Western Times News

Gujarati News

GSRTCની ગોધરા-બાલાસિનોરની અનિયમિત બસથી મુસાફરો ત્રાહિમામ

પ્રતિકાત્મક

મિની બસમાં પગ મૂકવાની જગ્યા ન મળે એટલી ગીરદી વચ્ચે હેરાન થઈને મુસાફરી કરતા લોકો

બાલાસિનોર, ગોધરાથી આવતી બાલાસિનોરની વાયા ધારાપુરની એસટી બસ કેટલાક સમયથી અનિયમિત થઈ જતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. મોટી બસની જરૂર હોવા છતાં આ રૂટ પર મીની બસ મૂકવામાં આવી છે. આ ઉપરાંત છાશવારે આ બસ કેન્સલ કરી નાંખવામાં આવે છે જેના કારણે મુસાફરો સ્ટેન્ડ પર રાહ જોતા રહે છે.

પંચમહાલના ગોધરા ખાતેથી ઉપડતી અને બાલાસિનોર નવેક વાગ્યે પહોંચતી એસટીની બસ ગોધરા, શહેરા, લુણાવાડા તાલુકાના રર જેટલા ગામડામાંથી પસાર થાય છે. આ બસ ઘણા સમયથી અનિયમિત છે. આ અંગે કલેકટર સમક્ષ રજૂઆત કરતાં બાલાસિનોરના નાગરિકે જણાવ્યું છે કે, મોટી બસની જરૂર હોવા છતાં આ રૂટ પર મીની બસ દોડાવવામાં આવે છે જેમાં એટલી ચિક્કાર ગીરદી હોય છે કે પગ મૂકવાની જગ્યા રહેતી નથી ગમે ત્યારે આ બસ કેન્સલ કરી નાંખવામાં આવે છે.

પરિણામે સ્ટેન્ડ પર લાંબો સમય રાહ જોઈને કંટાળેલા મુસાફરોએ આખરે વધારે ભાડું ખર્ચીને ખાનગી વાહનોમાં જવાની ફરજ પડે છે. એસટીના અધિકારીઓને આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે

પરંતુ મુસાફરોની મુશ્કેલી દૂર થાય તેવા પગલાં લેવાના બદલે ઉલ્ટાનું એસટીના અધિકારીઓ ઉદ્ધત વર્તન કરે છે. ત્યારે આ અંગે તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માંગ પત્રના અંતે કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં એસટીની બેદરકારી અંગે બાલાસિનોર ખાતે બસ રોકો આંદોલન કરવાની પણ ફરજ પડી હતી.

ગોધરા એસટી ડેપોના મેનેજરે આ મામલે જણાવ્યું છે કે, હાલ ચોમાસાના કારણે બસમાં ખામી આવી હોવાથી સંચાલન થોડું ખોરવાયું હતું. શનિ-રવિવારે પાવાગઢ માટે સાત બસ આપવાની હોય છે. અમુક રૂટ કેન્સલ કરવા પડે છે. સંચાલનમાં રહેતી ખામીઓ સુધારવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.