હું ૨૦૧૬થી વોટ ચોરીની વાત કરી રહ્યો છું: રાજ ઠાકરે

ચૂંટણીપંચને ડર છે કે ૧૦ વર્ષની પોલ ખુલી જશે
મુંબઈ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના પ્રમુખ રાજ ઠાકરેએ વોટ ચોરી મુદ્દે મોટો હુમલો કર્યો છે. કોઈ પણ રાજકીય પક્ષનું નામ લીધા વિના તેમણે કહ્યું કે તેઓ ઘણા વર્ષોથી વોટ ચોરી કરીને સરકાર બનાવી રહ્યા છે. રાજ ઠાકરેએ કહ્યું કે હું ૨૦૧૬થી વોટ ચોરીની વાત કરી રહ્યો છું.
જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ભાજપના અનુરાગ ઠાકુરે મતદાર યાદીમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો ત્યારે ચૂંટણી પંચે તેની તપાસ કરવી જોઈતી હતી. મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સ્થાનિક અધિકારીઓને સંબોધતા તેમણે પક્ષના કાર્યકરોને મતદાર યાદીઓ કાળજીપૂર્વક તપાસવા કહ્યું.
રાહુલ ગાંધી અને અનુરાગ ઠાકુર દ્વારા મતદાર યાદીમાં હેરાફેરીના આરોપોનો ઉલ્લેખ કરતાં ઠાકરેએ કહ્યું કે વિપક્ષની સાથે સાથે હવે સરકારના સભ્યોને પણ શંકા થઇ રહી છે. એવામાં ચૂંટણીપંચે તપાસ કરવાની જરૂર છે પણ તે મામલાને દબાવવાનું પસંદ કરે છે. ચૂંટણી પંચ આવું નહીં કરે કેમ કે તેને ડર છે કે છેલ્લા ૧૦ વર્ષોની વોટ ચોરીની પોલ ખુલી જશે.
રાજ ઠાકરેએ કહ્યું કે તેઓ આટલા વર્ષોથી વોટ ચોરી કરીને સરકાર બનાવવામાં સફળ થઇ રહ્યા છે. જોકે તેમણે એ ન કહ્યું કે તે કયા રાજકીય પક્ષની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષથી વોટ ચાલે છે. ૨૦૧૬થી હું આ મામલે સવાલ ઊઠાવી રહ્યો છું. મેં આ મામલે શરદ પવાર, સોનિયા ગાંધી, મમતા બેનરજી અને અન્ય વિપક્ષના સભ્યો સાથે આ મુદ્દે મુલાકાત કરી હતી. ૨૦૧૭માં તો મેં ચૂંટણી બહિષ્કારનું સૂચન કર્યું હતું.