Western Times News

Gujarati News

દિવ્યાંગ વ્યક્તિઓને રૂ.૧પ લાખ સુધીના વાહનોમાં આજીવન વાહનવેરામાંથી કરમુક્તિ

AI Image

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટેક્ષ વિભાગ દ્વારા નાગરિકોને અવારનવાર ટેક્ષ રિબેટ સહિત વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. જેમાં વધુ એક ફાયદો વિકલાંગ વ્યક્તિઓ માટે મંજુર કરવામાં આવ્યો છે જેમાં વિકલાંગ વ્યક્તિઓને રૂ.૧પ લાખ સુધીના વાહનને આજીવન કરમુક્તિ આપવામાં આવશે.

મ્યુનિસિપલ રેવન્યુ કમીટી ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા ના જણાવ્યા મુજબ સ્ટે.ઠરાવનં.૨૬૪૭ તા.૦૭/૧૧/૧૯૮૧ તથા અ.મ્યુ.કો ઠરાવ નં.૧૧૬૩ તા.૨૨/૧૨/૧૯૮૧ મુજબ શારીરીક ક્ષતી ધરાવતી વ્યક્તિને તેઓની માલિકીના અને ફક્ત તેમને જ મુસાફરી માટે વપરાતા વાહનો ઉપર લેવા પાત્ર વેરો ભરવા માંથી મુક્તી આપવામા આવી છે.

તેમાં ફેરફાર/સુધારો કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શારિરીક ખોડખાંપણ વાળા નાગરિકોને તેઓના નામે નોંધાયેલ હોય અને તેઓની મુસાફરી માટે વપરાતા હોય તેવા મહત્તમ બે (૨) વાહનો સુધી તેમજ પ્રતિ વાહન દીઠ બેઝીક કિંમત ૧૫ લાખ કે તેનાથી ઓછી હોય તેવા જ વાહનોને આજીવન વાહનવેરામાંથી મુકિત આપવામાં આવશે.

તથા આ મુકિત શારિરીક ખોડખાંપણ વાળા નાગરિકો જયારે વાહનની ખરીદી કરે અને વ્હીકલટેક્ષ ખાતામાં અરજી કરે ત્યારે જરૂરી પુરાવા ચકાસણી કર્યા બાદ વ્હીકલટેક્ષ મુકિત અંગે ટોકન ઇસ્યુ ફી તરીકે રૂ.૧૦૦/-(અંકે રૂ.સો પુરા) વસુલીને જે તે વ્હીકલ માટે વાહનધારકને રિસીપ્ટ તથા લાઇફ ટાઈમ માફી ટોકન ઇશ્યુ કરવામાં આવશે. આ અમલ સ્ટેન્ડીંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ કરવામાં આવશે.

નાણાંકિય વર્ષ ર૦રપ-ર૬માં મ્યુનિ. કોર્પોરેશનને મિલકત વેરા પેટે રૂ.૧૦પ૧ કરોડની આવક થઈ છે જયોર પાછલા વર્ષે આજ સમયગાળા દરમિયાન રૂ.૯૩૦ કરોડની આવક થઈ હતી. ચાલુ વર્ષ દરમિયાન કોર્પોરેશનને વિવિધ ટેક્ષ પેટે કુલ રૂ.૧ર૩૧.ર૧ કરોડની આવક થઈ છે. ર૦ર૪-રપના વર્ષ દરમિયાન વિવિધ ટેક્ષ પેટે કુલ રૂ.રરપ૪.૧પ કરોડની આવક થઈ હતી. મ્યુનિ. કોર્પોરેશનને એડવાન્સ ટેક્ષ રિબેટ યોજના દરમિયાન રૂ.૮૩૩ કરોડની માતબર આવક થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.