Western Times News

Gujarati News

ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ભરાયુંઃ દર્શન બંધ કરવાની ફરજ પડી

તલોદ, ચોમાસાની સિઝનમાં ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં સારો વરસાદ નોંધાયો છે ત્યારે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો તેમજ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં આવેલો ધરોઈ ડેમ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઓવરફલો થવાની સપાટી પર છે ત્યારે ડેમમાં પાણીની આવક સતત વધી રહી હોવાથી તંત્ર દ્વારા ૮ દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે જ્યારે ચાલુ વર્ષે પહેલીવાર ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

હાલ ડેમમાં પાણીની આવક ર૬,૪ર૦ ક્યુસેક નોંધાઈ છે જ્યારે તેમાંથી ૬પ,૮૬૪ કયુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીનો સંગ્રહ ૯૧.ર૮ ટકા થતાં અને પાણીની આવક સતત વધતી હોવાથી ડેમ ઓવરફલો થવાની શક્યતા છે.

સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠાના ગામો અને વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટમાં અવર-જવર ન કરવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે.

ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારો અને ખેડૂતો માટે આ સમાચાર રાહતરૂપ છે કારણ કે આ પાણીનો ઉપયોગ સિંચાઈ અને અન્ય જરૂરિયાતો માટે થઈ શકશે. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી પગલાં લઈ રહ્યું છે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના છેલ્લા દિવસે અમાસ નિમિત્તે ભકતોની મોટી સંખ્યામાં ભીડ જામી હતી. જો કે, સાબરમતી નદીમાં પાણીની આવકને કારણે મંદિર દર્શન બંધ કરવાની ફરજ પડી છે.

છેલ્લા ર૪ કલાકમાં થયેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની અવક થઈ રહી છે. આ સ્થિતિમાં ડેમના ૮ દરવાજા ૩ મીટરથી વધુ ખોલવામાં આવ્યા છે જેને કારણે સાબરમતી નદી બે કાંઠે આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિરના ઘાટના પગથિયા પાણીમાં ડૂબી ગયા છે. મંદિરની અંદર પાણી ભરાઈ જતાં દર્શન માટે મંદિર બંધ કરવામાં આવ્યું છે.

વર્તમાન સ્થિતિમાં સાબરમતી નદી સપ્તેશ્વર વિસ્તારમાં બે કાંઠે વહી રહી છે. ધરોઈ ડેમના ૮ ગેટ ખોલવામાં આવ્યા છે. શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી સ્થાનિક અને આજુબાજુના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભકતો નદીમાં સ્નાન કરવા આવ્યા હતા. જો કે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સલામતીના ભાગરૂપે મંદિર દર્શન બંધ રાખવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.