DEO કચેરીનો સંપર્ક કરીને સેવન્થ ડે સ્કૂલમાંથી બાળકનું એડમિશન કઢાવીને અન્ય સ્કૂલમાં મેળવી શકાશે

વિદ્યાર્થીની હત્યાના એક અઠવાડિયા બાદ ફરીથી શિક્ષણ કાર્ય શરૂ સેવન્થ ડે સ્કૂલમાં
(એજન્સી)અમદાવાદ, અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના એક અઠવાડિયા બાદ ફરીથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ શિક્ષણ કાર્ય હાલ પૂરતું ઓનલાઈન જ શરૂ કરવામાં આવ્યું છે.
ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે હાલ કોઈ શિક્ષણ કાર્ય શરૂ કરાયું નથી. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે.
વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરવાય નહીં તે માટે વચગાળાના આયોજનની શરૂઆત કરવામાં આવી છે. આ માટે ડીઈઓ (જિલ્લા શિક્ષણ અધિકારી) કચેરીના ચાર અધિકારીઓની એક ટીમને સ્કૂલમાં ડેપ્યુટ કરવામાં આવી છે. આ ટીમ વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરશે અને જે વાલીઓ પોતાના બાળકનો પ્રવેશ સેવન્થ ડે સ્કૂલમાંથી રદ કરાવીને અન્ય સ્કૂલમાં દાખલ કરવા ઈચ્છતા હશે તો તેમને મદદ કરશે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, હાલમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ વિના પણ વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રોવિઝનલ એડમિશન આપીને તેમનો અભ્યાસ શરૂ કરાવી દેવામાં આવશે. ડીઈઓ દ્વારા મણિનગર અને તેની આસપાસની શાળાઓને આ અંગે સૂચના પણ આપવામાં આવી છે કે તેઓ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ આપે.
વાલીઓ હવે સીધા ડીઈઓ કચેરીના અધિકારીઓનો સંપર્ક કરીને તેમના બાળકનું એડમિશન સેવન્થ ડે સ્કૂલમાંથી કઢાવીને અન્ય સ્કૂલમાં મેળવી શકશે. આ પગલાંથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તેની ખાતરી કરવામાં આવી છે.