ઈઝરાયેલે હૂતી વિદ્રોહીઓના ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા

પ્રતિકાત્મક
આ હુમલાઓમાં રાષ્ટ્રપતિ ભવનનો એક ભાગ, અસર અન હીજાજ વીજળી પ્લાન્ટ, અને ઈંધણ સ્ટોરેજ કેન્દ્રને નિશાન બનાવવામાં આવ્યા.
(એજન્સી)યમન, એકબાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત કેવી રીતે લાવો તેની ગડમથલમાં આખી દુનિયા છે ત્યાં અચાનક બીજી બાજુ ઈઝરાયેલે યમનની રાજધાની સનામાં હૂતી વિદ્રોહીઓના ઠેકાણાઓ પર તાબડતોડ હવાઈ હુમલા કરી નાખ્યા.
આ હુમલાઓમાં રાષ્ટ્રપતિ ભવનનો એક ભાગ, અસર અન હીજાજ વીજળી પ્લાન્ટ, અને ઈંધણ સ્ટોરેજ કેન્દ્રને નિશાન બનાવવામાં આવ્યા. ઈઝરાયેલની વાયુસેનાની આ કાર્યવાહીએ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ધડાકા એટલા જોરદાર હતા કે ઘરોની બારીઓ તૂટી ગઈ અને આસપાસની ઈમારતો હલી ગઈ.
વ્યોનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહૂએ આ હુમલાઓને હૂતી વિદ્રોહીઓ વિરુદ્ધ જવાબી કાર્યવાહી ગણાવી છે. તેમણે તેલ અવીવમાં વાયુસેનાના કમાન્ડ સેન્ટરથી કહ્યું કે, હૂતી આતંકી શાસનને હવે સમજાઈ રહ્યું છે કે ઈઝરાયેલ વિરુદ્ધ આક્રમકતાની કિંમત કેટલી ભાર છે. જે અમારા પર હુમલા કરશે તેને અમે તેનો જવાબ આપીશું.
આ હુમલા શુક્રવારે રાતે યમનથી છોડાયેલી એક બેલિસ્ટિક મિસાઈલના જવાબમાં કરાયા, જેમાં હૂતી વિદ્રોહીઓએ પહેલીવાર ક્લસ્ટર બોમ્બ વોરહેડનો ઉપયોગ કર્યો હતો. ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો કે જે ઠેકાણાઓ પર હુમલા કરાયા તેનો ઉપયોગ હૂતી વિદ્રોહીઓ સૈન્ય ગતિવિધિઓ માટે કરતા હતા. રક્ષામંત્રી ઈઝરાયેલ કાટ્ઝે કહ્યું કે અમે હૂતીઓના રાષ્ટ્રપતિ ભવન, વીજળી પ્લાન્ટ અને ઈંધણ ડેપોને નષ્ટ કર્યા.
અમે હવાઈ અને નેવી નાકાબંધી ચાલુ રાખીશું. જો કે યમન તરફથી રાષ્ટ્રપતિ ભવનના સંપૂર્ણ નષ્ટ થવાની પુષ્ટિ થઈ નથી. હૂતી મીડિયાએ જણાવ્યું કે હુમલાઓમાં વીજળી પ્લાન્ટ અને ગેસ સ્ટેશનને નુક્સાન પહોંચ્યું અને અનેક લોકો ઘાયલ થયા.
સ્થાનિક રહીશ હુસૈન મૌહમ્મદે કહ્યું કે વિસ્ફોટ એટલા જોરદાર હતા કે સમગ્ર ઘર ધ્રુજી ઉઠ્યું. બાળકો ડરના માર્યા રડવા લાગ્યા. એક અન્ય રહીશ અહમદ અલ મેખલાફીએ જણાવ્યું કે ધડાકાથી બારીઓ ખખડી ગઈ અને આસપાસની ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું.
હૂતી વિદ્રોહીઓએ ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા જેના જવાબમાં આ કાર્યવાહી થઈ. હૂતીનો દાવો છે કે તેઓ પેલેસ્ટાઈનના સમર્થનમાં ઈઝરાયેલ પર હુમલા કરી રહ્યા છે. આ હુમલો મધ્ય પૂર્વમાં વધતા તણાવનો હિસ્સો છે.