પહેલા દિવસે 70થી વધુ વાલીઓએ સેવન્થ ડે સ્કુલમાં પ્રવેશ રદ્દ કરવા માટે પૂછપરછ કરી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ધોરણ ૧૦ના વિદ્યાર્થીની હત્યા બાદ સતત ચર્ચામાં છે. આ સ્કૂલમાં ધોરણ ૮ના વિદ્યાર્થીએ ધોરણ ૧૦ના વિદ્યાર્થીની હત્યા કરી હતી. આ ઘટનાના એક સપ્તાહ બાદ સ્કૂલમાં સોમવારથી ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ થયું છે.
ધોરણ ૬થી ૧૨ના ઓનલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. બીજી તરફ ડીઈઓ કચેરીના ચાર અધિકારીઓને શાળામાં ડેપ્યુટ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓ જે વાલીઓ સેવન્થ ડે સ્કૂલમાંથી પોતાના બાળકનો પ્રવેશ રદ્દ કરી અન્ય સ્કૂલમાં જવા ઈચ્છે છે તેની મદદ કરશે.
આ વચ્ચે પ્રથમ દિવસે ૭૦થી વધુ વાલીઓએ પ્રવેશ રદ્દ કરવા માટે પૂછપરછ કરી હતી. સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીની ધોરણ ૮ના વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી હત્યાએ શિક્ષણજગતમાં હડકંપ મચાવી દીધો હતો. આ ઘટનાની ચર્ચા સમગ્ર દેશમાં થઈ હતી.
આ ઘટના બાદ ઘણા વાલીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં મંગળવારે ઘણા વાલીઓ સ્કૂલ બદલવા માટે પૂછપરછ માટે આવ્યા હતા. જે વાલીઓ સ્કૂલ બદલવા ઈચ્છે છે તેની ડીઈઓ કચેરીના અધિકારીઓ મદદ કરશે. આ વાલીઓ અત્યારે એલસી વગર અન્ય સ્કૂલમાં પ્રોવિઝનલ એડમિશન લઈ શકશે.
અમદાવાદ ડીઈઓની કડક કાર્યવાહી સેવન્થ ડે સ્કૂલના આચાર્યને કર્યા સસ્પેન્ડ
વિદ્યાર્થીની હત્યા બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સેવન્થ ડે સ્કૂલના આચાર્યને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. વિદ્યાર્થીને સારવાર આપવામાં બેદરકારી દાખવવા બદલ શાળાના આચાર્ય ડો.જી.ઈમેન્યુઅલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
તો સ્કૂલના એડમીન હેડ મયુરિકા પટેલ અને જવાબદારોને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટા કરવાના આદેશ અપાયા હતા. હત્યાની ઘટનાને લઈને શાળાને ખુલાસો કરવાનો આજે અંતિમ દિવસ હતો. જો કે અંતિમ દિવસે શાળા તરફથી કોઈ ખુલાસો ન કરવામાં આવતા આખરે ડીઈઓએ શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સેવન્થ ડે સ્કૂલના આચાર્ય ડો. જી.ઇમેન્યુઅલ સામે કાર્યવાહી કરી હતી.
બેદરકારી બદલ શાળાના પ્રિન્સિપાલને બરતરફ કરવાના આદેશ આપ્યા હતા. તે સિવાય સ્કૂલની એડમીન હેડ મયુરિકા પટેલ અને જવાબદારોને તાત્કાલિક અસરથી નોકરીમાંથી દૂર કરવા આદેશ અપાયો હતો. શાળાના વિદ્યાર્થીની સારવાર અપાવવામાં બેદરકારીને કારણે મોત થયું હતું. અમદાવાદમાં ૧૯ ઓગસ્ટના રોજ ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી મચી હતી. જેમાં નજીવી બાબતે આ બને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઇ હતી.
આ નજીવી બાબતમાં ધો-૧૦ના વિદ્યાર્થીએ ધો-૧૦ના સ્ટુડન્ટને છરી મારી દીધી હતી અને વિદ્યાર્થી તડપતો રહ્યો. મણીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં ત્રણ કલાક સર્જરી ચાલી હતી પરંતુ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.
છરીના ઘા બાદ નયનનું મૃત્યુ થયુ હતુ. હવે પાસ્ટમાર્ટમ રિપોર્ટમાં મોટા ખુલાસા થયા છે. રિપોર્ટ અનુસાર, પેટમાં છરીના ઘા વાગતા આંતરડામાં ચાર કાણા પડ્યા હતા, પેટમાં બે નળીઓ કપાઇ ગઇ હોવાથી લોહી પેટમાં જ જમા થઇ ગયુ હતુ.
મૃતક નયનના પાસ્ટમાર્ટમ રિપોર્ટમાં અનેક પ્રકારના ખુલાસા થયા છે. રિપોર્ટ અનુસાર, મૃતક નયનના પેટમાં ઊંડા ઘા મારવામા આવ્યા હતા. નયનના પેટમાં ૧.૫ સેન્ટિમીટરનો ઘા હતો, લોહીની બે મુખ્ય નળી કપાતા પેટમાં ૨.૫ લીટર જેટલું લોહી જમા થઇ ગયુ હતુ. છરીના ઘા એટલા તીક્ષ્ણ હતા કે, પેટના આંતરડામાં ૪ કાણા પડી ગયા હતા.
મહત્વનું છે કે, નયનની સર્જરી કરાવાઇ છતાં જીવ બચી શક્્યો ન હતો. આ ઉપરાંત અન્ય ખુલાસા થયા છે કે, સ્કૂલ પાસેની સ્ટેશનરીમાંથી જ હુમલાખોર વિદ્યાર્થીએ કટર ખરીદ્યુ હતુ. તપાસમાં સ્કૂલની બહાર જ એક નાનુ કટર મળી આવ્યુ હતુ. ઇજા બાદ નયન ૩૦ મિનીટ સુધી તડપતો રહ્યો હતો, પરંતુ સ્કૂલના સંચાલકો, સ્કૂલ ગાર્ડ કે સ્ટાફે કોઇ મદદ ના કરી.