બીઝેડ કૌભાંડમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને હાઈકોર્ટે રેગ્યુલર જામીન આપ્યા

અમદાવાદ, બીઝેડ સ્કેમમાં આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઇકોર્ટે રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. સીઆઈડી ક્રાઇમે ઝાલા સામે છ હજાર કરોડના કૌભાંડ મામલે નોંધેલી ફરિયાદમાં જામીન મેળવવા તેણે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં હાઇકોર્ટે રેગ્યુલર જામીન મંજૂર રાખ્યા છે.
નોંધનીય છે કે ઝાલાએ રોકાણકારોના રૂપિયા એક વર્ષમાં જીપીઆઈડી કોર્ટ સમક્ષ જમા કરાવવા બાહેંધરી આપી છે. જે પણ કોર્ટે રેકર્ડમાં લીધું છે. અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી ડિસેમ્બર મહિનાથી જેલમાં છે.
આ કેસમાં ૭૦૦ થી વધુ સાહેદ છે, ટ્રાયલ લાંબી ચાલશે. મૂળમાં આરોપીને કસ્ટડીમાં ના લેવાયો ત્યાં સુધી તે ડિફોલ્ટ નહોતો. ત્યાં સુધી તો રોકાણકારોને રેગ્યુલર પેમેન્ટ થતું હતું.
તેની ઉપર આક્ષેપ છે કે તેને બીઝેડ ફાયનાન્સિયલ સર્વિસિઝની ભાગીદારી પેઢી બનાવી, તેનું લાયસન્સ સાબરકાંઠા પુરતુ સીમિત હતું. તેને રોકાણ મેળવવા આરબીઆઈની મંજૂરી લીધી નથી. તે રોકાણકારોને મૌખિક રીતે વધુ વ્યાજ આપવાનો વાયદો કરતો હતો. તેને ૧૧,૧૮૩ રોકાણકારો પાસેથી ૪૨૨ કરોડનું રોકાણ કરાવ્યું છે.
પરંતુ તેના એજન્ટોએ કમિશન લીધું, તેમને જામીન મળી ચૂક્યા છે. તપાસમાં જે આંકડો આવ્યો છે, તે મુજબ રોકાણકારોને ૧૭૨ કરોડ ચૂકવવાના બાકી છે. જીપીઆઈડી એક્ટ મુજબ આરોપીની ૫૪ કરોડની પ્રોપર્ટી જપ્ત કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોપી પાંચ કરોડ ડિપોઝિટ ભરવા તૈયાર છે. આ કેસમાં મહત્તમ છ વર્ષ સજાની જોગવાઈ છે, આ એક આર્થિક ગુનો છે.
એક બેનામી અરજીના આધારે આ કેસમાં તપાસ થઈ છે. જે અરજીમાં જણાવ્યા મુજબ આ સ્કેમમાં મોટા નેતા, પોલીસ તેમજ અધિકારીઓ સામેલ હતા. આરોપી સામે જે આક્ષેપો છે, તે પુરાવાનો વિષય છે. જીપીઆઈડી એક્ટમાં મુખ્યત્વે આરોપી પાસેથી રૂપિયા રિકવર કરાય છે. જે રોકાણકારોને પરત અપાય છે. પરંતુ જ્યુડિશિયલ કસ્ટડીમાં આરોપીની હાલ જરૂર નથી.
આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે.અરજદારના વકીલે જણાવ્યું હતું કે કોર્ટને અપાયેલા બાહેંધરી મુજબ જીપીઆઈડી કોર્ટ સમક્ષ પાંચ કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે.
રોકાણકારોને પૈસા પરત આપવા ભૂપેન્દ્ર ઝાલા પહેલા મહિને એક કરોડ, બીજા મહિને બે કરોડ, ત્રીજા મહિને ત્રણ કરોડ અને બાકીની રકમ નવ સરખા હપ્તામાં જમા કરાવશે. આમ રોકાણકારોની તમામ રકમ એક વર્ષમાં જીપીઆઈડી કોર્ટ સમક્ષ જમા કરાવાશે.SS1MS