Western Times News

Gujarati News

અમે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાડવા માટે ભારત સમક્ષ આજીજી નહીં કરીએ-PCB

File Photo

ઈસ્લામાબાદ,  યુનાઈટેડ અરબ અમીરાત UAEમાં આવતા મહિને એશિયા કપ-૨૦૨૫ શરૂ થાય તે પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. PCBના ચેરમેન મોહસીન રજા નકવીએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘અમે આગામી સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાડવા માટે ભારત સમક્ષ આજીજી નહીં કરીએ.’ એશિયા કપમાં બંને દેશો વચ્ચે ૧૪ સપ્ટેમ્બરે મેચ રમાવાની છે.

આ વર્ષની શરૂઆતમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ PCB બંને સંમત થયા હતા કે, તેઓ આગામી સમયમાં બંને દેશોની મેચો ન્યૂટ્રલ વેન્યૂ એટલે કે અન્ય દેશમાં રમાડશે. આ જ કારણે એશિયા કપમાં ભારતે પાકિસ્તાન સાથે દુબઈમાં મેચ રમવી પડશે.

તાજેતરમાં જ ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય અને પાકિસ્તાનની ટીમને પણ ભારતમાં આવવાની મંજૂરી નહીં આપવામાં આવે. એશિયા કપ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા યોજાતી મલ્ટીનેશનલ ટુર્નામેન્ટ અલગ-અલગ માનવામાં આવશે. આવી ટુર્નામેન્ટ રમાડતી વખતે શરત એ રહેશે કે, ભારત-પાકિસ્તાનની મેચ અન્ય ન્યુટ્રલ વેન્યુ એટલે કે અલગ દેશોમાં રમાડવામાં આવે.

રમત-ગમત મંત્રાલયના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘ભારત પોતાની નીતિમાં કોઈપણ ફેરફાર નહીં કરે અને પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સંબંધો ફરી શરુ કરવાની કોઈ વાત જ થતી નથી. જોકે એશિયા કપ એક મલ્ટીનેશનલ ટુર્નામેન્ટ છે, તેથી ભારતીય ટીમ તેમાં રમશે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે માત્ર એશિયા કપ અથવા આઇસીસી દ્વારા યોજાતી ટુર્નામેન્ટમાં જ મેચ રમાશે.

યુએઈમાં ૯મી સપ્ટેમ્બરથી એશિયા કપ-૨૦૨૫ની શરૂઆત થવાની છે. આ દરમિયાન પહેલા ગ્રૂપ સ્ટેજની મેચો રમાશે, ત્યારબાદ સુપર-૪ સ્ટેજની અને પછી ફાઇનલ મેચ રમાશે. ભારતીય ટીમ ગ્રૂપ મેચોમાં કુલ ત્રણ મેચો રમશે, જેમાં ભારત-યુએઈ વચ્ચે દુબઈમાં ૧૦ સપ્ટેમ્બરે મેચ રમાશે. ત્યારબાદ ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈમાં ૧૪ સપ્ટેમ્બરે ખરાખરીને ખેલ રમાશે, પછી ભારત-ઓમાન વચ્ચે અબુ ધાબીમાં ૧૯ સપ્ટેમ્બરે ટક્કર થશે. એશિયા કપમાં બંને ગ્રૂપમાં ટોપ પર રહેનારી બે-બે ટીમો સુપર-૪ સ્ટેજમાં પહોંચશે, ત્યારબાદ સુપર-૪ સ્ટેજની ટોપ-૨ ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૪ સપ્ટેમ્બરે દુબઈમાં ટક્કર થશે. પહલગામમાં આતંકવાદી હુમલા બાદ બંને દેશો પહેલીવાર સામસામે ટકરાશે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ ત્રણ મેચ રમાવાની સંભાવના છે. ગ્રૂપ સ્ટેજમાં બંને ટીમો વચ્ચે મેચ રમાવાનું ફાઇનલ થઈ ગયું છે. આ ઉપરાંત સુપર-૪ અને ફાઇનલમાં પણ બંને ટીમો સામસામે આવી શકવાની સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.