RBIના ચેક બાઉન્સના નવા નિયમો: જાણી જોઈને ચેક બાઉન્સ કરશો તો થશે જેલ

મુંબઈ, ડિજિટલ ઈન્ડિયાના સમયમાં મોટાભાગના પેમેન્ટ યુપીઆઈ, નેટ બેકિંગ કે કાર્ડથી થઈ જાય છે. પરંતુ એક સમય હતો કે જ્યારે આ માટે ચેકનો ઉપયોગ કરવામાં આવતો હતો જો કે હજી પણ ચેકનું મહત્વ સાવ ઘટી નથી ગયુ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ ચેકને લઈને જ કેટલાક મહત્વના નિયમો બનાવ્યા છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું. ચાલો જોઈએ શું છે.
મોટા મોટા ટ્રાન્ઝેકશન માટે આજે પણ લોકો ચેકથી જ લેવડ-દેવડ કરવાનું પસંદ કરે છે. કારણ કે તે એક વિશ્વસનીય માધ્યમ છે. ઘણી વખત આપણાંથી અનેક લોકો સાથે એવુ બન્યું હશે કે એકાઉન્ટમાં બેલેન્સ ના હોવાને કારણે ચેક બાઉન્સ થયો હોય.
આવી સ્થિતિમાં થોડુ આર્થિક નુકશાન થાય છે અને એની સાથે ચેક આપનારની શાખ પર પણ તેની અસર જોવા મળે છે. પરંતુ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આને વધુ સુરક્ષિત બનાવવા માટે કેટલાક મહત્વના નિયમ લાગુ કર્યા છે જે જાણી લેવા તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે.
કોઈ પણ ઔપચારિક વ્યવહાર દરમિયાન ચેકનો ઉપયોગ આજે પણ મહત્વનો માનવામાં આવે છે. જ્યારે ચેક પાસ નથી થતો ત્યારે આખી પ્રક્રિયા થંભી જાય છે. અને માહોલ થોડો ગરમાઈ જાય છે. પહેલાના સમયમાં તો બેંક દ્વારા તેની જાણ પણ મોડેથી થતી હતી, જેને કારણે મુશ્કેલીઓ વધી જતી હતી પણ હવે એવુ નથી.
આરબીઆઈના નવા નિયમ અનુસાર જો હવે કોઈ ચેક બાઉન્સ થાય છે તો બેંકને ૨૪ કલાકની અંદર જ એસએમએસ કે ઈમેલના માધ્યમથી ગ્રાહકને તેની જાણ કરવી ફરજિયાત છે. આને કારણે કસ્ટમર તરત જ ગ્રાહકની સ્થિતિને સમજીને યોગ્ય કાર્યવાહી કરી શકશે અને નુકશાન ખુબ જ ઓછુ થશે.
૨૪ કલાકની અંદર કસ્ટમરને એલર્ટ આપવા સિવાય આરબીઆઈએ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ખોટો ચેક આપે છે તો તેના પર પહેલાથી વધારે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. પહેલા આ માટે વધુમાં વધુ એક વર્ષની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી હતી અને હવે તેને વધારીને ૨ વર્ષ કરી દેવામાં આવી છે. આ સાથે સાથે ભારે દંડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
જો કોઈ ખાતાધારક વાંરવાર ચેક બાઉન્સ કરે છે તો બેંક તેની ચેકબુકની સુવિધા જ બંધ કરવામાં આવશે. આવા લોકો માત્ર ડિજિટલ કે ઓનલાઈન જ પેમેન્ટ કરી શકશે. આ નિયમ ઈમાનદાર ગ્રાહકોની સુરક્ષા અને લેવડ-દેવડને વધારવા માટે લાગુ કરવામાં આવ્યો છે.