હરણાવ નદી બે કાંઠે વહેતી થતાં, ખેડબ્રહ્મા પંથકમાં ખેડૂતો ખુશખુશાલ

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા પંથકમાં બે દિવસ પહેલાં રાત્રે સાત ઇંચ વરસાદ પડ્યા પછી રાત્રે ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં શહેર તથા આસપાસ ઠેર ઠેર પાણી ભરાઈ જવાના બનાવ બનેલ છે. ખેડબ્રહ્મા શહેરમાં અત્યાર સુધીમાં ૧૩૨૫ એમએમ એટલે કે ૫૩ ઈંચ જેટલો વિક્રમી વરસાદ થઈ જવા પામેલ છે.
આસપાસના ગામોની નાની નદીઓ વહેળાં તથા હરણાવ નદી માં અતિશય પાણી આવતા બે કાંઠે વહી રહી છે અને લોકોના ટોળે ટોળા હરણાવ જોવા આવી ગયા હતા. અતિશય લોકો પબ્લિક હરણાવ નદી જોવા આવતાં ખેડબ્રહ્મા પોલીસ દ્વારા નાના બ્રિજ તથા મોટા બ્રિજ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ ગામ પાસે નદીમાં પાંચ લોકો ફસાઈ જતાં ખેડબ્રહ્મા તંત્રએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ખેડબ્રહ્મા તથા ઇડરની તરવૈયા ટુકડીઓ બોલાવી તેમને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. નજીકના ખેડવા તથા હરણા ડેમોથી પણ પાણી છોડતા હરણાવ નદીમાં અમાપ પાણી વહી રહ્યું છે. નજીકના ખેડવા ડેમમાં ૩૦૭૯ ક્યુસેક પાણી આવતા તેટલું જ પાણી છોડાઈ રહ્યું છે.
ખેડવા ડેમમાં ૨૫૭.૫૦ નું લેવલ હાલ છે. જેમાં વધારો થતાં પાણી છોડાઈ રહ્યું છે. હરણાવ ડેમમાં પણ ૧૫૫૨ ક્યુસેક પાણીની આવક રહેતી હોય ૧૫ સેન્ટિમીટર જેટલા ત્રણ ગેટ ખોલી તેટલું જ પાણી છોડાઈ રહ્યું છે. જોકે ૧૦ઃ૦૦ વાગ્યાથી વરસાદ બંધ થતા વાતાવરણ ચોખ્ખું થતાં લોકો બજારમાં ફરતા દેખાઈ રહ્યા હતા.