200 કરોડના ખર્ચે તૈયાર થયું 3000 દિકરીઓ માટેનું સરદારધામ છાત્રાલય સંકુલ

Ø સરદારધામ ફેઝ-૨, કન્યા છાત્રાલય સમસ્ત પાટીદાર સમાજની દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનશે; મુખ્યમંત્રી
Ø સરદારધામ સંસ્થા, ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ ના ધ્યેય સાથે, વડાપ્રધાનના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના નિર્માણના સંકલ્પોને સાકાર કરવામાં યોગદાન આપશે
“સરદારધામનું નામ જેટલું પવિત્ર છે, તેટલું જ તેનું કામ પણ પવિત્ર છે”
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં, અમદાવાદ ખાતે સરદારધામ ફેઝ-૨ અને શકરીબેન ડાહ્યાભાઈ પટેલ કન્યા છાત્રાલયનું લોકાર્પણ દિલ્હીથી ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વર્ચ્યુઅલી કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો સંદેશ દ્વારા ઉપસ્થિત સૌને સંબોધન કર્યું હતું.
પ્રિ-રેકોર્ડેડ વિડિયો સંદેશના માધ્યમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ગુજરાતે આધુનિક વિકાસની સાથે સામાજિક પડકારો પણ પાર કર્યા છે. સામાજિક ક્ષેત્રે અનેક પડકારો પાર કરીને ગુજરાત આગળ આવ્યું છે. પહેલા દીકરીઓના શિક્ષણમાં ગુજરાત પાછળ હતું પરંતુ સૌ સમાજે આગળ આવીને દીકરીઓના શિક્ષણ બાબતે કામ કર્યું એટલે આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. 25 વર્ષની યાત્રામાં સૌએ સાથે મળીને કામ કર્યું છે.
તેમણે ઉમેર્યું કે, સરદારધામનું નામ જેટલું પવિત્ર છે, તેટલું જ તેનું કામ પણ પવિત્ર છે. સરદાર ધામ ફેઝ ટુ, કન્યા છાત્રાલયમાં રહીને દીકરીઓને તેમના અરમાનો અને સપના પૂરા કરવા નો અવસર મળશે. અહીં ભણી ગણીને દીકરીઓ રાષ્ટ્ર નિર્માણમાં કાર્યમાં સહભાગી થશે અને આ શિક્ષિત દીકરીઓનું કુટુંબ પણ સમર્થ બનશે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આ કન્યા છાત્રાલયની આધારશીલા રાખવાનું સૌભાગ્ય તેમને સાંભળ્યું હતું અને આજે આ ભવન તૈયાર થઈ ગયું છે. વડોદરામાં પણ સરદાર ધામનું કામ ચાલુ છે. સુરત, મહેસાણા સહિત રાજ્યના ઘણા નગરોમાં આવા તાલીમ કેન્દ્ર બનાવાઈ રહ્યા છે, સરદાર ધામ સંસ્થાનું કામ ખરેખર સરાહનીય છે.
વડાપ્રધાનશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળને યાદ કરતાં કહ્યું કે, હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે કહેતો કે, ‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ જરૂરી છે’. ગુજરાત પાસેથી જે શીખ્યો તે તે લેખે લાગ્યું છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણ ટેકનોલોજી આ બધા ક્ષેત્રે ગુજરાતે વિકાસ કર્યો છે પરિણામે ગુજરાતના ખૂણે ખૂણે અભ્યાસ-શિક્ષણની ભૂખ જાગી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાથે એક કલંક હતું ભ્રૂણ હત્યાનું પાપ. દીકરીઓની ગર્ભમાં જ હત્યા કરવાનું પાપ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના મારા કાર્યકાળમાં આપણે સુરતથી ઉમિયા ધામ સુધી યાત્રા કરી હતી. ‘બેટા બેટી એક સમાન’ એ નારો ત્યારે ગુજરાતમાં ગુંજ્યો હતો.
તેમણે ઉમેર્યું કે, ગુજરાત નારી શક્તિને પૂજતું રાજ્ય છે. મા ઉમિયા, મા ખોડલ, અંબાજી, બહુચરાજી આવી નારી શક્તિના આપણે ઉપાસક છીએ. ગુજરાતમાં બાળકીની ભૃણ હત્યાનું કલંક નાબૂદ કરવામાં પાટીદાર સમાજ સહિત અનેક સમાજના સંગઠનો એ આગળ આવીને સરકાર સાથે ખભેખભો મિલાવીને કામ કર્યું જેને પરિણામે ગુજરાતમાં ભ્રુણ હત્યા તો અટકી જ સાથે સાથે ગુજરાતની દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ આગળ વધી છે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, સમાજનું ભલું કરવાનું કામ કરવા નીકળીએ ત્યારે ઈશ્વર પણ સાથ આપતો હોય છે. હવે તો ગુજરાતમાં દીકરીઓ અલગ અલગ વ્યવસાય કરતી થઈ છે. તેમના રહેવા જમવા અને ભણવા માટેની ભવ્ય હોસ્ટેલો બની ગઈ છે.
વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ પણે કહ્યું કે, ગુજરાતને પગલે આજે દેશભરમાં બેટી બચાવો બેટી પઢાવો ક્ષેત્રે કામ થઈ રહ્યું છે. ઓપરેશન સિંદૂરના પ્રેસ બ્રિફિંગમાં પણ ભારતની દીકરીઓનો અવાજ દુનિયાએ સાંભળ્યો હતો. લખપતિ દીદી, ડ્રોન દીદી, બેંક સખી, વીમા સખી એવા અનેક ક્ષેત્રે આજે ભારતભરમાં મહિલા ઉત્કર્ષનું કામ થઈ રહ્યું છે.
તેમણે જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિમાં સ્કિલ ઉપર ભાર આપવામાં આવ્યો છે. આજે દુનિયાને સ્કીલ્ડ મેન પાવરની જરૂર છે. વિશ્વના ઘણા દેશો વૃદ્ધ જનસંખ્યાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યારે ભારત પાસે દુનિયાને આપવા માટે કુશળ માનવબળ છે. ભારત સરકાર પણ વધુને વધુ રોજગાર સર્જન માટે કાર્યરત છે. આજે ભારતમાં સ્ટાર્ટઅપની સંખ્યા બે લાખ જેટલી થઈ છે. હવે સ્કીલની સ્પર્ધા હોવી જોઈએ, હુન્નરની સ્પર્ધા હોવી જોઈએ. જૂની ઘરેડમાંથી બહાર નિકળીને પરિસ્થિતિને બદલવી જોઈએ, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, મુદ્રા યોજનામાં 33 લાખ કરોડ રૂપિયાની લોન અપાઇ છે અને યુવાનોના હાથમાં સ્વરોજગાર માટે રૂપિયા આવ્યા છે. પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના 15મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લાથી જાહેર કરી છે જે એક લાખ કરોડ રૂપિયાની યોજના છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાને કારણે આજે લોકો સોલાર પાવરને અપનાવતા થયા છે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, સરકારના દરેક અભિયાનમાં સામાજિક સંગઠનો એ સાથ આપ્યો છે. પાટીદાર સમાજે હંમેશા મારી અપેક્ષા પૂરી કરી છે. જે અભિયાન જે મિશન આપ્યા તે પાર પાડ્યા છે. ત્યારે મારી પણ અપેક્ષા વધી છે. આપણે સૌ હવે સ્વદેશીના આગ્રહી બનીએ. પાટીદાર વર્ગ હવે માત્ર ખેડૂત નથી રહ્યો, વિવિધ વ્યવસાય બિઝનેસ કરતો થયો છે ત્યારે સ્વદેશી અપનાવવાની પહેલ કરવી પડશે. દુકાનદારો તેમની દુકાનની બહાર ‘અહીં માત્ર સ્વદેશી વસ્તુ જ મળે છે’ તેવું બોર્ડ લગાવે. આજે વિશ્વની જે અસ્થિરતા છે તેની સામે તમે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી આંદોલનનુ નેતૃત્વ કરો. આપરેશન સિદૂંરના પરાક્રમની જેમ સ્વદેશી વસ્તુનો ઉપયોગ અને વેચાણ પણ દેશભક્તિ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
*આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે* , ગુજરાતના અને પાટીદાર સમાજના વિકાસનો ગ્રાફ એક સમાન છે. જે સમાજ દીકરીને શિક્ષિત કરે, પગભર બનાવે તે સમાજ સૌથી પહેલા વિકાસ કરે છે, પ્રગતિને પામે છે. પાટીદાર સમાજે દીકરીઓના શિક્ષણ થકી આગવો વિકાસ હાંસિલ કર્યો છે.
તેમણે કહ્યું કે, પાટીદાર સમાજે પુરુષાર્થની પરાકાષ્ઠા સર્જીને ઉદ્યોગ, વ્યાપાર, સરકારી સેવા, જાહેર કાર્યો, વિદેશ ગમન એમ દરેક ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે, સાથે જ દેશના વિકાસમાં પૂરું યોગદાન આપ્યું છે. પાટીદાર સમાજના દાતાઓ એકવાર સંકલ્પ લે તો કોઈ પણ મોટા પ્રોજેક્ટને પાર પાડે છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ આ કન્યા છાત્રાલય છે.
છાત્રાલયના લોકાર્પણ સંદર્ભે કેન્દ્રીય મંત્રી શ્રી એ કહ્યું કે, મારા મત વિસ્તારમાં આવડું મોટું કામ થઈ રહ્યું હોય ત્યારે પ્રત્યક્ષ હાજર રહેવું એ મારી ફરજ છે પરંતુ દિલ્હી વિધાનસભામાં સરદાર પટેલના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલની સ્મૃતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો તેમાં પણ મારી ઉપસ્થિતિ અનિવાર્ય હતી તેથી સરદાર ધામ ખાતે રૂબરૂ આવી શકાયું નથી.
તેમણે ઉમેર્યું કે દેશના ગૃહ મંત્રી તરીકે ભારતના અનેક રાજ્ય પ્રાંત પ્રદેશોમાં જવાનું થાય છે. દરેક ભારતીય એક સ્વરે નતમસ્તક થઈને સરદાર પટેલને યાદ કરે છે, તેમનું સન્માન કરે છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો. આદિવાસી ખેડૂત મહિલા યુવાને દરેક વર્ગના ઉત્કર્ષથી ગુજરાત દેશનું રોલ મોડલ સ્ટેટ બન્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આગવા વિકાસથી આજે ગુજરાત ભારતનું ગ્લોબલ ગેટવે બન્યું છે.
તેમણે ઉમેર્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાતનો સભ્યતાથી સંસ્કૃતિ સુધી જવાન થી કિસાન સુધી અને ગામથી નગર સુધી વ્યાપક વિકાસ થયો છે.
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું કે,* સરકારના પ્રયાસોમાં સમાજનો સાથ મળવાથી વિકાસની ગતિ બમણી થાય છે. સરદારધામ જેવી સંસ્થાઓ યુવાનોને શિક્ષિત, સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયાસરત છે. સરદાર સાહેબના નારી સશક્તિકરણના વિચારોને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપીને સાકાર કર્યા છે. તેમણે જણાવ્યું કે દીકરીઓને ભણાવવા માટે ગુજરાત સરકારે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ જેવી પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો અત્યાર સુધીમાં ૧૦.૫૦ લાખથી વધુ દીકરીઓને લાભ મળ્યો છે.
સરદારધામ કન્યા છાત્રાલયના બીજા તબક્કાનું લોકાર્પણ એ સમાજિક સહકારથી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટેનો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. આ કાર્યક્રમ ‘સરદારધામ મિશન ૨૦૨૬’ હેઠળ પાટીદાર સમાજે લીધેલા પાંચ સંકલ્પોને સિદ્ધ કરવાની દિશામાં એક કદમ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આજે લોકાર્પણ થયેલું આ કન્યા છાત્રાલય સમસ્ત પાટીદાર સમાજની દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતીનું આ વર્ષ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં ઉજવાઈ રહ્યું છે. તેમણે સરદાર સાહેબને માત્ર લોહપુરુષ જ નહીં, પરંતુ એકતા, સંસ્કાર અને સમાજસેવાના પ્રતીક ગણાવ્યા. તેમણે ગૌરવ સાથે કહ્યું કે આપણે અખંડ ભારતના શિલ્પી અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગુજરાતી ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના વારસદાર છીએ. સરદારધામ જેવી સંસ્થાઓ ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ના ધ્યેય સાથે દીકરીઓના શિક્ષણને પ્રાધાન્ય આપીને રાષ્ટ્રનિર્માણમાં નારી શક્તિના યોગદાનનો એક નવો અધ્યાય શરૂ કરી રહી છે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૪૭ના વિકસિત ભારતના નિર્માણ માટે ‘જ્ઞાન શક્તિ’ આધારિત ચાર સ્તંભોમાં નારી શક્તિને પણ એક મહત્વનો આધાર ગણાવ્યો છે. શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ભવ્ય કન્યા છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે સરદારધામની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા.
મુખ્યમંત્રીશ્રીએ નવી શિક્ષણ નીતિ (NEP) વિશે વાત કરતાં કહ્યું કે આઝાદ ભારતમાં પહેલીવાર ભારતીય વિચારો અને માતૃભાષાને અનુરૂપ શિક્ષણ વ્યવસ્થા ઘડવાનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષામાં, સ્વદેશી અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાનો છે, જેથી યુવાનો આત્મનિર્ભર બની શકે.
તેમણે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતની આત્મનિર્ભરતા તરફની ઝડપી પ્રગતિનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ‘આત્મનિર્ભર ભારત’ માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ ૧૪૦ કરોડ ભારતીયોનો સંકલ્પ અને જનઆંદોલન છે. તેમણે લોકોને ‘વોકલ ફોર લોકલ’ અને સ્વદેશી ઉત્પાદનો અપનાવવાનું આહ્વાન કર્યું અને જણાવ્યું કે દરેક નાગરિક ભારતીય વસ્તુ ખરીદવાનું દેશભક્તિનું કાર્ય માને ત્યારે જ ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર બનશે.
મુખ્યમંત્રીએ પાટીદાર સમાજના ખમીર અને સમાજહિતની ભાવનાની પ્રશંસા કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરદારધામ સંસ્થા, ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ ના ધ્યેય સાથે, વડાપ્રધાનના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના નિર્માણના સંકલ્પોને સાકાર કરવામાં યોગદાન આપશે.
આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રીઓ શ્રી ઋષિકેશ પટેલ, શ્રી રાઘવજી પટેલ, શ્રી પ્રફુલ પાનસેરીયા, સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ, ધારાસભ્ય શ્રી પ્રકાશ વરમોરા સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી અમદાવાદ ખાતે સરદારધામ સંચાલિત શકરીબેન ડાહ્યાભાઈ પટેલ કન્યા છાત્રાલય સંકુલ ફેઝ-2ના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ₹200 કરોડના ખર્ચે તૈયાર થયેલ 3000 દીકરીઓ માટેના આ સંકુલના શુભારંભ અવસરે વીડિયો મેસેજના માધ્યમથી અભિનંદન પાઠવ્યા હતા તેમજ માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીએ સૌને વર્ચ્યુઅલ માધ્યમથી પ્રેરણાત્મક સંબોધન કર્યું હતું.