ટેરિફ વાર સામે આ દેશો એકજૂટ થવાના અહેવાલ સાથે ટ્રમ્પની ઊંઘ ઉડી જશે

file photo
એક જ મંચ પર હશે ભારતના PM મોદી, પુતિન અને જિનપિંગ
(એજન્સી)નવીદિલ્હી, અમેરિકાએ ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે. આ સાથે ટ્રમ્પે દાવો કર્યો છે કે, જો કોઈ દેશ રશિયા પાસેથી ક્રૂડ ખરીદે છે, તો તેણે આકરા ટેરિફનો સામનો કરવો પડશે. ટ્રમ્પના આ ટેરિફ વાર સામે વિશ્વના ૨૦ દેશોના દિગ્ગજ એક મંચ પર એકત્ર થશે.
જેમાં વડાપ્રધાન મોદી, રશિયાના પ્રમુખ પુતિન પણ સામેલ થશે. ચીનના તિયાનજિનમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં બ્રિક્સ દેશો એકજૂટ થશે. આ દિગ્ગજો ટેરિફ વાર સામે એકજૂટ થવાના અહેવાલ સાથે ટ્રમ્પની ઊંઘ ઉડી જશે.
ચીનના સહાયક વિદેશ મંત્રી લિયૂ બિને જણાવ્યું હતું કે, એસસીઓ બેઠકમાં રશિયાના પ્રમુખ પુતિન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય દેશના દિગ્ગજ વડાઓ સામેલ થશે. આ આયોજન ચીનના તિયાનજિન શહેરમાં થશે. બે દિવસીય આ સંમેલનમાં યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ અને અન્ય નવ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખ પણ હિસ્સો લેશે.
એસસીઓ શિખર સંમેલનની મેજબાની ચીનના પ્રમુખ શી જિનપિંગ કરી રહ્યા છે. આ શિખર સંમેલનમાં એસસીઓના તમામ દેશ આગામી ૧૦ વર્ષના વિકાસ માટે જોઈન્ટ ડિક્લેરેશન લેટર પર હસ્તાક્ષર કરશે. જે તેના સભ્યો દેશોના વિકાસને મંજૂરી આપશે. સુરક્ષા તેમજ આર્થિક સહયોગને મજબૂત બનાવવાના ઉકેલો પર પણ ચર્ચા કરશે. જેમાં અમેરિકાની ટેરિફ નીતિનો પણ આકરો જવાબ આપી શકાશે.
પીએમ મોદી આવતા અઠવાડિયે ચીન પહેલા જાપાનની મુલાકાત લેશે. ૨૯ અને ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ બે દિવસના પ્રવાસે તેઓ જાપાન યાત્રાએ જશે.