આઇસર ટેમ્પોમાં વોટર ટેંકમાં દારૂનો જથ્થો સંતાડી થઈ રહી છે હેરાફેરી

દહેજ હાઇવે પરથી રૂપિયા ૮૫ લાખના દારૂ સાથે એકની ઘરપકડ-દહેજ હાઇવે ઉપર આવેલ રામદેવ હોટલ પાસેથી ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દારૂનો જથ્થો ઝડપી લીધો
દહેજ, દહેજ હાઇવે ઉપર આવેલ રામદેવ હોટલ પાસેથી ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રૂ. ૮૫ લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કુલ રૂ.૧ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
લોકલ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, ભરૂચથી દહેજ જતા રોડ ઉપર ભેંસલી ગામ નજીક રામદેવ રાજસ્થાની હોટલ પાસે પાર્ક આઇસર ટેમ્પોમાં વોટર ટેંકમાં દારૂનો જથ્થો સંતાડી લઈ જવાય છે. જેથી પોલીસે ધાતુની વોટર ટેંક કટર વડે કાપતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ૫૬૬ પેટીમાંથી રૂ. ૮૫, ૮૭,૪૦૦ની દારૂની નાની – મોટી કુલ રૂ.૧૬,૬૩૦ બોટલ, રૂ.૪૦ હજારની કિંમતની વોટર સ્ટોરેજ ટેન્ક, રોકડા રૂ ૪,૯૦૦, મોબાઈલ ફોન તથા ટેમ્પો સહિત કુલ રૂ. ૧,૦૬,૩૭,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપી જેસારામ વિશનારામ જાટ (રહે- રાજસ્થાન)એ કબુલાત કરી હતી કે, રાહુલ નામના વ્યક્તિએ ઉત્તરાખંડથી દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો. અને સંપર્કમાં રહી દહેજ જતા રસ્તા પર પાર્ક કરવા જણાવ્યું હતું અને આગળ વડોદરા તરફ જવાની સૂચના હતી.