આમોદ NH64 ઉપર કોંગ્રેસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

“૨૫ વર્ષની રોડની ગેરંટી છ મહિનામાં વિખરાઈ ગઈ” બેનર હેઠળ ચક્કાજામ
(પ્રતિનિધિ)ભરૂચ, આમોદ પાસેથી પસાર થતી નેશનલ હાઈવે નંબર ૬૪ અત્યંત બિસ્માર બનતાં સામાન્ય પ્રજા અને વાહનચાલકોનો અવાજ બનવા માટે આમોદ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિત કાંગ્રેસી કાર્યકરોએ આમોદ ચાર રસ્તા ઉપર સુત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો હતો.૨૫ વર્ષની રોડની ગેરંટી છ મહિનામાં વિખરાઈ ગઈ વાળા બેનર હેઠળ કાંગ્રેસી કાર્યકરો ચક્કાજામ કરે તે પહેલા જ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયા હતા.
આમોદ નેશનલ હાઈવે નંબર ૬૪ ચોમાસામાં અત્યંત બિસ્માર બનતાં મસમોટા ખાડાઓ પડી ગયા હતા જેના કારણે છેલ્લા પાંચ દિવસમાં પાંચ અકસ્માતના બનાવો બન્યા હતા.છતાં તંત્રના પેટનું પાણી નહીં હાલતા આજ રોજ કાંગ્રેસી આગેવાનોએ આમોદ ચાર રસ્તા ઉપર વિશાળ બેનર સાથે ચક્કાજામ કર્યું હતું.
જેમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી,આમોદ તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી,વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા,જંબુસર તાલુકા કોંગ્રેસ કમિટી પ્રમુખ શરદસિંહ રાણા,જીલ્લા કોંગ્રેસના મંત્રી બાબુ બરફવાલા સહિત મોટી સંખ્યામાં કાંગ્રેસી આગેવાનોએ આંદોલન કર્યું હતું.જેથી આમોદ પોલીસે તેમને ડિટેન કર્યા હતા.
નેશનલ હાઈવે રોડની બિસ્માર હાલત બાબતે રીક્ષા ચાલકોએ પણ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને રીક્ષાને પણ બિસ્માર રોડને કારણે આર્થિક નુકશાન થતું હોવાનું જણાવ્યું હતું.
આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તાત્કાલિક રોડની કામગીરી પૂરી નહીં થાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કર્યો હતો.
આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ જણાવ્યુ હતુ કે જો આ રોડની કામગીરી તાત્કાલિક પૂરી કરી દેવામાં આવશે તો હું પોતે ધારાસભ્ય કોંગ્રેસના કાર્યકરો સાથે વાજતે ગાજતે હાર પહેરવા જઈશ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારી જ્યાં સુધી લેખિતમાં ના આપે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરીશ.તેમજ પોલીસ આગેવાનોએ પણ કોંગ્રેસના આગેવાનોને અન્ન જળનો ત્યાગ છોડવા મનાવવા પ્રયાસો કર્યા હતા.
નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીએ પોલીસ મથકે આવી જણાવ્યું હતું કે હાલમાં છ ગાડી ડમ્પર આવી છે.જેથી રોડનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. જો રોડનું કામ કરતા જરૂર પડશે તો વધુ ગાડી લાવવામાં આવશે.
કોંગ્રેસના બે આગેવાનોએ અન્ન જળનો ત્યાગ કર્યા બાદ આમોદના પોલીસ ઈન્સ્પેકટર,નાયબ પોલીસ અધિક્ષક તેમજ કલેકટર સાથે નેશનલ હાઈવે ઓથોરિટના અધિકારીઓ સાથે સંકલન કરી નિરાકરણ લાવતા કોંગ્રેસના બે આગેવાનો નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ કેતન મકવાણાએ ઉપવાસનો ત્યાગ કરી પારણા કર્યા હતા.