.ધારસભ્યોને સતત દોડતા રાખીને થકવી દે છે, ઘરના અને પ્રજાના કામ ક્યારે કરવા એ જ સમજાતું નથી!’ આ બન્ને વાતોનો લઘુત્તમ સાધારણ અવયવ એ નીકળે છે કે પેલી અંગ્રેજી કહેવત ‘નો લંચ ઇઝ ફ્રી’ ભા.જ.પ.ના કાર્યકરો માટે બરોબર બંધબેસતી આવે છે!
ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગીમાં નરેન્દ્ર મોદીનો હાથ ઉપર રહ્યો છે
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૧મા મુખ્યમંત્રીના મુલાકાતીઓ માટે બીજા માળે નવા બનેલા વી.આઈ. વેઈટિંગ રૂમમાં એક પૂર્વ કેબિનેટ મંત્રી મળી ગયા.સક્રિય રાજકારણની વિગતો અમને નિયમિત રીતે પુરી પાડતા એ મહાનુભાવને રાજકીય હાલચાલ પૂછતાં તેઓએ ઉમંગભેર જણાવ્યું કે ‘અમારા નરેન્દ્ર મોદીનો કેન્દ્રમાં એવોને એવો દબદબો છે.’
આ વિધાન પછી તેઓએ ઉમેર્યુ કે, ‘ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગીનો મામલો ગુંચવાતા રાષ્ટ્રીય પત્રકારો(સાચાં કે ખોટા)એવા ઢોલ પીટવા લાગ્યા છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભા.જ.પ.વચ્ચે જબરદસ્ત મતભેદ સર્જાયા છે!
પરંતુ તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભા.જ.પ.તરફથી પસંદ થયેલાં ઉમેદવાર સી.પી.રાધાકૃષ્ણન સંપૂર્ણપણે ભા.જ.પ.(અને નરેન્દ્ર મોદી)ની પસંદગીની વ્યક્તિ છે. એમાં સંઘે કશી દખલગીરી કરી નથી.જે સૂચવે છે કે ભા.જ.પ.મા હજુ પણ નરેન્દ્ર મોદીના નામના જ સિક્કા પડે છે.’ પૂર્વ કેબીનેટ મંત્રીની વાત ધ્યાને લેવા જેવી તો છે હોં!
તલાલાના ધારાસભ્ય ભગવાન ધાનાભાઈ બારડની ઉદારતા અને શિક્ષણપ્રેમ
ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના ધારાસભ્ય ભગવાન ધાનાભાઈ બારડ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.તેમના વતનનું ગામ બાદલપરા એક આદર્શ ગામ છે.એવુ કહેવાય છે કે એ ગામમાં અનેક પ્રકારના અલભ્ય વૃક્ષો છે,એ ગામની ચોખ્ખાઈ,’ઉડીને આંખે વળગે’ એવી છે.
આખા ગીર સોમનાથ જિલ્લામાં ભગાભાઇના લાડકા નામે ઓળખાતા બારડે દર્શાવેલી એક ઉદારતા તેમના પ્રત્યે ભરપૂર આદર જન્માવે એવી છે.બન્યુ એવું કે વેરાવળ ખાતે આવેલી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે એક ‘વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર’નુ આયોજન કરવામાં આવ્યું હતું.
તેના ઉદ્દઘાટન સમારોહમાં ધારાસભ્ય બારડ અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા.સમારંભમાં પ્રવચન કરતા ત્યાં ઉપસ્થિત ઈજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટ વિદ્યાશાખાના આશરે ૭૦ જેટલા વિદ્યાર્થીઓને તેઓએ લાગણીપૂર્વક પોતાના વિશિષ્ટ ગામ બાદલપરા આવવાનું આમંત્રણ આપ્યું અને એ વિદ્યાર્થીઓ તેમના ગામ ગયા ત્યારે ભગવાન બારડે જાતે હાજર રહીને યુવા શિબિરાર્થીઓને ગ્રામજીવનની ઝાંખી કરાવી અને વૃક્ષોથી પરિચિત કરાવ્યા એટલું જ નહીં
પણ તમામ વિદ્યાર્થીઓને પોતાના ગામમાં જાતે પીરસીને આગ્રહથી જમાડ્યા. શહેરીજીવન જીવતા વિદ્યાર્થીઓ તો ભગવાન બારડની આ ઉદારતા, લાગણી અને વાત્સલ્યભર્યો વ્યવહાર જોઈને અત્યંત પ્રભાવિત તથા ગદ્દગદીત થઈ ગયા હતા.સંવેદનશીલ ધારસભ્યોના દુકાળમાં ભગાભાઇ બારડ એક અપવાદ છે હોં!
ધારાસભ્ય નિમિષા સુથાર અને ઈશ્વરસિંહ પરમારની ભજનભક્તિ
ભા.જ.પ.નુ રાજકારણ આજકાલમાં ઠંડુ અને સ્થિર છે કારણ કે હાલના સંજોગોમાં નથી પ્રધાનમંડળમાં વિસ્તરણની કોઈ શક્યતા કે નથી પક્ષના પ્રદેશ માળખાની પૂનઃરચનાની શક્યતા!આ કારણે ધારાસભ્યો પણ નિરાશા અને કંટાળો અનુભવે છે.એનુ પરીણામ એ આવ્યું કે હવે કેટલાક ધારાસભ્યો ભજન-ભક્તિના માર્ગે વળી રહ્યા છે.
આનો પુરાવો એ છે કે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરસિંહ પરમાર અને મોરવા હડફના ધારાસભ્ય નિમીષા સુથાર હમણાં એક સત્સંગ સભામાં ભજન ગાતા નજરે પડ્યા હતા.રાજકારણીઓ ભજન કરે એટલે એ પાછળ કશીક અપેક્ષાઓ તો હોય જ એમ સૌ માને!એ અપેક્ષા ઈશ્વર પૂર્ણ એવું પ્રાર્થવુ રહ્યું,બીજુ શું?
ગાંધીનગરમાં સરકારી વૈદ્યરાજ રાકેશ ભટ્ટ ખૂબ લોકપ્રિય છે
પ્રખર ગાંધીવાદી અને ગાંધીજીના આધ્યાત્મિક વારસ ગણાયેલા આચાર્ય વિનોબા ભાવેએ કહેલું કે ‘જેટલુ અ-સરકારી એટલું અસરકારી.’ સરકારમાં પણ કેટલાક એવાં અધિકારી હોય છે કે જેઓ સરકારી કર્મચારી હોવાં છતાં અ-સરકારી રહીને કામ કરે છે અને અસરકારી નિવડે છે.
એવા એક સરકારી આયુર્વેદ અધિકારી વૈદ્ય રાકેશ ભટ્ટ ગાંધીનગરમાં છે કે જેઓએ ૩૩ વર્ષની સરકારી નોકરી દરમિયાન અત્યાર સુધીમાં ૫,૦૦,૦૦૦ દર્દીઓના અનિન્દ્રા, મેદસ્વિતા, સોરાઇસીસ તેમજ અન્ય લાઇફસ્ટાઇલને લગતા રોગોનું સફળ નિદાન કર્યું છે અને સારવાર કરી છે.
ગાંધીનગરના સેક્ટર-૨૨માં આવેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ એવા આ સરકારી વૈદ્યરાજ ૧૯૯૨થી સરકારી આયુર્વેદિક હોસ્પિટલોમાં દર્દીઓની વિનામૂલ્યે સેવા કરી રહ્યાં છે. તેઓ પ્રતિદિન ૨૦૦ દર્દીઓની સારવાર કરે છે. સેક્ટર-૨૨ની આ હોસ્પિટલમાં લાઇફસ્ટાઇલ, સ્કીન, સાંધાના દુખાવા, રૂમેટોલોજી, સાઇટીકા, સોરાઇસીસના દર્દીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે.
ચિકનગુનિયાના રોગમાં તેમનો આયુર્વેદિક ઉકાળો ખૂબ જ પ્રચલિત બન્યો હતો, કારણ કે તેનાથી લોકોને ખૂબ જ રાહત થતી હતી.પોતાની નોકરીને એક ધર્મ તરીકે નિહાળતા વૈદ્ય રાકેશ સચોટ નિદાન અને યોગ્ય દવા ઉપરાંત પોતાના આનંદી અને માયાળુ સ્વભાવથી પણ દર્દીઓને રોગમુક્ત કરે છે.